________________
૧૪૪
સંયમની વિઘાયકદ્રષ્ટી
તે એને દેખાતું નથી. એટલે મહાવીરને જે બરાબર સમજવા હોય, એમના ગરિમાપૂર્ણ સંયમને સમજવો હોય, એમના સ્વસ્થ વિધાયક સંયમને સમજવો હોય, તો અતીન્દ્રીયને જગાડવાના પ્રયોગો કરવા જોઈએ. દરેક વ્યકિતની કોઈ એક ઈન્દ્રીય એવી સંવેદનશીલ હોય છે જે તત્કાલ અતીન્દ્રીયમાં પ્રવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. થોડા પ્રયોગો કરવાથી, કઈ ઈન્દ્રીય સંવેદનશીલ છે તે ખ્યાલમાં આવશે. એનાથી તમને તમારી કઈ દિશા છે તે સમજશે. કેવી રીતે આપણે જાણી શકીએ કે આપણી કઈ ઈન્દ્રીયની અતીન્દ્રીય બનવાની ક્ષમતા છે. આપણને ઘણી વાર તક મળે છે, પરંતુ તે આપણે ગુમાવી દઈએ છીએ. કારણકે એ દિશામાં આપણે ક્યારેય વિચાર્યું હોતું નથી. તમે બેઠા હો, તમને કોઈ મિત્રની યાદ આવે અને તમે આંખ ઊંચી કરી જુઓ તો એ મિત્ર તમારી સામે આવીને ઊભો હોય! તમે વિચારો છો કે આ એક સંયોગ છે. તમે એક તક ચૂકી ગયા. ક્યારેક તમે વિચારો છો કે નવ વાગ્યા હોવા જોઈએ, તમે ઘડિયાળ બરાબર જુઓ છો તો એમાં નવ વાગ્યા હોય છે. આ પણ સંયોગ છે એમ તમે વિચારો, કે ચૂકી ગયા, આ અતીન્દ્રયની ઝલક હતી. જે તમને આવી ઝલકનો અનુભવ અવારનવાર થતો હોય તો એના ઉપર પ્રયોગ કરો, એને માત્ર સંયોગો ન કહો. વારંવાર ઘડિયાળ જોતાં પહેલાં તમારી જાતને પૂછો કેટલા વાગ્યા હશે ? નક્કી કરો કે આટલા વાગ્યા હશે, પછી ઘડિયાળ જુઓ. જો તમારી અટકળ સાચી હશે, તો સંભાવના છે કે તમે અતીન્દ્રીયક્ષમતા પ્રાપ્ત કરી શકો. અડધી રાતના ઊઠી જાઓ. પહેલાં વિચાર કરો કેટલા વાગ્યા હશે ? ખરેખર ‘વિચારો એમ કહેવું પણ ઠીક નથી કારણકે વિચાર કરવામાં ભૂલ થઈ જવાનો સંભવ છે. માત્ર ખ્યાલ કરો કેટલા વાગ્યા હશે અને જે પહેલો ખ્યાલ આવે તે ઘડિયાળના સમય સાથે સરખાવો, જે સૌપ્રથમ ખ્યાલ આવ્યો તે મહત્વનો છે. બીજો ખ્યાલ તમારા મનમાંથી આવે છે, એમાં વિચાર પ્રવેશી ગયો હોય છે. બહાર દરવાજા પર કોઈ પગલાં સંભળાય છે. કોઈ મિત્રના આવવાનો ખ્યાલ છે. દરવાજા પર ઘંટડી વાગે છે. ખ્યાલ કરો આંખ બંધ કરીને કોણ હશે ? જે સર્વપ્રથમ ચહેરો યાદ આવે, તે ધ્યાનમાં લઈ દરવાજો ખોલો. તમે ધારેલો મિત્ર સામે ઊભો હોય છે. આ સાંયોગિક નથી એમ થોડા વખતમાં સમજાશે. આ તમારી ક્ષમતાની ઝલક છે. કોઈ એક દિશામાં પણ તમારી અતીન્દ્રીય શક્તિ ખુલવાની શરૂ થશે, તો તમારી બધી ભૌતિક ઈન્દ્રીયો ફીક્કી પડવાનું શરૂ થઈ જશે. એટલું જ નહીં, સંયમનો વિધાયક માર્ગ તમારે માટે સ્પષ્ટ અને સાફ થવા લાગશે. જીવન દરમિયાન કેટલાય અવસરો જે સમજવા જેવા હોય છે તે આપણે ચૂકી જઈએ છીએ.