________________
સાધર્મિક વાત્સલ્ય
217
સ્વેચ્છાએ અને સંપૂર્ણ સમજપૂર્વક આપણી પાસે રહેલી ચીજનું એવા નિષ્કામભાવે વિસર્જન કરવું, કે જેથી એ ચીજનો જરૂરિયાતવાળી વ્યક્તિ સુધી વધુમાં વધુ લાભ પહોંચે. પુષ્પો કદી પોતાની સુગંધને ફેંકી દેતાં નથી. એ એનું વિસર્જન કરે છે. સૂરજ એનાં કિરણોને ત્યાગી નથી દેતો, એ તો એનું કેવળ વિસર્જન કરતો રહે છે. ત્યાગ કરવાથી ત્યાગનો અહંકાર પ્રગટી શકે છે. વિસર્જન તો માત્ર અને માત્ર આનંદ જ પ્રગટાવે છે. સુગંધનું વિસર્જન કર્યા પછી ફૂલને તમે કદી વિષાદમય થતું જોયું છે ખરું ? સર્જન કરવું એ આવડત છે, વિસર્જન કરવું એ સિદ્ધિ છે.
બસમાં પ્રવાસ કરતી વખતે મારો સહપ્રવાસી એ મારો સહધર્મી છે, મારો સાધર્મિક છે. કારણ કે અમે એક જ દિશામાં સાથે પ્રવાસ કરી રહ્યા છીએ. જીવનયાત્રામાં મારો સહધર્મી કોણ ગણાય ? હું જન્મથી જૈન હોવાથી પૃથ્વી પરની અન્ય જે વ્યક્તિ જન્મથી જૈન હોય અને જેને તીર્થંકર પરમાત્માએ બતાવેલા માર્ગ પર અવિચળ શ્રદ્ધા હોય તે તમામ વ્યક્તિઓ મારી સહધર્મ ગણાય. તીર્થંકર પરમાત્માએ બતાવેલો માર્ગ એટલે સાધર્મિક-વાત્સલ્યનો માર્ગ. જો મારા સહધર્મ માટે હું મારી સીટ છોડવા તૈયાર ન થાઉં તો મેં મારા તીર્થંકર પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. ત્યાગ નહિ, વિસર્જન :
ભગવાન મહાવીર સર્વસ્વ ત્યાગીને, શરીર પર એક જ વસ્ત્ર સાથે તપસ્યા કરવા નીકળી પડે છે. એ વખતે એમને એક યાચક મળે છે. મહાવીર એને પોતાના અંતિમ એક વસ્ત્રમાંથી અડધું વસ્ત્ર ફાડી આપે છે (એ છે સાધર્મિક-વાત્સલ્ય) અને પછી આગળ જતાં બાકીનું અડધું વસ્ત્ર કોઈ કાંટાળી વાડ કે ડાળખીમાં ભરાઈ જાય છે ત્યારે પહેલાં તો કાંટામાંથી પોતાનું વસ્ત્ર છોડાવવા ભગવાન મહાવીર પોતાનો હાથ લંબાવે છે, પરંતુ ત્યાં જ એમની ભીતરમાંથી ઝબકારો થાય છે : “રે, જીવ ! આટલું બધું છોડ્યા પછી એક ચીંથરું તારાથી ના છૂટું ? જ્યાં સુધી મનમાં વળગણ હશે ત્યાં સુધી વૈરાગ્ય જામશે નહીં, આસક્તિ હશે ત્યાં સુધી આરાધના ભટકતી રહેશે, મોહ રહેશે ત્યાં સુધી મોક્ષ છેટો જ રહેશે. હવે આ દેહ પર વસ્ત્ર હોય તોય શું અને ન હોય તોય શું !' - એવા ઝબકારા પછી મહાવીર દિગંબર સ્વરૂપે અરણ્યની વાટે સંચર્યા. એમણે એમનાં વસ્ત્રો કાઢીને ફેંકી દીધાં નહોતાં કે નગ્ન રહેવાના ઇરાદાથીયે ત્યાગ્યાં નહોતાં, એ તો બસ, શુદ્ધ અનાસક્તિભાવે છૂટી ગયાં હતાં.
ક્યારેક બાહ્ય રીતે છોડ્યા પછીય વસ્તુ છૂટી નથી હોતી. ઊલટાની એ વસ્તુ પ્રત્યેની આસક્તિ પ્રબળ બની ગઈ હોય છે. એટલે સમજણપૂર્વક વિસર્જન કરવું મહત્ત્વનું છે. સાધર્મિક-વાત્સલ્ય એ સમજણપૂર્વકનું વિસર્જન છે. ધર્મને સંપ્રદાયથી ન અભડાવીએ :
ધર્મની વ્યાખ્યાને સંપ્રદાય પૂરતી સાંકડી રાખવામાં આવે તો એમાં ધર્મનું અપમાન છે. સાંપ્રદાયિક ધર્મથી કશું કલ્યાણ થતું નથી. ધર્મ એ કોઈ સંપ્રદાય નથી. ધર્મને વ્યાપક અર્થમાં સ્વીકારીએ તો જ એનો મર્મ માણી શકાય. ધર્મ એટલે કર્તવ્ય. જૈન ધર્મમાં સાધર્મિક-વાત્સલ્યને એક કર્તવ્ય રૂપે સ્વીકારવામાં આવ્યું છે. પર્યુષણ પર્વના દિવસો માટેનાં જે પાંચ કર્તવ્યો શાસ્ત્રોમાં વર્ણવેલાં છે, એમાં સાધર્મિક-વાત્સલ્ય (સાધર્મિક-ભક્તિ) પણ છે. ધર્મને સાંપ્રદાયિક વળગણોથી મુક્ત રાખીએ