________________
સાધર્મિક વાત્સલ્ય
219
- પુરુષાર્થ. ભોજનનો સ્વાદ માણવો હોય તો જાતે જ કોળિયો ચાવવાનો પુરુષાર્થ કરવો પડે. પોતાની આંખે જોવાનું અને પોતાની પાંખે ઊડવાનું. એમાં જવાબદારી હોવાને કારણે એ કદાચ અઘરું કામ છે, પણ અશક્ય તો નથી જ. નમાલાઓ અને નકામા લોકો સાધર્મિક સંવેદના સુધી ન પહોંચી શકે; પણ સમર્થ, સુજ્ઞ અને સજ્જનો માટે સાધર્મિક સંવેદના સહજ ઉપલબ્ધિ બની જતી હોય છે.
તમે જ્યારે કોઈ એક સાધર્મિક વ્યક્તિને નોકરી અપાવો છો ત્યારે એના સમગ્ર પરિવારને રાહત મળે છે. જેની પાસે નોકરી નથી એ વ્યક્તિ માટે તો નોકરી એ જ એનો મોક્ષ ! ભૂખ્યા માણસ માટે ભોજન એ જ મોક્ષ ગણાય. જિજ્ઞાસુ માટે જ્ઞાન મોક્ષ છે. આપણે આપણું મનગમતું મોક્ષ ખોળી લેવું હોય તો કોણ ના પાડે છે ? તમે કોઈ એક ગરીબ પરિવારના વિદ્યાર્થીને ભણવા માટેની ભરપૂર સગવડ-અનુકૂળતાઓ કરી આપો છો ત્યારે એના એકલાના જ માર્ગમાં નહીં, પણ એના પૂરા ફેમિલીના માર્ગમાં અજવાળું પાથરો છો. અજવાળાને ફૂટપટ્ટીથી કાંઈ થોડું માપવાનું હોય ? અજવાળાનું તો હોવું જ પૂરતું છે. આપણે શ્વાસ કેટલા લીધા એનાં પલાખા નથી માંગતા...બસ, શ્વાસ ચાલતો રહેવો જોઈએ... બીજાને શ્વાસ લેવાની અનુકૂળતા કરી આપવી એ ધર્મ છે. ફરક તો પડશે જ !
ઘણા લોકો એવી દલીલ કરે છે કે સંસારમાં અનેક લોકો દુઃખી અને પીડિત છે. એમાંથી તમે બે-પાંચ જણને મદદ કરો એથી શો ફરક પડશે ? આવો સવાલ કરનારા લોકો માટે એક સરસ દૃષ્ટાંત છે.
એક પિતા-પુત્ર દરિયાકિનારે ફરવા ગયા હતા. દરિયામાં ભરતી ઊમટેલી હતી. એનાં મોજાં જોરજોરથી ઊછળીને કિનારાને ઓવરટેઇક કરવા મથામણ કરતાં હતાં. દરેક મોજા સાથે પંદર-વીસ માછલીઓ કિનારે ફેંકાઈ આવતી હતી. મોજાનું પાણી તો તરત પાછું વળી જતું, પણ કિનારે રહી પડેલી માછલીઓ તરફડી-તરફડીને મૃત્યુ પામતી હતી.
પિતાએ એ જોઈને પોતાનો સદ્ભાવ-ઉદ્યમ શરૂ કર્યો. મોજાનું પાણી પાછું વળી જાય એટલે કિનારે રહી ગયેલી-તરફડી રહેલી માછલીઓમાંથી એકાદ-બે માછલીઓને ઊંચકીને એમને દરિયામાં નાખવા માંડી. થોડો સમય એમ ચાલ્યું. એ ઉદ્યમ જોઈ રહેલા પુત્રે પિતાને પૂછયું :
પપ્પા, હજારો માછલીઓ આમ કિનારે આવીને તરફડીને મૃત્યુ પામી રહી છે, ત્યારે તમે એકાદ-બે માછલીઓનો બચાવ કરો છો. આવું કરવાથી વળી શો ફરક પડશે ?”
પિતા બોલ્યા, “બેટા, મારા આ ઉદ્યમથી ભલે પેલી હજારો માછલીઓને કોઈ ફરક ન પડે, કિંતુ જે એકાદ-બે માછલીઓ જીવી ગઈ એમને તો ફરક પડશે જ ને !”
સાધર્મિક સંવેદના આવો ઉદ્યમ છે. એ દ્વારા સમગ્ર સંસારને સુખી કરી નાખવાનો દાવો નથી, પણ એકાદ-બે વ્યક્તિઓને હૂંફ આપીને માનવતાના દીવડાને પ્રજ્વલિત રાખવાની મથામણ કરવાની છે. આપણી પાસે બે રોટલા હોય અને આપણને એક જ રોટલાની ભૂખ હોય તો એમ સમજવું કે બાકીના એક રોટલા પર બીજા એક ભૂખ્યા માણસનો અધિકાર છે. એનો અધિકાર છીનવી લેવો એ પાપ છે અને એનો અધિકાર એને આપવો એ આપણું કર્તવ્ય છે.