________________
(૫) દત્તમુનિ દુષ્ટ શિષ્યો ગુરુના ખોટા દોષો જુવે છે. તેઓ ગુરુની અવજ્ઞા, તિરસ્કાર, પરાભવ વગેરે કરે છે. આ શિષ્યો ઉપર દેવતા કોપાયમાન થાય છે અને ગુરુની અવજ્ઞાનું ફળ તેમને ચખાડે છે. આ સંબંધમાં દત્તમુનિનું ચરિત્ર જાણવા જેવું છે.
કોલ્લપુરમાં ભવિષ્યનો દુકાળ જાણીને સંગમસૂરિએ બધા શિષ્યોને અન્ય દેશમાં મોકલી દીધા. જંઘાબળ ક્ષણ થયું હોવાથી પોતે ત્યાં જ રહ્યા. ત્યાં રહેવા છતાં તેઓ અપ્રમત્તપણે આરાધના કરતા હતા. તેથી નગરદેવતા તેમની ઉપર પ્રસન્ન થઇ. એકવાર દત્ત નામનો તેમનો શિષ્ય ગુરુના સમાચાર જાણવા નગરમાં આવ્યો. સંયોગવશ ગુરુને પહેલાના ઉપાશ્રયમાં જ રહેલા જોઇને તેણે વિચાર્યું, ‘વસતિની યતના પણ ગુરુ કરતા નથી. નક્કી તેઓ શિથીલ થઇ ગયા લાગે છે.” આમ વિચારી તે જુદા ઉપાશ્રયમાં રહ્યો. તેણે ગુરુના બધા સમાચાર મેળવ્યા. તે ગુરુ સાથે ગોચરીએ ગયો. અંતમાકુળોમાં ઘણું ફરતા તે થાકી ગયો. ત્યારે ગુરુએ સંયમબળથી રેવતી વિદ્યાથી ગ્રસ્ત રડતા બાળકને સ્વસ્થ કરી, ભરપૂર આહાર-પાણી વહોરાવડાવ્યા. સાંજે પ્રતિક્રમણ વખતે ગુરુએ દત્તને કહ્યું, “આજ ગોચરીમાં ધાત્રીપિંડ વાપર્યો તેની આલોચના કર.” ત્યારે દત્ત અણગમાથી કટાક્ષમાં બોલ્યો, “અહો ! આપ ઘણું ઝીણું ઝીણું જુવો છો. એક સ્થાનમાં વરસો રહેવાનો પોતાનો મોટો દોષ આપને દેખાતો નથી. અને મારા નાના નાના દોષો આપ જુવો છો.” આમ કહી પ્રતિક્રમણ કરી તે પોતાના ઉપાશ્રયમાં ગયો. આચાર્ય મહારાજ ઉપર પ્રસન્ન થયેલી નગરદેવતાએ “આને ગુરુનો પરાભવ કરવાનું ફળ બતાવું.” એમ વિચારી દત્તના ઉપાશ્રયમાં ભયંકર અંધારું કર્યું અને પ્રચંડ પવન અને હિમનો વરસાદ કર્યો. દત્ત ડરીને બૂમો પાડવા લાગ્યો. ગુરુએ તેને કહ્યું, “આ તરફ આવ.” તે બોલ્યો, “મને દરવાજો દેખાતો નથી.” ગુરુએ આંગળી ઘસીને દેદીપ્યમાન આંગળીથી પ્રકાશ કર્યો. દત્તે વિચાર્યું, “ગુરુ પાસે દીવો પણ છે. તે ગુરુ પાસે આવ્યો. દેવતાએ તેને શિખામણ આપી, “આ મહાત્માનો પરાભવ કરીશ તો તું દુર્ગતિમાં પડીશ. ગુરુ તારા ભલા માટે બધું કરે છે. તને તેમાંય દોષો દેખાય છે. ગુરુની અવજ્ઞા કરવાનો પોતાનો ભયંકર દોષ તને દેખાતો નથી અને ગુરુમાં તું દોષો શોધ્યા કરે છે. તારા ગુરુ તો ખૂબ ઊંચું ચારિત્ર પાળી રહ્યા છે. તેમનામાં દોષો જોવા એ દુધમાંથી પોરા કાઢવા જેવું છે. તેમની આશાતનાથી તને ભયંકર નુકસાન થશે. માટે હજી પણ માફી માગીને સુધરી જા.” દેવતાની વાણીથી
ગુરુ ભક્તિ