________________
૧૬૨
તપ એટલે આપણી ઊર્જા......
ભ્રષ્ટ કરવાના ધંધા માટે જ સર્જન કરાયું છે?
માનસશાસ્ત્રીઓ કહે છે કે તપસ્વી કામવાસના સાથે લડે છે, તે જ રસ પ્રગાઢ બનીને એના માનસમાં પ્રગટ થાય છે. તપસ્વી કામવાસના સાથે લડે તો એની આસપાસ કામવાસના એક રૂપ ધારણ કરી એને ઘેરી લે છે. જેની સાથે તપસ્વી લડે છે તેનું જ પ્રયોજન-પ્રક્ષેપણ એ કરી લે છે. અપ્સરાઓ સ્વર્ગમાંથી નથી ઊતરતી પરંતુ એના સંઘર્ષ કરી રહેલા મનમાંથી ઊતરે છે. જે એના મનમાં છુપાયું છે તે જ અપ્સરાઓ પ્રગટ કરે છે. જેનાથી એ બચવા માગે છે, તેનું જ સાકાર સ્વરૂપ અપ્સરા રૂપે પ્રગટ થાય છે. અપ્સરા એને ગમે પણ છે. તેમ જ એની સાથે એ લડે પણ છે અપ્સરાઓ એ તપસ્વીના વિકૃત ચિત્તની તૃપ્તિ બને છે. અપ્સરાઓ એમને ભ્રષ્ટ કરવા ક્યાંય બહારથી નથી આવતી, પરંતુ એમના દમિત ચિત્તમાંથી એ પેદા થાય છે.
દમન માણસને રોગી બનાવે છે, સ્વસ્થ નહીં, એટલે જ હું કહું છું કે મહાવીરના તપમાં દમન હોવાનું કોઇ કારણ નથી. મહાવીરે ક્યાંક ‘દમન’ શબ્દનો પ્રયોગ કર્યો છે, તો હું એ વિશે ચોખવટ કરી લઉ કે પચીસસો વર્ષ પહેલાં ‘દમન’ શબ્દનો અર્થ બહુ જુદો હતો. આજે અર્થ બદલાઇ ગયો છે. ‘દમ’ નો અર્થ હતો શાંત થઇ જવું તે. દમનનો અર્થ દબાવી દેવું એવો મહાવીરના સમયમાં ન હતો. દમનનો અર્થ હતો શાંત થઇ જવું તે. શાંત કરી દેવું એવો પણ નહીં, શાંત થઇ જવું તે. ભાષા હંમેશા બદલાયા કરે છે. શબ્દોના અર્થ રોજ બદલાતા રહે છે. એટલે મહાવીરની વાણીમાં દમન શબ્દ ક્યાંક આવી પણ જાય, તો ધ્યાન રાખજો કે એનો અર્થ ‘સપ્રેશન-suppression' નથી, એનો અર્થ દબાવવું એવો થતો નથી. એનો અર્થ શાંત થઇ જવું એવો થાય છે. જે ચીજથી આપણને દુઃખ પેદા થાય છે, તેનાથી વિપરીત જવાથી દમન પેદા થાય છે, જ્યારે એવી ચીજ સમજમાં પ્રતિષ્ઠિત થઇ જવાથી શાંતિ પેદા થાય છે. આ વાત બરાબર સમજવા જેવી છે.
કામવાસનાએ મને દુઃખ આપ્યું હોય તો એની સાથે લડવાનું અને એનાથી વિપરીત દિશામાં જાઉં તો દમન થશે. પરંતુ કામવાસનાએ મને દુ:ખ આપ્યું, એ વાત મારી સમજમાં, મારી પ્રજ્ઞામાં એવી રીતે ઊતરી જાય કે જેથી કામવાસના તો શાંત થઇ જ જાય, છતાં સાથે સાથે કામવાસનાથી વિપરીત કોઇ ભાવ પણ મનમાં પેદા ન થાય. કામવાસના સાથે વેર ન થવું જોઇએ. કામવાસનાની નૈસર્ગિકતા સમજાય એ જરૂરી છે. જ્યાં સુધી વિપરીત ભાવ ઊઠે ત્યાં સુધી શાંત નહીં થવાય.
એક મિત્રની પત્ની મને કહેતી હતી કે મારા પતિ પ્રત્યે મને હવે કોઇ પ્રેમ રહ્યો નથી, પરંતુ કલહ કંકાસ ચાલુ છે. મેં કહ્યું કે જો પ્રેમ સદંતર ન રહ્યો હોય તો કલહ પણ ન રહે. કલહ માટે પણ પ્રેમ જરૂરી છે. પ્રેમ વધારે ઓછો હોઇ શકે, પરંતુ વધારે કલહ હોય તો પ્રેમ પણ વધારે