________________
200
રશ્મિ ભેદા
આત્મામાંથી પરભાવોનો ત્યાગ કરવો તે રેચક ભાવ પ્રાણાયામ. આત્મામાં અંતરાત્મભાવ પ્રગટાવવો તે પૂરક ભાવ પ્રાણાયામ.
આત્માને સ્વભાવદશામાં સ્થિર કરવો તે કુંભક ભાવ પ્રાણાયામ.
પાતંજલ ઋષિ ‘યોગદર્શન'માં પ્રાણાયામના અભ્યાસથી પ્રકાશનું અર્થાત્ બુદ્ધિસત્ત્વનું (જ્ઞાન, દર્શનને રોકનારું) જે આવરણ છે તે ક્ષય પામે છે એમ કહે છે. પ્રાણાયામની સિદ્ધિ થવાથી વિવેકના કારણરૂપ બુદ્ધિસત્ત્વના પ્રકાશનું પાપરૂપ અને ક્લેશરૂપ આવરણ ક્ષય પામે છે. પ્રાણાયામથી શરીર નીરોગી બને છે. પરંતુ જૈનદર્શન પ્રમાણે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર સંબંધી આચારવિચાર, વિનય, અભ્યાસ, તપ, દેવગુરુસેવા આદિ વિના જ્ઞાન, દર્શનરૂપ આત્મપ્રકાશ પ્રગટતો નથી. પ્રાણાયામ દૈહિક ક્રિયા છે. એનાથી આત્મશુદ્ધિ થતી નથી પરંતુ સમ્યક્ પ્રકારે દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા, ચારિત્ર તથા જ્ઞાનનો અભ્યાસ સદ્ગુરુના સાન્નિધ્યમાં કરવાથી પ્રકાશાવરણનો ક્ષય થાય છે.
‘પ્રત્યાહાર' જૈનદર્શનમાં ‘પ્રતિસંલીનતા’ તપની સમકક્ષ છે. બેઉ પરંપરામાં ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિઓનો નિરોધ કરી એને અંતર્મુખ કરવાનું કહ્યું છે. પ્રત્યાહારમાં પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વાળી મનને સંકલ્પ-વિકલ્પથી દૂર કરીને આત્મસ્વરૂપમાં સ્થિર કરવા તૈયાર કરાય છે.
પ્રત્યાહાર આ યોગનું અંગ સિદ્ધ થયા પછી યોગનું છઠ્ઠું અંગ ધારણા આવે છે. પ્રત્યાહારથી ચિત્તને ઇન્દ્રિયોના પાંચ વિષયમાંથી ખેંચી મનને એક વિષય પર સ્થિર કરવું એ ધારણા છે.
અષ્ટાંગ યોગમાં ધારણા પછી ધ્યાનનું સ્થાન આવે છે. એક જ વિષયમાં - ધ્યેયસ્થાનમાં ચિત્તવૃત્તિ એકાગ્ર થાય, અર્થાત્ તે જ વિષયમાં વૃત્તિનો પ્રવાહ એકધારો વહેવા માંડે તે અવસ્થાને ધ્યાન કહે છે. ધ્યાન દ્વારા મનની વૃત્તિઓના તરંગો લય પામે છે. સાધક અર્થાત્ ધ્યાતા દીર્ઘકાલપર્યંત ધ્યાનના અભ્યાસમાં લીન થઈ જાય છે ત્યારે ધ્યાતા અને ધ્યાનની પ્રતીતિ ક્ષીણ થઈ જાય છે. એની એકાગ્ર થયેલી ચિત્તવૃત્તિ માત્ર ધ્યેય રૂપે જ જણાય છે તે સમાધિ છે; અષ્ટાંગ યોગનું અંતિમ ચરણ છે.
આ ત્રણ – ધારણા, ધ્યાન અને સમાધિની એકાગ્રતા થાય એને પાતંજલ યોગદર્શનમાં સંયમ કહ્યું છે. અર્થાત્ ધ્યાન, ધ્યાતા અને ધ્યેયનું જ્યારે અભેદ ભાવે એકત્વ થાય, બહિરાત્મભાવ ત્યજાય, આત્મસ્વરૂપનું જ્ઞાન જાગે, તેના યોગે પરમાત્માને ધ્યેય કરી તેના ધ્યાનમાં ધ્યાતા બની એકરૂપ બની જાય તે સંયમ છે, ધારણા, ધ્યાન અને સમાધિનો અભ્યાસ, આલંબનના બળથી થાય છે એ સંપ્રજ્ઞાત યોગ કહેવાય છે જ્યારે અસંપ્રજ્ઞાત યોગ એ ધ્યેયરૂપ આલંબન વિનાનો હોય છે.
જૈન યોગમાં ધ્યાનનું વિશિષ્ટ સ્થાન છે. મોક્ષપ્રાપ્તિ થવી એ ધ્યાન વિના સંભવ નથી. પાતંજલ યોગદર્શનનું છઠ્ઠું અંગ ધારણા અને અંતિમ ‘સમાધિ’ એ ‘ધ્યાન'માં જ સમાવિષ્ટ થઈ જાય છે. ધ્યાનની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાધિ છે. મોક્ષપ્રાપ્તિ માટે બે શુભ ધ્યાન છે - ધર્મધ્યાન અને શુક્લધ્યાન. ધર્મધ્યાનથી નિર્જરા થાય છે અને પરંપરાએ શુક્લધ્યાન પ્રાપ્ત થઈ મોક્ષપ્રાપ્તિમાં કારણભૂત થાય છે. શુક્લધ્યાનના ચાર ભેદ છે. એમાંથી પ્રથમના બે ભેદ - પૃથકત્વ-વિતર્ક-સવિચાર અને એકત્વ-વિતર્ક