________________
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ને આધારે
પ્રાચીન ઉપલબ્ધ રાસકૃતિ વજ્રસેનસૂરિ કૃત ‘ભરત-બાહુબલિ ઘોર’ (સં.૧૨૪૧) છે. બીજી ઉપલબ્ધ રાસકૃતિ ધર્મસૂરિ કૃત ‘જંબુસામિ ચરિયં’(સં. ૧૨૬૬) તેમજ વિજયસેનસૂરિ કૃત ‘રેવંતગિરિ રાસુ' (સં. ૧૨૮૩), અજ્ઞાત કવિ કૃત ‘સપ્તક્ષેત્રિરાસુ' (સં. ૧૩૨૭) નોંધપાત્ર રાસ છે. આ શતકની ગુજરાતી સાહિત્ય સર્જનની પ્રવૃતિ અલ્પ હોવા છતાં ગુજરાતી ભાષાના વિકાસ માટે મહત્ત્વની છે. ગુજરાતી સાહિત્યનો પ્રારંભ વિક્રમના તેરમા શતકમાં જૈન ગુજરાતી કવિ વજ્રસેનસૂરિ તથા જૈન ગૃહસ્થ કવિ નેમિચંદ ભંડારી કૃત ‘જિનવલ્લભસૂરિ ગીત’(વિ.સં. ૧૨૪૫)થી થયો. તે આ શતકની નોંધપાત્ર બાબત છે.
વિક્રમના તેરમા શતકમાં ૧૪ રાસકૃતિઓ મળી છે. તેમાંથી ત્રણજ કેવળ હસ્તપ્રતરૂપે છે. બાકીની ૧૧ મુદ્રિત – પ્રકાશિત છે. આ શતકની સૌથી નાની કૃતિ ‘વીરતિલક ચોપાઈ' (કડી-૧૨) છે. આ શતકની રાસ રચનાઓનો મુખ્ય વિષય કથાત્મક પ્રકારનો છે. ‘જીવદયા રાસ’ અને ‘બુદ્ધિ રાસ’ એ બોધાત્મક પ્રકારના છે. સંપ્રદાયાત્મક પ્રકારમાં તીર્થ મહિમા આલેખતા ‘ રેવંતગિરિ રાસ’ અને ‘આબૂ રાસ’ છે. આ શતકના રાસની ભાષા પ્રારંભકાળની ગુજરાતી ભાષા છે. તેમાં ઉત્તરકાલીન અપભ્રંશના અંશો જોવા મળે છે. આ શતકની ‘ભરતેશ્વર બાહુબલિ રાસ' પર એકથી વધારે વિદ્વાનોએ સંશોધનાત્મક વિવેચનો લખ્યાં છે. રાસ સ્વરૂપ વિશેની ઐતિહાસિક માહિતી આપતો ‘રેવંતગિરિરાસ' આ શતકની નોંધપાત્ર કૃતિ છે .
ગુજરાતમાં તુર્કો અને મુસલમાનોનો પગપસારો થઈ ગયો હતો. તેથી ભારતીય સંસ્કૃતિને બચાવવાનો તેમજ જન માનસને જાગૃત કરવાનું કાર્ય જૈનસાધુ કવિઓએ નાયક બની ઉપાડી લીધું. તેમણે પૂર્વજોના સંસ્કારો અને આધ્યાત્મિક વિચારો જનતા સમક્ષ મૂકવા લોકભાષાનું માધ્યમ સ્વીકાર્યું. હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિના મિલનથી નવી ભાષા ઉદ્ભવી. અરબી અને ફારસી શબ્દો ગુજરાતી ભાષામાં ભળ્યા; જેનું પ્રતિબિંબ ‘રણમલ્લ છંદ’ તેમજ ‘કાન્હડદે પ્રબંધ’ જેવી કૃતિઓમાં જોવા મળે છે. ચૌદમા શતકમાં પ્રાકૃત અને સંસ્કૃત ગ્રંથોને લોકભાષામાં ઉતારવા બાલાવબોધ રચાયાં. જૈન ગ્રંથકારોએ લોકોમાં વીરતા, પરાક્રમ અને દેશ ભક્તિ વધારવા મહાપુરુષોનાં શૌર્ય દર્શાવતા ચરિત્રચિત્રણ આલેખ્યાં. તેમણે કથાવસ્તુ તરીકે રાજા ભોજ, રાજા કુમારપાળ, વસ્તુપાળ – તેજપાળ અને જગડૂશા જેવા ઐતિહાસિક ચરિત્રો પસંદ કર્યા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ધર્માભિમુખ કરવાનો હતો તેમજ આર્ય દેશની આર્ય સંસ્કૃતિ સુરક્ષિત રાખવાનો હતો. ચૌદમા શતકના જિનચંદ્રસૂરિ, જિનકુશલસૂરિ, જિનપદ્મસૂરિ વિશેની રાસકૃતિઓ ઐતિહાસિક માહિતી આપે છે.
વિવિધ ગ્રંથ ભંડારોની ઉપલબ્ધ હસ્તપ્રતો અનુસાર વિક્રમના ચૌદમા શતકમાં ૨૩ રાસકૃતિઓ રચાઈ છે. જેમાંથી ૧૪ પ્રકાશિત છે. આ ઉપરાંત કર્તાના નામ પ્રાપ્ય નથી તેવી પણ રાસકૃતિઓ રચાઈ છે, જેવી કે ‘બારવ્રત ચોપાઈ’– ગા-૪૩, ‘અનાથી મુનિ ચોપાઈ’- ગા-૬૩, ‘અંતરંગ રાસ’- કડી-૬૭, ‘ચતુર્વિશતિ જિન ચતુષ્યદિકા’ – ગા-૨૭, ‘કર્મગતિ ચોપાઇ’ અને ‘રત્નશેખર ચતુઃ પર્વીરાસ’.
‘હંસાઉલી' (લગભગ સં. ૧૩૭૦) અને ‘ભવાઈના ૩૬૦વેશ'ના રચિયતા અસાઈત તથા વીરરસની સુંદર કૃતિ ‘રણમલ્લ છંદ’ (લગભગ સં. ૧૩૯૮), ‘સપ્તશતી’ અને ‘ભાગવત દશમ સ્કંધ' ના કર્તા શ્રીધર વ્યાસ આ બે જૈનેત્તર કવિઓ પણ ચૌદમા શતકમાં જોવા મળે છે. ગુજરાતી લોકકથાનો પ્રારંભ પણ