________________
૨
જૈન આચાર મીમાંસા જન્મોનું જો કોઈ પ્રાપ્તવ્ય હોય તો તે આ અનંતનો આવિષ્કાર કરવાનું છે. આત્મા પોતાના મૂળ ગુણોને પ્રગટ કરે અને સ્વભાવમાં આવી જાય પછી તેને કંઈ વિશેષ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આનંદ આત્માના ગુણો છે જે આત્માની અંદર જ પડેલા છે, પણ રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ તે ઢંકાયેલા છે. રાખને ખંખેરી નાખીએ તો જેમ અગ્નિ પ્રજવલિત થાય છે તેમ જીવના આ મૂળ ગુણો ઉપરનાં કર્મનાં આવરણોને ઉડાડી નાખીએ - દૂર કરી દઈએ તો એ આપોઆપ પ્રગટ થાય છે.
પંચાચાર પવન જેવો છે, જે કર્મને વેર-વિખેર કરી જીવ ઉપરથી ઉડાડી મૂકે છે - ખેરવી નાખે છે. આમ પંચાચાર આત્માના આ મૂળ ગુણોનો વિકાસ સાધવા માટેનો, આત્માના ઐશ્વર્યને પ્રગટાવવાનો આચાર છે. વીર્યાચાર તો સૂત્રધાર જેવો છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચાર - આ ચારેય આચારો વીર્યાચારના સૂત્રથી સંકળાયેલા છે. - પરોવાયેલા છે. પંચાચારની આરાધના કર્યા વિના કોઈ પણ જીવ પોતાના ઐશ્વર્યને પ્રગટ ન કરી શકે.
ભગવાન મહાવીરનો માર્ગ વિશિષ્ટ અને વિશદ સ્પષ્ટ છે. તેમના આર્ષદષ્ટિની બહાર કંઈ જ રહેતું નથી. તેમણે જે સૂત્રો આપ્યાં છે તેમાં ક્યાંય એક કડી પણ ખૂટતી નથી. જીવનની બે જ સંભાવના છે - મોત અને મોક્ષ. મોત એટલે સંસારમાં જીવનું આવાગમન. જન્મ, જરા (વૃદ્ધાવસ્થા) અને મૃત્યુ - એની ઘટમાળમાં સર્વ જીવો જકડાયેલા છે. આ ઘટમાળની બહાર નીકળી જવું અને અનંત આનંદમાં સ્થિત થવું એટલે મોક્ષ.