________________
(૬) પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ ગુરુની ભક્તિ કરનારા આગળ વધીને ખૂબ મહાન બને છે. ગુરુની હાજરીમાં તો ગુરુ પ્રત્યે ભક્તિભાવ હોય પણ ગુરુના કાળધર્મ પછી પણ તેમના પ્રત્યે પહેલા જેવો જ ભક્તિભાવ હોવો જોઇએ. આ સંબંધમાં પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું અને પંન્યાસ પવવિજયજી મહારાજાનું ઉદાહરણ જાણવા યોગ્ય છે.
ભાનુવિજયજી અને પવિજયજીએ દીક્ષા લીધા બાદ પોતાના ગુરુદેવ પૂજ્ય કર્મસાહિત્યનિષ્ણાત પ્રેમસૂરીશ્વરજી મહારાજાની બધી ભક્તિ પોતે કરવાનો નિશ્ચય કર્યો. ગુરુદેવના ગોચરી-પાણી તેઓ લાવતા. વિહારમાં ગુરુદેવની ઉપધિ તેઓ ઉંચકતા, વિહારમાં તેઓ ગુરુદેવની સાથે ને સાથે ચાલતા. વિહારમાં તેઓ પાણી ભરેલા ઘડા ઉંચકતા. સાંજે સૂર્યાસ્ત પૂર્વે ગુરુદેવને પાણી વપરાવતા. નવા ગામમાં સામૈયામાં ગુરુદેવની સાથે ફરતા. ગુરુદેવના કહેવાથી વ્યાખ્યાન પણ આપતા. સાધુઓની માંડલી વ્યવસ્થા સંભાળી તેઓ ગુરુદેવને ચિંતામુક્ત રાખતા. ગોચરી આવ્યા પછી બધા સાધુઓને ગોચરી વહેંચીને પછી તેઓ વાપરતા. ગુરુદેવના કપડાનો કાપ પણ તેઓ કાઢતા. ગુરુદેવના બધા કાર્યો પણ તેઓ સંભાળતા. ગુરુદેવને બધી બાબતોમાં તેઓ સહાયક બનતા.
એકવાર તેમણે ગુરુદેવના કપડાનો કાપ કાઢીને સુકવી દીધા, પછી ભાનુવિજયજીને લાગ્યું કે ગુરુદેવના કપડા હજી બરાબર ચોખ્ખા થયા નથી. તો ફરી કાપ કાઢી તેમણે કપડાને એકદમ ચોખ્ખા કરીને પછી સુકવ્યા.
છેલ્લી ઉંમરમાં જ્યારે ગુરુદેવનું જંઘાબળ ક્ષીણ થયું ત્યારે સાધુઓ ગુરુદેવને સ્ટ્રેચરમાં ઉંચકીને વિહાર કરતા. એ વખતે ભાનવિજયજી પણ પંન્યાસ પદ પર આરૂઢ થયેલા હોવા છતાં પણ અને અનેક શિષ્યોના ગુરુ હોવા છતાં પણ ગુરુદેવનું સ્ટ્રેચર ખભે ઉંચકતા.
ગુરુદેવના કાળધર્મ બાદ એકવાર સાધુઓએ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના સંથારામાં ઘણા આસનો પાથર્યા. તેમણે તે કાઢી નાંખ્યા. શિષ્યોએ કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે, “મારા ગુરુદેવ બેથી વધુ આસન વાપરતાં નહોતા, તો મારે બેથી વધુ આસનો કેમ વપરાય? જો હું વધુ આસનો વાપરું તો ગુરુદેવની આશાતના થાય.”
આમ ગુરુદેવની હાજરીમાં અને ગેરહાજરીમાં કરેલી ગુરુની આવી ભક્તિના પ્રભાવે જ ભાનુવિજયજી જિનશાસનના ધુરંધર આચાર્ય બન્યા,
સમર્પણમ્