________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૩૩
અધાર્મિક બનતાં રોકે છે. જે સંયમ અધર્મને બહાર પ્રગટ થતાં રોકે છે તે સંયમ ભીતરમાં ઝેર બનીને ફેલાઈ જાય છે. નિષેધાત્મક સંયમ ફલ પેદા કરી શકતો નથી, પરંતુ માત્ર કાંટાને ઊગતા રોકે છે. જે કાંટા બહાર પ્રગટ થતા રોકાઈ જાય છે તે ભીતરમાં આત્માને વાગે છે. એટલે આપણે જેને સંયમી કહીએ છીએ તે આપણને આનંદી જણાતા નથી. તેઓ કોઈ પીડામાંથી પસાર થતા હોય એવું દેખાય છે. જાણે કોઈ પત્થર નીચે દબાયેલા હોય, કે જાણે પહાડ જેવો બોજો ઉઠાવી રહ્યા હોય એવું દેખાય છે. એમના પગમાં નર્તકનો થનગનાટ નથી હોતો. એમના પગમાં કેદીને પહેરાવેલી જંજીરો દેખાય છે. બાળક જેવા સરળ ને હલકા, હવામાં ઊડવા માટે તત્પર હોય એવા એ દેખાતા નથી, મોટા બોજા નીચે દબાયેલા ભારેખમ દેખાય છે. જેને આપણે સંયમી કહીએ છીએ તે હસવા માટે અસમર્થ બની ગયા હોય એવા લાગે છે. એમની ચારે તરફ આંસુઓની ધારાઓ વહેતી દેખાય છે. જે સંયમી હસી ન શકે પૂરા મનથી, તેને સંયમી કેમ કહેવાય? જેનું જીવન હાસ્ય અને આનંદમાં તરબોળ ન હોય તેને સંયમી કેમ કહેવાય. નિષેધનો તો નિયમ છે કે જ્યાં જ્યાં મન દોડે તેને ત્યાં ન જવા દેવું. જ્યાં મન ખેંચાતું હોય તે તરફ એને જતાં રોકો. એની વિરુદ્ધ દિશામાં એને ખેંચો, એટલે આવો નિષેધ એક આંતરિક સંઘર્ષ બની જાય છે. એનાથી આપણી શક્તિનો દુર્વ્યય થાય છે. આપણને એમાંથી શક્તિ મળતી નથી. જ્યાં જ્યાં સંઘર્ષ છે ત્યાં ત્યાં શક્તિનો દુર્વ્યય છે. જે તરફ મન ખેંચાતું હોય તે તરફ જતાં એને કોણ રોકશે, કોણ એને પાછું વાળશે? આપણે જ આકર્ષિત થઈએ છીએ, ખેંચાઈએ છીએ અને મનના દુશ્મન બનીએ છીએ. એનાથી આપણું મન વિભાજિત થાય છે. આપણી આંતરિકતા તૂટે છે અને પરિણામે એક વિભાજિત વ્યક્તિત્વની જેમ, જેને વૈજ્ઞાનિકો Schizophernia કહે છે. તેવી માનસિક પરિસ્થિતિ પેદા થાય છે. આપણે ખંડિત થઈ જઈએ છીએ અને આપણા મનના અલગ ટુકડા, અંદરોઅંદર લડવાનું શરૂ કરે છે. એમાં કોઈની છત થતી નથી. મહાવીરનો રસ્તો તો જીતનો છે. જે પોતાની સાથે લડે તે કદી જીતી શકે નહીં. આપણને આ વાત બહુ ઊલટી લાગે છે. આપણને એમ લાગે છે કે લડ્યા વિના છત કેવી રીતે થાય ? પરંતુ જે પોતાના બે હાથને આપસમાં લડાવે તે કેવી રીતે જીતે ? ડાબો હાથ જીતશે કે જમણો હાથ જીતશે ? બન્ને લડશે તેમાં શક્તિ તો પોતાની જ ખર્ચાશે. હું ડાબા હાથને જિતાડું કે જમણા હાથને જિતાડું, બેમાંથી કોઈ જીતતું નથી, કારણકે બન્ને હાથની પાછળ હું જ છું. એમાં તો મારું જ વિભાજન છે. કોઈ એકને જિતાડવામાં હું જ પાગલ બનીશ, કારણકે જે જીતશે ને હારશે તે હું જ છું. હું પોતે જ મારો દુશ્મન બનું છું. આ તો હું મારા પડછાયા સાથે લડતો હોઉ તેવું પાગલપણું છે. મહાવીરની સમજ ઘણી ઊંડી છે. આવા ખંડિત વ્યક્તિત્વ તરફ આપણે ઘસડાઈ જઈએ એવી સલાહ એ કદી આપે નહીં. એ તો