________________
નમો અરિહંતાણમ્ઃ મંત્ર
૧૮૧
મહાસૂર્ય, આકાશગંગાઓના કોઇ મહાશૂન્ય તરફ ઇશારો કરે છે. જેને Black Hole કહેવાય છે. તો પદાર્થની આવી સાત ગતિ છે.
માનવીમાં આઠમી ગતિ પણ છે પ્રાણની, જીવનની. ખુરસી ચાલી નથી શકતી. જીવનની પોતાની સ્વયમ્ની ગતિ છે. એ આઠમી ગતિ છે. ધર્મ કહે છે કે માનવીમાં નવમી ગતિ પણ છે. જે માનવી ચાલી શકે છે તેની ભીતરમાં જે ઊર્જા છે, તે નીચે તરફ જઇ શકે છે અને ઉપર તરફ પણ જઇ શકે છે.
આ જે નવમી ગતિ છે તેની સાથે તપને સંબંધ છે. આઠ ગતિ સુધી વિજ્ઞાન કામ કરે છે અને નવમી ગતિ, જે પરમગતિ છે. ચેતાનાને ઉપર કે નીચે લઇ જનારી ગતિ છે, તેના પર ધર્મની બધી પ્રક્રિયાનાં મંડાણ છે.
મનુષ્યની જે ઊર્જા છે તે નીચે યા ઉપર તરફ જઇ શકે છે. જ્યારે તમે કામવાસનાથી ઘેરાયલા હો છો ત્યારે એ ઊર્જા નીચે તરફ વહે છે. જ્યારે તમે આત્માની શોધમાં આવિષ્ટ હો, ત્યારે એ જ ઊર્જા ઉપર તરફ વહે છે. જ્યારે તમે જીવનથી ભરપુર હો, ત્યારે એ ઉર્જા તમારા ભીતરમાં ઘૂમ્યા કરતી હોય છે. ધર્મની દૃષ્ટિએ, ભીતરમાં ઊર્જાનું વહેવું કે એનું ઉપર તરફ વહેવું, એક જ દિશાનાં બે નામ છે. જ્યારે તમે મૃત્યુની નજીક આવો છો ત્યારે એ ઊર્જા તમારા શરીરની બહાર વહેવા લાગે છે. મૃત્યુ સમય નજીક આવે ત્યારે માણસની આભા-aura-ઝાંખી પડે છે, માનવી ફિક્કો પડી જાય છે.તેનું એકમાત્ર કારણ, આ ઊર્જાનું બહાર વહન થવાનું શરૂ થાય છે એ છે.
દસ વર્ષ પહેલાં, મૃત્યુ સમયે ઊર્જા બહાર વહી જાય છે એ વાત માનવા વૈજ્ઞાનિકો તૈયાર ન હતા, પરંતુ રશિયામાં ડેવિડોવીચ કિરલિયાનની ફોટોગ્રાફીની શોધ પછી આખી ધારણા બદલાઇ ગઇ છે.
કિરલિયાનની વાત મેં પહેલાં તમને કરી હતી. એ વિષે આજની ચર્ચા માટે જે બાબત મહત્ત્વની છે તે મારે તમને કહેવી છે. કિરલિયાને પોતાના કેમેરાથી જીવન્ત વ્યક્તિઓનાં જે ચિત્રો લીધાં છે તેમાં દરેકમાં શરીરની આસપાસ ઊર્જાનું એક વર્તુળ energy field સ્પષ્ટ દેખાય છે. કિરલિયાનના કેમેરામાં જ આવાં ચિત્રો ઝડપાય છે. એ કેમેરાથી જો કોઇ તાજી મૃત્યુ પામેલી વ્યક્તિનું ચિત્ર લેવાય, તો એની આસપાસ ઊર્જાનું કોઇ વર્તુળ દેખાતું નથી, પરંતુ ઊર્જાનાં ગુચ્છ, એ મૃત શરીરમાંથી બહાર નીકળતાં દેખાય છે. મૃત્યુ પછી ત્રણ દિવસ સુધી આવા ઊર્જાનાં ગુચ્છ શરીરમાંથી બહાર નીકળ્યા કરે છે. પહેલે દિવસે વધારે, બીજા દિવસે ઓછા અને ત્રીજે દિવસે એકદમ ઓછા ઊર્જાનાં ગુચ્છ નીકળતાં રહે છે. ત્રીજા દિવસ પછી જ્યારે ઉર્જાનાં ગુચ્છ બહાર નીકળવાના બંધ થઇ જાય ત્યારે માણસ પૂરી રીતે મૃત્યુ પામે છે. જ્યાંસુધી આ રીતે ઊર્જા બહાર નીકળતી હોય,ત્યાં સુધીમાં માણસને ફરીથી જીવતો કરવાની કોઇ વિધિ કદાચ ભવિષ્યમાં વૈજ્ઞાનિકો ખોળી શકશે.