________________
જૈનદર્શનમાં જ્ઞાન-દર્શનની સમસ્યા
જૈન તત્ત્વજ્ઞાનમાં પારિભાષિક “દર્શન' શબ્દ બે અર્થમાં પ્રયુક્ત છે – શ્રદ્ધા અને એક પ્રકારનો બોધ. જ્ઞાન પણ બોધરૂપ છે અને દર્શન પણ બોધરૂપ છે. તો આ બે બોધમાં શો ભેદ છે ? તેમની વચ્ચે કેવો સંબંધ છે? જ્ઞાન અને દર્શનનું સ્વરૂપ, તેમના વિષયો અને તેમના કાલિક સંબંધ આદિ વિશે જૈન ચિંતકોમાં બહુ ઊંડા મતભેદો પ્રવર્તે છે, જે દર્શાવે છે કે મૂળ પરંપરાની વિસ્મૃતિ થઈ ગઈ છે. આ મતભેદોનો વિચાર કરી, તેઓ સ્વીકાર્ય શા માટે નથી તે દર્શાવી, અન્ને યોગ્ય મત કેવો હોવો જોઈએ એની વિચારણા કરીશું.
(A) કેટલાક જૈન ચિંતકો અનુસાર જે સામાન્યગ્રાહી છે તે દર્શન અને વિશેષગ્રાહી છે તે જ્ઞાન. આ કારણે પહેલાં દર્શન થાય અને પછી જ્ઞાન થાય, કારણ કે જેણે સામાન્યનું ગ્રહણ કર્યું ન હોય તે વિશેષને ગ્રહણ કરવા પ્રવૃત્ત થતો નથી. આ પક્ષ વિરુદ્ધ નીચે પ્રમાણે આપત્તિઓ આપવામાં આવી છે :
(૧) સૌપ્રથમ થતું દર્શન સામાન્યગ્રાહી છે અને તે પછી થતું જ્ઞાન વિશેષગ્રાહી છે - આ વાત સર્વસામાન્ય નથી. સૌત્રાન્તિક બૌદ્ધોના મતે દર્શન જે સૌપ્રથમ થાય છે અને જેને જ તેઓ પ્રત્યક્ષ ગણે છે તે વિશેષગ્રાહી (સ્વલક્ષણગ્રાહી) છે અને તેના પછી થતું જ્ઞાન સામાન્યગ્રાહી છે. સામાન્યને તેઓ વસ્તુસતું માનતા નથી. તે કેવળ વ્યાવૃત્તિરૂપ છે. ગોત્વ સામાન્ય અગોવ્યાવૃત્તિ જ છે. દર્શન પછી થતું જ્ઞાન સમારોપોનો વ્યવચ્છેદ માત્ર કરે છે. દર્શન વસ્તુને તેના સઘળા ગુણો સહિત જાણે છે. તેના પછી થતું જ્ઞાન તો તેના ઉપર ભ્રાન્તિના કારણે થતા સમારોપોનો વ્યવચ્છેદ કરે છે. પણ કોઈ અદૃષ્ટ યા અપ્રતીત વવંશનો બોધ કરાવતું નથી.
નગીન જી. શાહ