________________
' ગુરુના વિરહમાં ગુરુસ્થાપના વિનય એ ધર્મનું મૂળ છે. જિનશાસનમાં વિનયગુણને ખૂબ જ મહત્ત્વ અપાયું છે. માટે જ દરેક ક્રિયા ગુરુની આજ્ઞા લઇને કરાય છે. ગુરુ સાક્ષાત્ હાજર ન હોય ત્યારે ગુરુની ગેરહાજરીમાં ગુરુની સ્થાપના કરી એ સ્થાપનાગુરુની આજ્ઞા લઇને જ બધી ક્રિયા કરાય છે. જેમ ભગવાનની ગેરહાજરીમાં જિનપ્રતિમાની કરેલી સેવા પણ સફળ થાય છે, તેમ ગુરુમહારાજની ગેરહાજરીમાં ગુરુસ્થાપના સન્મુખ કરેલી ધર્મારાધના પણ સફળ થાય છે. સ્થાપનાગુરુ સમક્ષ ક્રિયાઓ કરતી વખતે સાક્ષાત્ ગુરુમહારાજ પાસે આદેશ માંગીએ છીએ અને સાક્ષાત્ ગુરુમહારાજ તેનો જવાબ આપે છે એમ માનવું જોઇએ.
ગુરુની સ્થાપના બે પ્રકારની છે -
(૧) સભૂત સ્થાપના – જેમાં ગુરુનો આકાર હોય તેવી સ્થાપના તે સદ્ભતસ્થાપના. દા.ત. લાકડાની મૂર્તિ, પાષાણની મૂર્તિ, પૂતળુ, ચિત્ર, ફોટા વગેરેમાં ગુરુના ૩૬ ગુણોની સ્થાપના કરવી તે.
(૨) અસભૂત સ્થાપના - જેમાં ગુરુનો આકાર ન હોય તેવી સ્થાપના તે અસભૂત સ્થાપના. દા.ત. અક્ષ, કોડા, જ્ઞાન વગેરેના ઉપકરણો, નવકારવાળી વગેરેમાં ગુરુના ૩૬ ગુણોની સ્થાપના કરવી તે. અક્ષ એટલે વર્તમાનકાળે સાધુમહારાજ સ્થાપનાગુરુમાં રાખે છે તે. તે બેઇન્દ્રિય જીવનું અચિત્ત કલેવર છે, પણ શંખની જેમ શ્રેષ્ઠ પદાર્થ છે.
આ બન્ને પ્રકારની ગુરુસ્થાપના બે પ્રકારની છે -
(૧) વાવસ્કથિત સ્થાપના - વિધિપૂર્વક કરાયેલી કાયમી પ્રતિષ્ઠા તે યાવસ્કથિત સ્થાપના.
(૨) ઇત્વરકથિત સ્થાપના- નવકાર-પંચેન્દ્રિયથી અલ્પ કાળ માટે સ્થપાયેલી હોય તે ઇત્વરકથિત સ્થાપના.
હૃદયમાં જો ભાવ હોય તો સાક્ષાત્ ગુરુ પાસેથી જે ફળ મળવાનું હોય તે જ ફળ ગુરુસ્થાપના પાસેથી પણ મળે. એકલવ્ય સ્થાપનાગુરુના પ્રભાવે જ ધનુર્વિદ્યા શીખ્યો હતો. હૃદયમાં જો ભાવ ન હોય તો સાક્ષાત્ ગુરુ મળવા છતાં પણ કંઇ ફળ મળતું નથી. માટે ગુરુસ્થાપનાને પણ સાક્ષાત્ ગુરુ માનીને તેમની આરાધના કરવી જોઇએ.
ગુરુ ભક્તિ