________________
જેન યોગ અને પાતંજલ યોગ
203
તેમાં સમાયોગને પતંજલિ મુનિ સંપ્રજ્ઞાત સમાધિ યોગ કહે છે અને છેલ્લા વૃત્તિસંક્ષય યોગને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. વૃત્તિનો સંક્ષય એટલે આત્માને લાગેલાં મોહમાયારૂપ કર્મોનો નાશ કરવો તે. અહીં આત્મા સર્વ વૃત્તિઓનો ઉચ્છેદ કરવારૂપ વૃત્તિનિરોધ રૂપે સમાધિયોગને પ્રાપ્ત કરે છે. યોગીનું અશેષ ભાવમન અને જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતી કર્મ ને વૃત્તિનો નાશ થઈ યોગી આત્મસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ કરે છે. તેવા યોગીની સ્વરૂપસ્થિતિ અસંપ્રજ્ઞાત સમાધિયોગ કહેવાય છે.
, આવી રીતે આ યોગસાધનાનો માર્ગ વિચારીએ તો જે સાધનાથી આત્માની શક્તિનો વિકાસ થઈ, આત્મા પૂર્ણ સ્વ-સ્વરૂપમાં સ્થિર થાય એ યોગ છે. જે સાધનાથી આત્માનો પરમાત્મા સાથે સંયોગ થાય, પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે એ યોગસાધના છે. એના માટેનું યોગશાસ્ત્ર જે કોઈ પણ દર્શનનું હોય પણ એનું લક્ષ્ય આત્મશુદ્ધિનું જ છે. આત્મશુદ્ધિ માટે યોગસાધના જરૂરી છે.