________________
'ગુર્વાજ્ઞાપાલન એ જ તરણોપાય
શાસ્ત્રમાં ત્રણ પ્રકારના વિહાર બતાવ્યા છે. તે આ પ્રમાણે -
૧) ગીતાર્થ વિહાર – જેઓએ છેદગ્રંથનો અભ્યાસ કર્યો હોય અને તેના પદાર્થો ઉપસ્થિત હોય તથા જેઓ ઉત્સર્ગ-અપવાદના જાણકાર હોય તે ગીતાર્થો. વિહાર એટલે સંયમના યોગોની આરાધના કરવી, વિચરવું. ગીતાર્થોનો વિહાર તે ગીતાર્થવિહાર. ગીતાર્થો સ્વતંત્ર રીતે વિચારી શકે છે, આરાધના કરી શકે છે. હા, તેમને પણ ભગવાનની આજ્ઞા અને શાસ્ત્રોની પરાધીનતા તો હોય છે જ. તેઓ પોતાની મરજી મુજબ વિચરતાં કે આરાધના કરતાં નથી. તેઓ પ્રભુની આજ્ઞા અને શાસ્ત્રો-આ બેને સાપેક્ષ રહીને વિચરે છે, આરાધના કરે છે.
૨) ગીતાર્થનિશ્ચિત વિહાર - જેમણે છેદગ્રંથોનો અભ્યાસ ન કર્યો હોય અને જેઓ ઉત્સર્ગ-અપવાદના જાણકાર ન હોય તે અગીતાર્થો. તેમણે ગીતાર્થોની નિશ્રામાં એટલે કે ગીતાર્થોની આજ્ઞા પ્રમાણે વિહાર કરવો, આરાધના કરવી તે ગીતાર્થનિશ્ચિત વિહાર. અગીતાર્થોએ પોતાની મરજી મુજબ વિચરવાનું કે આરાધના કરવાના નથી, પણ ગીતાર્થ ગુરુની આજ્ઞા પ્રમાણે વિચરવાનું કે આરાધના કરવાની છે.
(૩) અગીતાર્થ વિહાર - અગીતાર્થોનું કોઇની આજ્ઞા વિના સ્વચ્છેદ રીતે વિચારવું, આરાધના કરવી તે અગીતાર્થ વિહાર.
આ ત્રણ પ્રકારના વિહારમાંથી ગીતાર્થવિહાર અને ગીતાર્થનિશ્રિત વિહારની અનુજ્ઞા અપાયેલી છે, અગીતાર્થવિહાર નિષિદ્ધ છે.
આના પરથી સૂચિત થાય છે કે શિષ્ય કે ગૃહસ્થ ક્યાંય પોતાની બુદ્ધિથી સ્વતંત્ર રીતે આરાધના કરવાની નથી. જો તે ગીતાર્થ હોય તો તેણે શાસ્ત્રને પરાધીન રહીને આરાધના કરવાની છે અને જો તે ગીતાર્થ ન હોય તો તેણે ગીતાર્થ ગુરુને પરાધીન રહીને આરાધના કરવાની છે. પોતાની મરજીથી મન ફાવે તેમ વર્તવાથી આરાધના થતી નથી.
ગુરુભગવંત ગીતાર્થ થયા છે. તેઓ શાસ્ત્રોના જાણકાર છે. તેઓ ઉત્સર્ગ-અપવાદને જાણે છે. ક્યા અવસરે શું કરવાથી વધુ લાભ થશે એ તેઓ જાણે છે. તેમની બુદ્ધિ શાસ્ત્રપરિકર્મિત થઇ છે. તેથી તેઓ શાસ્ત્રોની આજ્ઞા મુજબ આરાધના કરે છે અને કરાવે છે. સમર્પણમ્
૧૨૩