________________
158
કુમારપાળ દેસાઈ
શ્રાવણી અમાવાસ્યાએ શરૂ થતું તે ભાદરવા સુદ ત્રીજ સુધી અર્થ સાથે વંચાતું. પણ સળંગ વાંચનથી કોઈ વંચિત રહી ગયું હોય તો ભાદરવા સુદ ચોથે આખા બારસો શ્લોકોનો મુખપાઠ થતો.
લલિત મધુર પદાવલિવાળા અર્ધમાગધી ભાષામાં લખાયેલા કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરનું ચરિત્ર અત્યંત વિસ્તૃત રીતે આલેખાયેલું છે. તે પછી પાર્શ્વનાથચરિત્ર, નેમિનાથચરિત્ર અને ઋષભચરિત્ર મળે છે. જ્યારે બીજા તીર્થંકરો વિશે માત્ર બે-ચાર લીટી જ મળે છે. તીર્થંકરોનાં ચરિત્રોનું આલેખન પશ્ચાનુપૂર્વીથી એટલે કે છેલ્લા થયા તેનું પહેલું વર્ણન ક૨વામાં આવ્યું છે. આમ મહાવીરસ્વામીના ચરિત્રથી આરંભ કરવામાં આવ્યો છે અને પછી ક્રમસર ભૂતકાળમાં જઈને છેલ્લે વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનનું જીવન આલેખાયું છે.
કલ્પસૂત્રના ત્રણ મુખ્ય વિભાગ છે. તેમાં પહેલા વિભાગમાં સાધુઓની સમાચારી દર્શાવી છે. ચાતુર્માસ દરમિયાન જૈન સાધુ-સાધ્વીઓના આચાર-પાલનના નિયમો દર્શાવ્યા છે. બીજો ભાગ સ્થવિરાવલિનો છે. જેમાં ગણધર ગૌતમથી શરૂ કરીને સુધર્મા, જંબુ, ભદ્રબાહુ, સ્થૂલિભદ્ર, કાલક વગેરે સ્થવિરોની પરંપરા અને શાખાઓ વર્ણવવામાં આવી છે. જ્યારે ત્રીજા ભાગમાં વર્તમાન ચોવીસીના તીર્થંકરોનાં ચરિત્રો મળે છે.
આમજનતાને અનુલક્ષીને એના ક્રમમાં ફેરફાર થયો છે. એમાં પ્રથમ સાધુજીવનના દસ વિધિકલ્પોની ચર્ચા હતી અને સાધુ સમાચારીનું વર્ણન મુખ્ય હતું. તે ગૌણ થયું. જ્યારે ચોવીસ તીર્થંકરોનાં જીવન અને તેમાં પણ ત્રણ (પાર્શ્વનાથ, નેમિનાથ અને ઋષભદેવ ભગવાન) તીર્થંકરોનાં જીવન અને તેમાંય ભગવાન મહાવીરસ્વામીનું જીવન મુખ્ય પદ પામ્યું.
પર્યુષણના દિવસોમાં પાંચમા દિવસના વ્યાખ્યાનમાં કલ્પસૂત્ર વાચનમાં ત્રિશલામાતાનાં ચૌદ મંગલકારી મહાસ્વપ્ન અને ભગવાન મહાવીરસ્વામીના જન્મોત્સવની પાવન ઘટનાનું વાચન થાય છે. એ દિવસ મહાવીર જન્મકલ્યાણક (શ્રી મહાવીર જન્મવાચન દિન) તરીકે ઊજવાય છે. આ દિવસે સુપન (સ્વપ્ન) ઉતારવાની અને જન્મ-વધાઈનો ઉત્સવ ઊજવવાની પ્રથા છેક પ્રાચીન સમયથી ચાલી આવી છે. વિશ્વભરમાં જ્યાં જ્યાં જૈનો હોય ત્યાં ત્યાં ભગવાન મહાવી૨-સ્વામીના જન્મનો આ દિવસ અતિ ઉત્સાહપૂર્વક ઊજવાય છે અને એ સમયે અનોખો ધર્મોત્સાહ જોવા મળે છે.
એક કવિ કહે છે તેમ, ‘કલ્પસૂત્ર કલ્પતરુ સમાન છે.’
એ તરુના બીજ રૂપે મહાવીર ચરિત્ર, અંકુર રૂપે પાર્શ્વચરિત્ર, થડ રૂપે નેમચરિત્ર, શાખા રૂપે ઋષભચરિત્ર, પુષ્પ રૂપે સ્થવિરાવલિ અને સુગંધ રૂપે સમાચારી છે.
‘આ કલ્પસૂત્રરૂપ કલ્પવૃક્ષનું ફળ મોક્ષ છે.'
કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ એ પાપનિવારક ગણાય છે અને એમ કહેવામાં આવે છે કે છઠ્ઠઅઠ્ઠમની તપશ્ચર્યા કરીને આ ગ્રંથનું વાચન કરવામાં આવે તો એને અવશ્ય મોક્ષફળ આપે છે. એમ પણ કહેવાયું છે કે જે વ્યક્તિ કલ્પસૂત્રનુ આ રીતે એકવીસ વખત વિધિપૂર્વક શ્રવણ કરે છે, તે આઠમા ભવે મોક્ષે જાય છે.