________________
(ગુરુની ભક્તિ કરનારા તરી ગયા
(૧) ગૌતમસ્વામી આનંદ શ્રાવકની વિશિષ્ટ અવધિજ્ઞાનની મર્યાદાના વિષયમાં સૌથી જ્યેષ્ઠ ગણધર ગૌતમસ્વામિને પ્રભુએ મિચ્છામિ દુક્કડું આપવાનું કહ્યું, ત્યારે તેમને પ્રભુ પ્રત્યે દુર્ભાવ ન થયો. ઉપરથી અહોભાવ વધી ગયો.
આમ બધાય શિષ્યોએ ગુરુની પાસે ગૌતમસ્વામીની જેમ નાના બાળક જેવા થવું. ગૌતમસ્વામીની ગુરુભક્તિ અજોડ હતી. તેમણે પોતાના મન-વચનકાયા સંપૂર્ણપણે ગુરુને સોંપી દીધા હતા. તેઓ ગુરુઆજ્ઞાથી વિપરીત કંઇ પણ કરતા ન હતા. તેઓ હંમેશા ગુરુની નજીકમાં જ રહેતા હતા. હંમેશા તેઓ ગુરુભક્તિ કરવા ઉત્સુક રહેતા હતા. બધા કાર્યો તેઓ ગુરુને પૂછીને જ કરતા હતા. ગુરુની આજ્ઞા ઉપર તેઓ વિચાર કરતા ન હતા. ગુરુમાં તેમને અંધશ્રદ્ધા ન હતી, અગાધશ્રદ્ધા હતી. પોતે ચાર જ્ઞાનના ધણી હોવા છતાં તેઓ ક્યારેય પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકતા ન હતા. ક્યારેક શંકા પડે તો તેઓ ગુરુને જ તેનું સમાધાન પૂછતાં હતા. પોતે જાણતા હોવા છતાં ગુરુનું વચન તેઓ હર્ષિત હૃદયે સાંભળતાં હતા. ગુરુએ કહેલું કોઇ પણ કાર્ય તેઓ નાનું નહોતા માનતા, પણ ગુરુના મુખમાંથી નીકળેલા વચનને ગુરુકૃપારૂપ માનતા હતા. જ્યારે ગુરુ તેમના સિવાય પોતાના બીજા શિષ્યના ગુણો વખાણતાં ત્યારે તેઓ મનમાં જરાય દુભાતાં નહોતા, પણ તેઓ મનને પ્રમોદભાવથી પુલકિત રાખતા હતા.
સ્વયં છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હોવા છતાં, અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની, રચના કરનારા હોવા છતાં, પ્રભુવીરે ધન્ના અણગાર (કાકંદી)ને ૧૪,૦૦૦ સાધુમાં સર્વશ્રેષ્ઠ બતાવ્યા ત્યારે પણ પ્રભુ પ્રત્યેના ભક્તિભાવમાં ઘટાડો ન થયો, પરંતુ પ્રભુનું સત્યવચન સાંભળી રાજી થયા, અહોભાવયુક્ત થયા.
એકવાર બીજા શિષ્યો હોવા છતાં પ્રભુએ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા ગૌતમસ્વામીને મોકલ્યા. ત્યારે બીજા શિષ્યો હોવા છતાં પ્રભુ શા માટે મને જ કહે છે એમ વિચારી તેઓના મનમાં ખેદ ન થયો પણ બીજા શિષ્યો હોવા છતાં પ્રભુનો મારી ઉપર વધુ પ્રેમ છે, પ્રભુને મારી ઉપર વિશ્વાસ છે, માટે જ મને કહે છે. મને તો પ્રભુની આજ્ઞાનું પાલન કરવાથી મહાન લાભ થશે.” એમ વિચારી તેઓ દેવશર્માને પ્રતિબોધ કરવા ગયા. આમ ગૌતમસ્વામીની ગુરુભક્તિ સૌથી શ્રેષ્ઠ હતી.
ગુરુ ભક્તિ