________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૫૩
દ્વાર મારફત પ્રવેશ કરવાની જીદ ન કરશો. શક્ય છે કે તમને જે દરવાજો ગમ્યો હોય તે તમારે માટે દીવાલ બની જાય. આપણે બધા સંસ્કારની જડતાને કારણે જિદ્દી બની જઈએ છીએ. આપણે માની લીધુ છે, કે ધર્મમાં ગતિ કરીશું તો તે જિનેન્દ્રના માર્ગે જ કરીશું; વિષ્ણુને માનીએ છીએ માટે કૃષ્ણને માર્ગે, કે રામને માનીએ છીએ એટલે રામને માર્ગે જ આગળ વધીશું. ખરેખર તો તમે કોને માનો છો તે જ્યારે તમે પહોંચશો ત્યારે અને તે દિવસે સિદ્ધ થશે. એની પહેલાં નક્કી કરવું મુશ્કેલ છે. .
ક્યા દરવાજામાંથી પસાર થયા, તે જે દિવસે દરવાજો પાર કરી જશો ત્યારે ખ્યાલ આવશે. પરંતુ તમે તો જાણે હઠ પકડીને બેઠા છો કે આ દરવાજામાંથી જ પસાર થવું છે. એમ લાગે છે કે તમારે માટે દરવાજાનું મૂલ્ય વધારે ઊંચું છે, પહોંચવાનું મૂલ્ય ઓછું છે. આ જ સીડી પર ચઢવું છે એવી જીદ છે. ચઢવા સાથે મતલબ નથી, ન ચઢાય તો પણ વાંધો નહીં, પરંતુ ચડીશું તો આ જ સીડી પર ચડીશું એવી જીદ છે. આ એક પાગલપણું છે. આખી પૃથ્વી આવા પાગલ માણસોથી ભરેલી છે. ધર્મને નામે જે પાગલપણું ઉભુ થયું છે, તે એટલા માટે થયું છે કે આપણું ધ્યાન મંઝિલ પર છે જ નહીં. આપણું ધ્યાન સાધનોના આગ્રહ પર અટકી ગયું છે. સાધનો વિશે નિરાગ્રહી અને મુકત બનશો, તો સંયમની વિધાયક દૃષ્ટિ સમજવામાં જ નહીં, પરંતુ જીવવામાં પણ સમર્થ બની જશો. આવતી કાલે હવે તપ વિશે ચર્ચા કરીશું.