________________
(૫) આશાતનાનો ત્યાગ કરવો : પૂર્વે કહેલી ગુરુની આશાતનાઓનો ત્યાગ કરવો. ત્રીજી રીતે વિનયના સાત પ્રકારો છે. તે આ પ્રમાણે
-
(૧) અભ્યાસાસન – સૂત્ર વગેરે મેળવવાની ઇચ્છાવાળાએ હંમેશા ગુરુની નજીકમાં બેસવું. ‘ગુરુ કંઇક કાર્ય સોંપશે' એવા ભયથી શિષ્યે ગુરુથી બહુ દૂર ન બેસવું. (૨) છંદોડનુવર્તન – શિષ્ય બધી બાબતોમાં ગુરુની ઇચ્છાને અનુસરવું. શિષ્યે પચ્ચક્ખાણ પણ ગુરુની ઇચ્છા મુજબનું કરવું. શિષ્ય શાસ્ત્રાભ્યાસ પણ ગુરુની ઇચ્છા મુજબ ક૨વો. શિષ્ય-વિહાર પણ ગુરુની ઇચ્છા મુજબ કરવો. શિષ્ય યોગોની આરાધના પણ ગુરુની ઇચ્છા મુજબ ક૨વી. ટુંકમાં, શિષ્યે પોતાની સ્વતંત્ર કોઇ ઇચ્છા ન રાખવી, ગુરુની ઇચ્છાને જ પોતાની ઇચ્છા માની તે મુજબ વર્તવું. મારા ગુરુદેવ પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્ વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના એક વયોવૃદ્ધ શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધનવિજયજી મહારાજે પોતાના જીવનનો એક મંત્ર બનાવેલો-‘આપ કહો તેમ'. ગુરુદેવશ્રી તેમને કંઇ પણ પૂછે ત્યારે તેમનો એક જ જવાબ હોય ‘આપ કહો તેમ.’ તેઓ પોતાનું જીવન ગુરુદેવશ્રીની ઇચ્છા મુજબ જીવ્યા. તેથી જ તેઓ ગુરુદેવશ્રીના હૃદયમાં વસી ગયેલા. આજે પણ ગુરુદેવશ્રી તેમને ઘણીવાર યાદ કરે છે. સમર્પણભાવના પ્રભાવે જ તેઓ મોટી ઉંમરે ચારિત્ર લઇ એક વર્ષમાં ચાર માસક્ષમણ કરી સંયમની ઉચ્ચ સાધના કરી પોતાનું જીવન સફળ કરી ગયા.
સાધનામાર્ગે ચાલનારા શિષ્યે પોતાનું અસ્તિત્વ ગુરુમાં વિલીન કરી દેવાનું હોય છે. તેણે પોતાનું સ્વતંત્ર રાખવાનું હોતું નથી. સંસાર છોડીને તે સાધુ બને છે. તે જ્યારે મનને છોડે છે ત્યારે તે શિષ્ય બને છે. જે ગુરુની ઇચ્છા મુજબ વર્તે છે. ભવિષ્યમાં તેની બધી ઇચ્છાઓ પૂરી થાય છે અને બધા તેની ઇચ્છા મુજબ વર્તે છે. જે પોતાની ઇચ્છા મુજબ વર્તે છે, ભવિષ્યમાં તેની ઇચ્છાઓ પૂરી થતી નથી અને તેણે બીજાની ઇચ્છાઓ માનવી પડે છે.
મોક્ષમાં જવાનો આ સરળ માર્ગ છે-ગુરુની ઇચ્છાને અનુસરવું. માટે સર્વ કાર્યોમાં ગુરુની ઇચ્છાને અનુસરવા પ્રયત્નશીલ બનવું.
(૩) કૃતપ્રતિકૃતિ : ‘ગુરુની ભક્તિ કરવાથી મને નિર્જરા થશે’-માત્ર આવા ભાવથી જ ગુરુની ભક્તિ ન કરવી પણ ભક્તિથી ખુશ થયેલા ગુરુ સૂત્રઅર્થ વગેરે આપીને મારી ઉપર ઉપકાર કરશે એવા પણ ભાવથી ગુરુની સેવા કરવી.
ગુરુ ભક્તિ
૫૦