________________
(૨૬) બાવીસ પરીષહો સહન કરનારા. (૨૭) મરણાંત ઉપસર્ગો સહન કરનારા.
સાધુ ભગવંતો ચરણસિત્તરી અને કરણસિત્તરીનું પાલન કરે છે. તપ, જપ, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ, પ્રભુભક્તિ, ગ્લાનસેવા, વિહાર વગેરે અનેક યોગોને સાધુ ભગવંતો સેવે છે. આ બધા ગુણપુષ્પોથી તેમનું જીવન મઘમઘતા ઉપવન જેવું બને છે. તેમની નજીક આવનારાને તે ગુણપુષ્પોની સૌરભ માણવાનું સદ્ભાગ્ય સાંપડે છે.
આમ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-આ ત્રણ પ્રકારના ગુરુ ભગવંતો વિશ્વના સર્વશ્રેષ્ઠ કોટીના ગુરુ ભગવંત છે. તેઓ કંચન અને કામિનીના સર્વથા ત્યાગી છે. તેઓ તેમને અડતા પણ નથી. તેઓ ક્યારેય વાહનમાં બેસતા નથી. તેઓ હંમેશા ખુલ્લા પગે વિહાર કરે છે. તેમણે માતા, પિતા વગેરે સ્વજનોનો હંમેશ માટે ત્યાગ ર્યો છે. તેઓ ક્યારેય પાણીથી દ્રવ્યસ્નાન કરતા નથી. છતા જ્ઞાનગંગામાં સ્નાન કરતા તેઓ હંમેશા પ્રકુલ્લિત રહે છે. તેમણે ઘર, દુકાન, ધંધો, નોકરી વગેરેનો હંમેશ માટે ત્યાગ કર્યો છે. તેઓ માથાના અને દાઢી-મૂછના વાળનો લોચ કરે છે. તેઓ ક્યારેય સચિત્ત પાણીને અડતા નથી. તેઓ ક્યારેય વિજળી, લાઇટ, દીવા, ચૂલા, ગેસ વગેરેનો ઉપયોગ કરતા નથી. તેઓ ક્યારેય પંખાનો ઉપયોગ કરતા નથી. તેઓ
ક્યારેય વનસ્પતિને અડતા નથી અને તેની ઉપર ચાલતા નથી. તેઓ કોઇ પણ જીવને કોઇ પણ રીતે પીડતા નથી. તેઓ નાનામાં નાના જીવની પણ રક્ષા કરે છે. તેઓ ઠંડી, ગરમી, વરસાદ વગેરેને સમભાવે સહન કરે છે. તેઓ કોઇ પણ પાપ કરતા નથી. તેઓ સંપૂર્ણપણે નિષ્પાપ જીવન જીવે છે. તેમના જેવું જીવન જીવનારા દુનિયામાં બીજા કોઈ નથી. તેમનું જીવન નિર્દોષ અને પવિત્ર છે. તેઓ હંમેશા પ્રભુની આજ્ઞાને વફાદાર રહે છે. તેઓ લોકોને ધર્મનો ઉપદેશ આપે છે.
આમ જિનશાસનના ગુરુભગવંતો અવલ કોટીના છે.
આમ ગુરુનું સ્વરૂપ, પ્રકાર અને ગુણો આપણે જોયા. આના પરથી ગુરુનું મહત્ત્વ સમજી એમના ભક્તિ-બહુમાન કરવા અને આશાતનાઓ ટાળવી એ આપણું કર્તવ્ય બને છે. એટલે હવે આગળ ગુરુના ભક્તિ-બહુમાન શી રીતે કરવા અને તેમની આશાતનાઓ શી રીતે ટાળવી એ વિષે ઉદાહરણો સહિત આપણે વિચારીશું.
સમર્પણમ્
૧૯