________________
૮. તપ એટલે આપણી ઊર્જા(શકિત) ની દિશાનું પરિવર્તન
અહિંસા આત્મા છે, સંયમ પ્રાણ છે અને તપ શરીર છે. સ્વાભાવિક રીતે જ અહિંસા વિશે ઘણી ગેરસમજે થયેલી છે અને ખોટી વ્યાખ્યાઓ પણ થઈ છે. પરંતુ એ ગેરસમજ અને ભૂલો આપણા અપરિચયને કારણે છે. જે ચીજથી આપણે અપરિચિત હોઈએ તેની સાચી કે ખોટી વ્યાખ્યા કેવી રીતે કરી શકીએ ? પરંતુ થોડો ઘણો પરિચય હોય તો ખોટી વ્યાખ્યા થઈ જવાની શક્યતા છે. આપણો વધારેમાં વધારે પરિચય તપ સાથે છે કારણકે તપ બહારથી દેખાય છે. જેમ શરીર બહારથી દેખાય છે તેમ તપ પણ દેખાય છે. તપ શરીર છે, આત્માનું. વધારેમાં વધારે ગેરસમજો તપ વિશે થઈ છે. વધારેમાં વધારે ખોટી વ્યાખ્યાઓ પણ તપની થયેલી છે. એ ખોટી વ્યાખ્યાઓએ આપણું ઘણું અહિત કર્યું છે. પરંતુ તપ વિશે થયેલી ખોટી વ્યાખ્યાઓ, પરિચયની ભૂલને કારણે થઈ છે. તપ વિશે આપણે પરિચિત છીએ અને સહેલાઈથી એનો પરિચય થઈ શકે છે. આપણે તપ કરવા માટે, આપણી જાતને બદલવાની કાંઈ જરૂર નથી. આપણે જેવા છીએ, તેવા જ તપ કરવા બેસી શકીએ છીએ. તપ એક પ્રકારનું દ્વાર છે. આપણે કોઈ દ્વારમાં પ્રવેશ કરીએ છીએ તો જેમ દ્વારા આપણને બદલી શકતું નથી, તેમ આપણે તપમાં પ્રવેશ કરીએ તો તપ પણ આપણને બદલી શકતું નથી. એટલે સર્વપ્રથમ તપની જે નિરંતર ખોટી વ્યાખ્યા થતી રહી છે તે આપણે સમજી લેવી જોઈએ, તો જ સાચી વ્યાખ્યા શું છે તે તરફ આપણે પગલાં માંડી શકીશું. આપણે બધા ભોગથી પરિચિત છીએ. સુખ મળવાની આકાંક્ષામાંથી આપણે ભોગમાં ઊતરીએ છીએ. પરંતુ બધી સુખની આકાંક્ષાઓ છેવટે દુ:ખમાં લઈ જાય છે. આપણને ઉદાસ, ખિન્ન અને ઉખડી ગયા હોઈએ એવું આકાંક્ષાની પૂર્તિ પછી લાગ્યા કરે છે. એટલે સ્વાભાવિક રીતે એક