________________
નહીં સુધરે તો મોક્ષમાર્ગે આપણી પ્રગતિ શી રીતે થશે ? જો મોક્ષમાર્ગે આપણી પ્રગતિ નહીં થાય તો મોક્ષમાં આપણો પ્રવેશ શી રીતે થશે ? આમ ગુરુ આપણી ભૂલ કાઢે છે તે આપણા હિત માટે જ છે. આપણને મોક્ષમાં પ્રવેશ કરાવવા જ ગુરુ આપણી ભૂલ કાઢે છે. આવા ઉપકારી ગુરુની અવગણના કરવી એ તો કૃતજ્ઞતા છે. માટે ગુરુ આપણી ભૂલ કાઢે ત્યારે દુઃખી ન થવું પણ આનંદ પામવો અને તે ભૂલ સુધારવી.
(૭) નાગશ્રી ઃ ગુરુભગવંતને ઉત્તમ અન્ન-પાણી વહોરાવવા જોઇએ. તેમને ફેંકી દેવા માટે કાઢેલું અર્થાત્ એઠું, વધેલું, પડેલું, બગડેલું, સડેલું, ઝેરીલું, ઊતરી ગયેલું ભોજન કદી વહોરાવવું નહી. તેમને વહોરાવતી વખતે ખરાબ ઇરાદો સેવવો નહી, ગુસ્સે થવું નહી. ગુરુ ભગવંતને શુભભાવથી નિર્દોષ આહાર વહોરાવવો. ગુરુ ભગવંતને ખરાબ વસ્તુ કે ખરાબ ઇરાદાથી વહોરાવવાથી ભયંકર પાપ બંધાય છે અને તેના પરિણામે દુર્ગતિઓમાં સબડવાનું થાય છે.
ચંપાનગરીમાં ત્રણ ભાઇઓ રહેતા હતા. ત્રણે પરણેલા હતા. મોટા ભાઇની પત્નીનું નામ નાગશ્રી હતું. ત્રણે ભાઇઓ પરિવાર સહિત વારાફરતી એક ભાઇને ત્યાં જમતા હતા. એકવાર મોટા ભાઇને ત્યાં જમવાનો વારો હતો. નાગશ્રીએ બધા માટે રસોઇ બનાવી. તેણીએ તુંબડીનું શાક બનાવ્યું. તે ચાખતાં કડવું લાગ્યું. તેથી તે શાક એક બાજુ મૂકી રાખ્યું અને બધાને બીજી વાનગી વગેરે જમાડી. બધા જમીને ગયા પછી માસખમણના તપસ્વી ધર્મરૂચિ અણગાર વહોરવા ત્યાં આવ્યા. નાગશ્રીએ પેલુ કડવું શાક મુનિના પાત્રમાં ઠાલવી દીધું. મુનિએ ગોચરી ગુરુને બતાવતા શુદ્ધ સ્થળ પરઠવવા કહ્યું. મુનિ વનમાં ગયા. એક ટીપું નીચે પડ્યું. તેમાં અનેક કીડીઓ મરી ગઇ. મુનિએ વિચાર્યું, “હવે શું કરવું ?' ઊંડો વિચાર કરી મુનિએ તે ઝેરી શાક પોતાના પેટમાં પરઠવી દીધું. શુભ ધ્યાનમાં કાળ કરી તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. આ બાજુ નગરમાં વાત ફેલાઇ ગઇ. પતિએ નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી. તે જંગલમાં ગઇ. ત્યાં દાવાનળમાં તે જીવતી સળગી ગઈ. ત્યાંથી તે છઠ્ઠી નરકમાં ગઈ. પછી તે બે વાર સાતમી નરકમાં ગઈ. પછી અનંતકાળ સુધી સંસારમાં ભમી.
(૮) ગોવાળઃ પોતાના બળદોને નહીં સાચવતા પ્રભુ ઉપર ગોવાળે ગુસ્સો કર્યો, કાનમાં ખીલ્યા ઠોક્યા, તેથી તેને સાતમી નરકમાં જવું પડ્યું.
સમર્પણમ્