________________
હરાયા ઢોરનું કોઇ ધણી નથી હોતું. તેને ખાવા માટે ચારે બાજુ ભટકવું પડે છે. લોકો તેને મારે છે, હડસેલે છે. તેનું જીવન અસુરક્ષિત હોય છે. ખીલે બંધાયેલ ઢોરને તેનો માલિક ચારો-પાણી આપે છે. તે તેની માવજત કરે છે. તેની તકલીફો, તેના પર આવતા ઉપદ્રવો, માંદગી વગેરેને દૂર કરે છે. શેરીનો કૂતરો ખાવાનું શોધવા ચારે બાજુ ભટકે છે. બીજા કૂતરા તેને હેરાન કરે છે. માણસ પણ તેને મારે છે. પાળેલા કૂતરાને તેનો માલિક ખાવાપીવા આપે છે. તે તેનું રક્ષણ કરે છે. આના પરથી જણાય છે કે જે માલિકનું બંધન સ્વીકારે છે તે સુરક્ષિત બને છે. અલબત્, તેને સ્વતંત્રતા ગુમાવવી પડે છે, પણ તેનાથી તેને લાભ જ થાય છે. તે સુરક્ષિત બને છે. જે માલિકનું બંધન સ્વીકારતો નથી તે સુરક્ષિત બનતો નથી. સ્વતંત્રતા વિનાની સુરક્ષિતતા સારી, પણ સુરક્ષિતતા વિનાની સ્વતંત્રતા સારી નહી.
જો આપણે ગુજ્ઞાના ખીલે બંધાયા હોઇએ તો આપણે નિશ્ચિત છીએ, કેમકે ગુરુ આપણા બધા યોગક્ષેમ કરે છે, આપણી બધી રીતે કાળજી રાખે છે. આપણા જીવનમાં દોષો કેમ ઘટે અને ગુણો કેમ આવે તેના ઉપાયોમાર્ગદર્શન ગુરુ આપણને આપે છે. જો આપણે ગુર્વાજ્ઞાના ખીલે નથી બંધાયા તો આપણી દશા હરાયા ઢોર જેવી છે. ગુરુ તો કરુણાના સાગર હોવાથી આપણી કાળજી રાખે જ છે, પણ તેમના આજ્ઞાપાલનના અભાવે આપણે સંસારમાં ભટકવાનું થાય છે, આપણે અસુરક્ષિત બનીએ છીએ.
બ્રેક વિનાની ગાડીથી અકસ્માત થાય છે અને જાનહાનિ થાય છે. બ્રેકવાળી ગાડી બરાબર પહોંચાડે છે. લગામ વિનાનો ઘોડો ઉન્માર્ગે લઇ જાય છે. લગામવાળો ઘોડો બરાબર પહોંચાડે છે. ગુર્વાજ્ઞા એ બ્રેક છે, લગામ છે. તેના વિનાનું જીવન આપણા માટે નુકસાનકારી છે. ગુર્વાજ્ઞાપાલનપૂર્વકનું જીવન આપણને આબાદ કરે છે.
કુલટા સ્ત્રીને બધા ધૂતકારે છે. પતિવ્રતા સ્ત્રી બધે પૂજાય છે. તેમ ગુરુને સમર્પિત જીવ બધે પૂજાય છે. ગુરુને અસમર્પિત બધેથી હડસેલાય છે.
માટે બીજા, નકામા, આડા-અવળા વિચારો પડતાં મૂકી એકમાત્ર ગુર્વાજ્ઞાને જ સમર્પિત બનવું. તેનાથી જ આપણું કલ્યાણ થવાનું છે અને તેનાથી આપણું કલ્યાણ થવાનું જ છે.
ગુરુ ભક્તિ