________________
220
રોહિત શાહ
કસોટીમાંથી પાર ઊતરીએ :
આપણને આપણી જરૂરિયાત કરતાં જે કંઈ વધારાનું સુખ મળ્યું હોય તે આપણી કસોટી કરવા માટે મળેલું છે એમ સમજવું જોઈએ. આપણે વધારાના સુખનો સંગ્રહ જ કરતા રહીએ તો આપણે પરિગ્રહનું પાપ આચર્યું કહેવાય અને જો એ વધારાના સુખનું વિસર્જન કરતા રહીએ તો એ પુણ્યકાર્ય ગણાય. આપણને છલોછલ સુખ મળી ગયા પછીયે વધારાના સુખ માટે આપણે આપણા સહધર્મી ત૨ફ જોવાની દરકાર કરીએ છીએ કે નહીં એની પરીક્ષા પરમાત્મા કરે છે. જો આપણે સહધર્મી તરફ નજ૨ ન કરીએ તો પરમાત્મા પણ શા માટે આપણી સામે જુએ ?
રાહ થોડી જોવાની હોય ?
સાધર્મિક વ્યક્તિને મદદની જરૂ૨ છે એવી ખબર પડ્યા પછી એ આપણી પાસે મદદ માગવા છે આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂ૨ ખરી ? જો એણે મદદ માગવી પડે તો આપણો સાધર્મિક ધર્મ લજવાયો કહેવાય. સાધર્મિક સ્વજન સહાય માટે હાથ લંબાવે એ પહેલાં એના હાથમાં ખાનગી રીતે સહાય પહોંચાડી દઈએ એમાં આપણી ખાનદાની છે. યાદ રહે, સાધર્મિક સહાય ક૨વી એ કાંઈ ભીખ આપવા જેવું કામ નથી. સહાય લેનાર ભિખારી નથી, સાધર્મિક સ્વજન છે અને આપણેય કાંઈ દાતા નથી... માત્ર સાધર્મિક જ છીએ. બંને સાધર્મિક હોય ત્યાં કોણ ભિખારી અને કોણ દાતા ? સામેની વ્યક્તિને સહાય લેતાં શરમ ન ઊપજે અને આપણને સહાય આપતાં ગર્વ ન ઊપજે તો સમજવું કે આપણે તીર્થંકર પરમાત્માના માર્ગે સાચી દિશામાં છીએ.
માત્ર રૂપિયા-પૈસાની મદદ નહીં :
સાધર્મિક સંવેદના માત્ર રૂપિયા-પૈસા આપવા પૂરતી સીમિત ન હોઈ શકે. ખરેખર તો એને પોતાના ધર્મ પ્રત્યે અને સાધર્મિક વ્યક્તિ પ્રત્યે આદર-સન્માન જાગે એ રીતે એની સાથે સ્નેહસહાનુભૂતિભર્યો વ્યવહાર કરવો એ સાધર્મિક-સંવેદના છે. આર્થિક સહાય તો એનું માત્ર પ્રતીક છે. વળી સહાય લેનાર સાધર્મિક સ્વજન પર્મેનન્ટ લાચાર કે ઓશિયાળો પણ ન થવો જોઈએ. જો એને વારંવાર સહાય લેતા રહેવી પડે અથવા તો એને વારંવાર સહાય લેવાની દાનત થતી રહે તો એ સદાને માટે પરાવલંબી બની જશે. કોઈ વ્યક્તિને પરાવલંબી બનાવી દેવી એ એક રીતે સૂક્ષ્મ હિંસા જ ગણાય. સાધર્મિક વ્યક્તિનું ઓશિયાળાપણું કાયમી રીતે ટળી જાય એ માટે એને પર્મેનન્ટ આજીવિકાનું સાધન આપી શકાય. તે લાઇફ-ટાઇમ સ્વમાનથી અને સ્વાવલંબીપણાથી પોતાના પરિવારનો નિર્વાહ કરી શકે એવી વ્યવસ્થા ક૨વી જોઈએ. એને પરિશ્રમનું મહત્ત્વ સમજાય અને એની દાનત પુરુષાર્થી બનવાની થાય એવો પ્રયત્ન કરવો એ જ સાચી સાધર્મિક-સંવેદના છે. સાધર્મિક સહાયની અનોખી રીત :
અહીં મારે એક ઉદાહરણ કહેવું છે. સાંભળો :
અમદાવાદમાં સદ્વિચાર પરિવાર સંસ્થા ચાલે છે. એક વખત એ સમયના સંસ્થાના સૂત્રધાર હરિભાઈ પંચાલ સાથે હું અગત્યની મિટિંગમાં બેઠેલો હતો, ત્યારે એક બહેન આવ્યાં. એમણે આજીજી કરતાં કહ્યું, ‘મારો પતિ એક મિલમાં નોકરી કરતો હતો. એક એક્સિડન્ટમાં એ અપંગ થઈ ગયો છે.