________________
'छडट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं । अकरितो गुरुवयणं अणंतसंसारिओ होति ||५/४६।।' ।
અર્થ : છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, ૧૫ ઉપવાસ, માસખમણથી યુક્ત એવો પણ જીવ જો ગુરુવચનનું પાલન ન કરે તો અનંત સંસારી થાય.
જમાલિમુનિએ પોતાની બુદ્ધિમાં નહી બેસતું સાચું પણ પ્રભુવચન માન્યું નહી અને અલગ પંથ સ્થાપ્યો તેથી તેમનો સંસાર વધ્યો. માટે ગુરુવચન ક્યારેય ઉત્થાપવું નહી.
(૪) પીઠમુનિ-મહાપીઠ મુનિ ઃ ગુરુ બીજા શિષ્યોની પ્રશંસા કરે અને આપણી પ્રશંસા ન કરે તો પણ ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ ઘટાડવો નહી. આપણું કર્તવ્ય છે, “કોઇ પણ સંયોગમાં ગુરુભક્તિભાવને ટકાવી રાખવો અને વધારવો.' ગુરુનું કર્તવ્ય જો આપણે વિચારીએ તો આપણે ગુરુના ય ગુરુ બની ગયા. ગુરુનું કર્તવ્ય વિચારીએ તો આપણને ગુરુ પ્રત્યે અસદ્ભાવ થાય. આપણે ગુરુને સો ટચના સોના જેવા જ માનવાના. ગુરુ જે કરે છે તે બરાબર જ છે એવી મજબૂત શ્રદ્ધા અંદરમાં ઊભી કરવી. “ગુરુ પક્ષપાત કરે છે.” એમ વિચારી ગુરુના દોષો ન જોવા, પણ “મારી અયોગ્યતા છે' એમ વિચારી પોતાના દોષો જોવા. ગુરુ બીજાની પ્રશંસા કરે ત્યારે ઇર્ષ્યાથી બળી ન મરવું, પણ પ્રમોદભાવ રાખી આનંદ પામવો.
સંસારથી કંટાળેલા મુમુક્ષુએ ગુરુ ઉપર દ્વેષ કરવો ઉચિત નથી. જીવવાની ઇચ્છાવાળો કોણ અમૃતનો દ્વેષ કરે ? ગુરુ ઉપર દુર્ભાવ કરનારનું સમ્યકત્વ જતું રહે છે. ગુરુ વિના ધર્મ પોતાના સાધ્યને સિદ્ધ ન કરી શકે. ખલાસી વિના વહાણ મુસાફરને સામે કિનારે ન લઇ જાય. સાધુ ઉપરનો દ્વેષ પણ સંસારમાં પાડે છે, તો ગુરુ ઉપરના ષ માટે શું કહેવું ? ગુરુ ઉપર દુર્ભાવ રાખી જે મોક્ષ માટે ક્રિયા કરે છે તે ભૂખ શમાવવા ઝેરવાળું ભોજન કરે છે.
પીઠમુનિ અને મહાપીઠમુનિએ ચારિત્રની, જ્ઞાનની અને તપની ઊંચી સાધના કરી હતી, છતાં તેમને વૈયાવચ્ચ કરનારા બાહુ-સુબાહુ મુનિની વિશેષ થતી પ્રશંસાના કારણે ગુરુ પ્રત્યે માનસિક અપ્રીતિ થઇ હતી. તેનું પ્રાયશ્ચિત્ત લીધું ન હતું. તેથી તેમને સ્ત્રીનો અવતાર લેવો પડ્યો. આમ ગુરુ પ્રત્યેની માનસિક અરૂચિ પણ કડવા ફળ આપે છે, તો વાણીથી ગુરુની સામે જેમ-તેમ બોલવું અને કાયાથી ગુરુને નુકસાન કરવું એ તો કેવું ભયંકર ફળ આપે. માટે મન-વચન-કાયાથી ગુરુની આશાતના ન કરવી, પણ આરાધના કરવી.
સમર્પણમ્