________________
કલ્પસૂત્ર
159
ચરિતાવલિ, સમાચારી વગેરે દ્વારા ‘કલ્પસૂત્ર'માં આડકતરી રીતે ઘણી દુન્યવી બાબતોની ચર્ચા કરી છે. નવ રસ, ધર્મ અને વ્યવહારદર્શક અનેક વાતો અને ગર્ભથી માંડી મોક્ષ સુધીના વિકાસની પ્રક્રિયાઓ આપવામાં આવી છે. સમસ્ત આગમોમાં ચાર અનુયોગ મુખ્યત્વે છે : (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ, (૩) ચરણક૨ણાનું યોગ અને (૪) ધર્મકરણાનુયોગ. આ ચારે અનુયોગના વિષયોની વાત કલ્પસૂત્રમાં મળે છે.
કલ્પસૂત્રના માહાત્મ્યને કારણે એના શ્રવણ અંગે પણ કેટલાક નિયમો હોય છે અને એ જ રીતે કલ્પસૂત્રની પ્રતને કઈ રીતે ઘરમાં પધરાવી શકાય તેનું પણ વર્ણન મળે છે.
કલ્પસૂત્ર વિશે અનેક આચાર્યો અને વિદ્વાનોએ ટીકા લખી છે. એ જ દર્શાવે છે કે કલ્પસૂત્ર કેટલું બધું પ્રચલિત છે. વિખ્યાત જર્મન વિદ્વાન ડૉ. હર્મન જેકોબીએ સુંદર પ્રસ્તાવના સાથે કલ્પસૂત્રનો અંગ્રેજી અનુવાદ પ્રગટ કર્યો, ત્યારથી વિદેશી વિદ્વાનોમાં પણ કલ્પસૂત્ર જાણીતું બન્યું છે. ૧૭મી સદીમાં જ ત્રણ ટીકાઓ રચાઈ છે. છેલ્લું ખીમશાહી કહેવાતું પં. શ્રી ખીમવિજયજીગણિએ રચેલું ટબારૂપ કલ્પસૂત્ર મહેમદાવાદમાં તૈયાર થયું છે. ઈ. સ. ૧૭૦૭માં તે નગ૨શેઠ હેમાભાઈ અને પ્રેમાભાઈની ઉપસ્થિતિમાં વંચાયું હતું. એ સમયે નગ૨શેઠ હેમાભાઈએ સર્વ શ્રોતાઓને એક-એક રૂપિયાની પ્રભાવના આપી હતી.
૧૨મીથી ૧૫મી સદીની ચિત્રકલામાં જૈનોની આગવી ચિત્રકલા વિકાસ પામી. ૧૫મી સદીમાં સાચા સોનાની શાહીથી અને રૂપાની શાહીથી કંડારાયેલું કલ્પસૂત્ર આજે મોજૂદ છે. કલ્પસૂત્રની પ્રતો સુંદર ચિત્રોથી સભર હોય છે. રજપૂતાના શૈલી અને મુઘલ અને પર્શિયન શૈલીમાં એનાં ચિત્રો મળે છે. વર્તમાન સમયે પણ કલ્પસૂત્રનાં અનેક ચિત્રો બનાવીને પ્રતાકારે કે પુસ્તકાકારે એનું પ્રકાશન થયું છે તેમજ સંવત્સરીના દિવસે કલ્પસૂત્રના વાચન સમયે આ ચિત્રોનું દર્શન કરાવવાની પણ પ્રથા છે.
જેમ પૂર્વાચાર્યો અને વિદ્વાનોએ આ ગ્રંથના વિવરણ રૂપે હજારો શ્લોક લખ્યા છે, એ જ રીતે અનેક ધર્મપ્રેમીઓએ કલ્પસૂત્રની હસ્તપ્રત તૈયાર કરાવીને એને જ્ઞાનભંડારમાં પધરાવવાનું અત્યંત પવિત્ર કાર્ય કર્યું છે. કલ્પસૂત્રની સૌથી જૂનામાં જૂની હસ્તપ્રત વિ. સં. ૧૨૪૭માં તાડપત્ર પર લખાયેલી મળે છે, જ્યારે દુનિયાની મોંઘામાં મોંઘી હસ્તપ્રતોમાં કલ્પસૂત્રની હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.
૧૫૦૦ વર્ષ પહેલાં રાજા ધ્રુવસેન માટે કલ્પસૂત્ર કલ્પતરુ સમાન નીવડ્યું. એના શોક અને મોહ દૂર થયા. કર્તવ્યનો ઉલ્લાસ અને ધર્મનો ચિત્તાનંદ સહુને પ્રાપ્ત થયો. ‘કલ્પસૂત્ર’માં ક્રિયાની યમુનામાં જ્ઞાનની ગંગાનો સંગમ થયો. બે પાંખોથી પંખી ઊડે તેમ ક્રિયા અને જ્ઞાન બંને હોય તો જ આત્મા ઊર્ધ્વતા સાધે આવા શ્રી કલ્પસૂત્ર વિશે પ્રસિદ્ધ ઉક્તિ છે
-
‘વીતરાગથી વડો ન દેવ, મુક્તિથી ન મોટું પદ,
શત્રુંજયથી ન વડું તીર્થ, કલ્પસૂત્રથી ન મોટું શ્રુત.'