________________
શરણાગતિ: ધર્મનો મૂળ આધાર
લાંબું છે, તો એ પરમાત્માનું કેવી રીતે હોઇ શકે ? અથવા મહાવીરને બીમારી લાગુ પડે છે તો થાય છે કે મહાવીર પરમાત્મા કેવી રીતે હોઇ શકે ? બુદ્ધ પણ મરે છે તો એ પરમાત્મા કેવી રીતે હોઇ શકે? આમ આકૃતિની ભૂલો કાઢતા રહીએ અને આકૃતિની મધ્યમાં જે મોજૂદ છે, તે પરમાત્માને ચૂકી જઇએ છીએ.
૫૬
આપણે એવી વ્યક્તિઓ છીએ કે જે કોડિયાની માટીની ભૂલો કાઢીએ છીએ, તેલની ભૂલો કાઢીએ છીએ, પરંતુ દીવામાં જે જ્યોત ચમકી રહી છે, તેને ચૂકી જાઇએ છીએ. દીવાની બનાવટમાં ભૂલ હોઇ શકે છે. દીવો ના પણ બની શક્યો હોય, સુંદર અને સુઘડ. એની સુંદરતા અને સુઘડતાનું શું પ્રયોજન છે? એ દીવામાં તેલ ભરી શકાય છે, એમાં તેલ રહે છે. એ જ મોટી સગવડ છે. દીવામાં જે જ્યોતિ ચમકી રહી છે, જે નિરાકાર જ્યોતિ છે, તેનો ઉદ્ગમ જોવો મુશ્કેલ છે. એ ઉદ્ગમ જોઇ શકાય તેમ છે. પરંતુ આધ્યાત્મ પ્રતિ ભરાતા પ્રથમ ચરણમાં જ એ જ્યોતિને, અરિહંતમાં, સિદ્ધમાં, સાધુમાં જેમણે જાણ્યું છે તેમનામાં અને તેમના દ્વારા કહેવાયેલા ધર્મમાં, જોવાની કોશિશ કરવી જોઇએ પરંતુ આપણે એવા છીએ જે કૃષ્ણ કહી રહ્યા હોય ત્યારે એમણે શું કહ્યું તેની ઓછી ફિકર કરીએ છીએ. આપણે એની ભાષામાં વ્યાકરણના ક્યાં દોષ રહી ગયા છે, તે જોવાની વધારે ફિકર કરીએ છીએ.
આપણે જાણે ચૂકી જવાની જીદ લઇને બેઠા છીએ અને આપણે ચૂકયા જ કરીશું. જેને આપણે બુદ્ધિમાન કહીએ છીએ, તેમના કરતાં વધારે બુદ્ધિહીન ખોળવા મુશ્કેલ છે. કારણકે તેઓ ચૂકી જવામાં ઘણા કુશળ છે. તેઓ મહાવીર પાસે જાય છે ત્યારે ગણતરી કરે છે કે એમની મૂર્તિમાં બધાં લક્ષણ અંકિત થયાં છે કે નહી ? જે લક્ષણો શાસ્ત્રમાં લખેલાં છે તે મૂર્તિમાં મોજૂદ છે કે નહીં ? આ તો દીવાને માપવા-જોખવાની વાતો છે. તેલ કેવું છે તે જાણવાની વાતો છે. એ બધું કરતા રહીશું ત્યાં સુધીમાં દીવો ઓલવાઇને જ્યોતિ અદ્રશ્ય થઇ જશે. દીવો બરાબર છે, એમ નક્કી થતાં સુધીમાં દીવો ઓલવાઇ ગયો હશે. પછી હજારો વર્ષ સુધી એ માત્ર દીવાની જ પૂજા કરતાં રહીશું. એટલે જ આપણે મરી ચૂકેલા દીવાઓનો જ આદર કરી શકીએ છીએ. જ્યોત બુઝાયા પછીના દીવાને ઠીક હોવાનું પ્રમાણપત્ર મળે છે, ત્યારે ઘણું મોડુ થઇ ગયું હોય છે.
આ જગતમાં જીવંત તીર્થંકરોનો ઉપયોગ થતો નથી. માત્ર મૃત તીર્થંકરોનો ઉપયોગ થાય છે. મૃત તીર્થંકરની ભૂલચૂક કેવી રીતે કાઢી શકાય ? પરંતુ જો તમે જીવંત મહાવીર સાથે પ્રવાસ કરતા હો અને જુઓ કે મહાવીર થાકીને વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા છે તો તમને શંકા જાગશે. અરે ! મહાવીર તો કહેતા હતા કે એમનામાં અનંત ઊર્જા છે, અનંત શક્તિ છે, અનંત વીર્ય છે. ક્યાં ગઇ એ ઊર્જા ? એ તો થાકી ગયા ! દસ માઇલ ચાલ્યા એટલામાં થાક લાગી ગયો, પરસેવો વળી ગયો? સાધારણ માણસ છે. મહાવીરનું શરીર તો થાકશે, એ તો દીવો છે. મહાવીર જે અનંત ઊર્જાની વાત કરે છે તે તો જ્યોતિની વાત છે, દીવા તો બધા થાકી જશે અને તૂટી જશે. પરંતુ આવા વિચારો આપણને કેમ આવે છે ? આ રીતે વિચારીને તર્ક અને સમજાવટને સહારે