________________
ગુરુકૃપા એટલે શું ?
ગુરુકૃપા એ મોક્ષનું અતિઆવશ્યક કારણ છે. એટલે જેની પાસે ગુરુકૃપા છે તેનો મોક્ષ થાય છે અને જેની પાસે ગુરુકૃપા નથી તેનો મોક્ષ થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે ગુરુકૃપા એટલે શું ? તેનો જવાબ આ પ્રમાણે છેઅહીં બે વિકલ્પ છે – (૧) ગુરુના આશીર્વાદ એ ગુરુકૃપા, અથવા (૨) શિષ્યના હૃદયમાં રહેલું ગુરુબહુમાન એ ગુરુકૃપા.
(૧) આમાં પહેલો વિકલ્પ બરાબર નથી, કેમકે ગુરુકૃપાનો અર્થ ગુરુના આશીર્વાદ એવો કરવાથી ઉપર કહેલો નિયમ નહીં ઘટે, કેમકે અભવ્ય વગેરેને ગુરુના આશીર્વાદરૂપ ગુરુકૃપા મળવા છતાં તેમનો મોક્ષ થયો નથી અને ચંડરુદ્રાચાર્યના શિષ્ય વગેરેને ગુરુના આશીર્વાદરૂપ ગુરુકૃપા ન મળી હોવા છતાં તેમનો મોક્ષ થયો છે.
(૨) જો બીજો વિકલ્પ સ્વીકારીએ તો ઉપરનો નિયમ બરાબર ઘટે. અભવ્ય વગેરેને ગુરુના આશીર્વાદરૂપ ગુરુકૃપા મળી હોવા છતાં તેમની પાસે ગુરુબહુમાનરૂપ ગુરુકૃપા ન હતી, તેથી તેમનો મોક્ષ ન થયો. ચંડરુદ્રાચાર્યના શિષ્ય વગેરેને ગુરુના આશીર્વાદરૂપ ગુરુકૃપા ન મળી હોવા છતાં તેમની પાસે ગુરુબહુમાનરૂપ ગુરુકૃપા હતી, તેથી તેમનો મોક્ષ થયો.
તેથી આ નક્કી થાય છે કે શિષ્યના હૃદયમાં રહેલું ગુરુબહુમાન એ જ ગુરુકૃપા છે, ગુરુના આશીર્વાદ એ ગુરુકૃપા નથી. અથવા ગુરુબહુમાન એ ભાવ ગુરુકૃપા છે અને ગુરુના આશીર્વાદ એ દ્રવ્ય ગુરુકૃપા છે. મોક્ષે જવા માટે દ્રવ્ય ગુરુકૃપા હોય કે ન હોય તો પણ ચાલે, પણ ભાવ ગુરુકપા તો અવશ્ય હોવી જ જોઇએ.
શિષ્યના હૃદયમાં ગુરુબહુમાન પેદા કરવા ગુરુ ગુણવાન હોવા જોઇએ એવો નિયમ નથી. ગુરુ દોષવાળા હોય તો પણ જો શિષ્ય તેમને ભગવાન જેવા માને તો તેના હૃદયમાં ગુરુબહુમાન પ્રગટે. તેથી તેની મુક્તિ પણ નક્કી થાય.
આમ પોતાની મુક્તિ માટે શિષ્ય પોતાના હૃદયમાં ગુરુબહુમાન પ્રગટાવવું. તેની માટે તેણે ગુરુને સાક્ષાત્ પરમાત્માતુલ્ય માનવા અને પરમાત્મા જેવી તેમની ભક્તિ કરવી.
ગુરુ ભક્તિ