________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૭૧
છીએ. સહસ્ત્રાર આપણું સૌથી ઊંચું કેન્દ્ર છે, ત્યાં આપણે પરમાત્મા સાથે જોડાયેલા છીએ. ત્યાં આપણને પરમાત્માની શક્તિ મળે છે. ત્યાં આપણે દિવ્યતા સાથે, ભવ્યતા સાથે, ભગવત્તા સાથે જોડાયેલા છીએ.
જ્યારે જ્યારે આપણા મગજમાં કામવાસનાનો વિચાર જાગે છે ત્યારે કામવાસનાના વિચારથી તત્કાલ તમારું કામકેન્દ્ર સક્રિય બને છે, એ ખ્યાલ આવ્યો છે તમને ? મગજમાં વિચાર ચાલે છે, પરંતુ કામકેન્દ્ર જે ઘણું દૂર છે, તે તત્કાલ સક્રિય બની જાય છે.
આ જ પ્રક્રિયા છે. તપસ્વી પોતાના ધ્યાનને સહસ્ત્રાર પર પાછું ફેરવે છે. જેવું ધ્યાન સહસ્રાર પર જાય છે, તેવું તત્કાલ સહસ્રાર સક્રિય બને છે. જ્યારે આ રીતે શક્તિ ઉપર તરફ વહેતી હોય ત્યારે એ નીચે વહેતી નથી. આ છે શક્તિનું દિશાપરિવર્તન. જ્યારે શક્તિને શિખર પર ચઢવાનો માર્ગ મળે છે ત્યારે એ શક્તિ ખીણનું અંધારું છોડવા માંડે છે અને શક્તિ પ્રકાશના જગતમાં પ્રવેશવા લાગે છે. અંધારાનું જગત ચૂપચાપ છૂટતું જાય છે. અંધારાની નિન્દા એના મનમાં હોતી નથી, અંધારાનો વિરોધ પણ એના મનમાં હોતો નથી, એના મનમાં અંધારાનો ખ્યાલ જ હોતો નથી, અંધારા પર એનું ધ્યાન જ નથી. આ પ્રમાણે ધ્યાનનું દિશાપરિવર્તન કરવું, રૂપાંતર કરવું, એનું નામ છે તપ.
આ વાત બરાબર સમજશો તો તમને તપનો બીજો અર્થ પણ બતાવી શકીશ. તપનો બીજો અર્થ થાય છે અગ્નિ. તપનો અર્થ છે ભીતરનો અગ્નિ. મનુષ્યની ભીતર જે જીવનનો અગ્નિ છે તેને ઊમ્બંગમન તરફ લઇ જવાનું કામ તપસ્વીનું છે. એને નીચે લઇ જવાનું કામ ભોગીનું છે. ભોગીનો અર્થ છે કે જે પોતાના અગ્નિને નીચે પ્રવાહિત થવા દે છે, અધોગમન તરફ. તપસ્વીનો અર્થ છે જે પોતાના અગ્નિને ઉપરની તરફ પ્રવાહિત કરી રહ્યો છે, પરમાત્મા તરફ, સિદ્ધાવસ્થા તરફ.
આ અગ્નિ બન્ને દિશામાં જઇ શકે છે. એક ખૂબ મજાની વાત એ છે કે અગ્નિ, ઉપરની તરફ સહેલાઇથી જાય છે, અગ્નિને નીચે વહેવામાં મુશ્કેલી પડે છે. કારણકે અગ્નિનો સ્વભાવ છે, ઉપર ઊઠવાનો. તમે નિરીક્ષણ કર્યું હશે કે જ્યારે તમે આગ પેદા કરો છો ત્યારે તેની ગરમી ચારે તરફ ફેલાય છે, પરંતુ એની જ્વાલા, જ્યોતિ, હંમેશાં ઉપર જાય છે. એટલા માટે ધ્યાનને તપ કહ્યું, અગ્નિકહ્યું. એને યજ્ઞનું નામ આપ્યું કે જેથી ખ્યાલ રહે કે અગ્નિનો સ્વભાવ તો ઉપર ઊઠવાનો જ છે. અગ્નિને નીચે લઇ જવો હોય તો ઘણી મહેનત અને પ્રયત્ન કરવા પડે છે.
પાણી હંમેશા નીચે વહે છે. જો એને ઉપર ચઢાવવું હોય તો ઘણી મહેનત કરવી પડે છે. જો પાણીને ઉપર ચઢાવવાનો પ્રયત્ન છોડી દઇએ, તો તત્કાલ પાણી નીચે વહેવા લાગશે. પંપિગ કરવાનું બંધ કરો તો પાણી નીચે વહેવા લાગશે. એને ઉપર ચઢાવવું હોય તો પંપ કરો, તાકાત વાપરો, નીચે વહેવા માટે પાણીને કોઇની મદદની જરૂર નથી, આપોઆપ વહે છે, એ એનો સ્વભાવ છે.