________________
કુલવહૂ જેમ બધુ સહન કરીને પણ પતિના ઘરમાં રહે છે તેમ સાધુએ બધુ સહન કરીને પણ ગુરુકુળમાં રહેવું જોઇએ.
- ગુરુકુળમાં રહેવાથી ગુરુ અને અન્ય સાધુઓની વૈયાવચ્ચનો સુંદર લાભ મળે છે, ક્યારેક શિથીલતા, પ્રમાદ વગેરે આવતા હોય તો બીજાને જોઇને કે બીજાની પ્રેરણાથી તે દૂર થાય છે, ચારિત્ર સહેલાઇથી પળાય છે.
જેમનામાં મૂળગુણ ન હોય તેવા જ ગુરુ ગુરુગુણ વિનાના છે. તેમનો વિધિથી ત્યાગ કરવો. જેમનામાં ઉત્તરગુણો ઓછા-વત્તા હોય તેવા ગુરુ તો ગુરુ જ છે. તેમના દોષો જોઇ તેમનો ત્યાગ ન કરવો, પણ માવજીવ તેમની સેવા કરવી.
ગુરુકુળમાં રહેવામાં કદાચ ગોચરીના દોષો લાગવા, સ્વાધ્યાય ઓછો થવો વગેરે દોષો લાગે તો પણ ગુરુકુળને ન છોડવું, કેમકે આ દોષો નાના છે, જ્યારે ગુરુકુળ છોડવું એ મોટો દોષ છે અને ગુરુકુળ છોડવાથી મોટા દોષો જીવનમાં આવે છે. વળી ગુરુકુળમાં રહેવામાં નુકસાન ઓછા કે નહીવત્ છે અને લાભ અપરંપાર છે.
ગુરુકુલવાસ એ મોક્ષનું પ્રથમ કારણ છે. ગુરુકુલવાસ કુમતવાળી બુદ્ધિને દૂર કરીને ચિત્તની વિશુદ્ધિ આપે છે. ગુરુકુલવાસથી બધી જ અભીષ્ટ વસ્તુઓ ફળે છે. માટે મોક્ષાર્થીએ ગુરુકુલમાં રહી ગુરુની અને અન્ય સાધુઓની સેવા કરવી.
ગુરુકુલવાસનો ત્યાગ કરનારો સાધુ એકલો થઇને નિઃશંકપણે અકાર્ય સેવે છે. તેથી તે ફૂલવાલક મુનિની જેમ વ્રતોથી ભ્રષ્ટ થઇને ભવાટવીમાં ભમે છે.
માટે ગુરુકુલવાસને છોડવાનો વિચાર સપનામાં ય ન કરવો. જે ગુરુને છોડે છે તેને કોઇ સંઘરતું નથી. જે ગુરુને છોડે છે તેની ઉપર કોઇ વિશ્વાસ કરતું નથી. જે ગુરુને છોડે છે તે બધેથી તિરસ્કૃત થાય છે.
ગુરુકુલવાસમાં એકાંતે લાભ છે” એમ વિચારી ગુરુકુલમાં જ રહેવું.
ગુરુના સમુદાયમાં રહેવું એ દ્રવ્ય ગુરુકુળવાસ છે. ગુરુની આજ્ઞામાં રહેવું એ ભાવગુરુકુળવાસ છે. દ્રવ્યગુરુકુળવાસ અને ભાવગુરુકુળવાસની ચતુભંગી થાય છે -
(૧) દ્રવ્યથી ગુરુકુળવાસ હોય અને ભાવગુરુકુળવાસ પણ હોય. (૨) દ્રવ્ય ગુરુકુળવાસ હોય, પણ ભાવગુરુકુળવાસ ન હોય. (૩) દ્રવ્ય ગુરુકુળવાસ ન હોય, પણ ભાવગુરુકુળવાસ હોય. (૪) દ્રવ્ય ગુરુકુળવાસ ન હોય, ભાવ ગુરુકુળવાસ ન હોય.
ગુરુકુળમાં રહેનારો અને ગુરુની આજ્ઞામાં રહેનારો શિષ્ય પહેલા ભાંગામાં આવે. જે શિષ્ય ગુરુકુળમાં રહે પણ ગુરુની આજ્ઞામાં ન રહે તે બીજા
ગુરુ ભક્તિ