________________
168
કનુભાઈ એલ. શાહ
શાંતિનાથના ભંડારમાંની તાડપત્ર ઉપર લખાયેલી હસ્તપ્રતો કાગળનો વપરાશ શરૂ થયો તે પહેલાંની બારમા, તેરમા અને ચૌદમા સૈકાની છે. ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકળાના કેટલાક સૌથી જૂના નમૂનાઓ એ ભંડારની તાડપત્રીય હસ્તપ્રતોમાંથી મળે છે. “દશવૈકાલિકસૂત્ર લઘુવૃત્તિ'ની સં. ૧૨૦૦માં લખાયેલી હસ્તપ્રતના છેલ્લા પાના પર આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાળનું વિખ્યાત ચિત્ર જોવા મળે છે. સં. ૧૧૮૪માં લખાયેલી “જ્ઞાતાધર્મકથા સૂત્રવૃત્તિમાં, ચૌદમા શતકમાં લખાયેલા કલ્પસૂત્ર'માં, ૧૩મા સૈકામાં લખાયેલા ઉત્તરાધ્યયનસૂત્રમાં – આ સર્વ તાડપત્રીય પ્રતિઓમાં સુંદર ચિત્રો છે. સોળમા-સત્તરમા સૈકાની આસપાસ વિકસેલી ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકળાનો ચારસો વર્ષ પહેલાનો ઇતિહાસ એમાંથી મળે છે. આ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર, જોધપુર, જયપુર, કોટા, ઉદેપુર, વગેરે જૈન ભંડારોમાં જૈન સચિત્ર હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. કસ્તુરચંદ કાશલીવાલ લિખિત Jaina Grantha Bhandar of Rajasthan (૧૯૬૭)માં બધી વિગતો ઉપલબ્ધ છે. સચિત્ર જૈન હસ્તપ્રતો તાડપત્ર, કાગળ અને કાપડ પર મળી રહે છે.
જૈનાચાર્યોને ચાતુર્માસ માટે પ્રાચીન સમયમાં અપાતા વિજ્ઞપ્તિ પત્રોમાં જે તે સ્થળ વિશેનું ચિત્રમય વર્ણન આપવામાં આવતું હતું. આ વિજ્ઞપ્તિ પત્રો ઐતિહાસિક દસ્તાવેજ અને ચિત્રકળાની અધિકૃત માહિતી - એમ બંને માટે ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે. પાટણ, આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા અને એલ. ડી. ઇન્ડૉલોજી – અમદાવાદના ભંડારોમાં વિજ્ઞપ્તિ પત્રો ઉપલબ્ધ છે.
કલ્પસૂત્રની પ્રતોમાં સુવર્ણાક્ષરી શાહીથી દોરેલા ચિત્રો આજે પણ એટલાં જ તેજસ્વી લાગે છે.
લિપિકળા દર્શન : લિપિકળાનો અભ્યાસ-સંશોધન કરવા માટે જેન ભંડારોમાં સંગૃહીત હસ્તપ્રતો ખૂબ જ ઉપયોગી છે. આપણી પ્રાચીન બ્રાહ્મી અથવા વર્તમાન દેવનાગરી, ગુજરાતી આદિ લિપિઓનો વિકાસ કેમ થયો અને એમાંથી ક્રમે ક્રમે આપણી લિપિઓનાં વિવિધ રૂપો કેમ સર્જાયાં એ જાણવા અને સમજવા માટે આ જ્ઞાનભંડારોમાંની જુદા જુદા પ્રદેશોના લેખકોના હાથે સૈકાવાર જુદા જુદા મરોડ અને આકારમાં લખાયેલી પ્રતિઓ ઘણી જ ઉપયોગી છે. પાટણ, ખંભાત, જેસલમેર આદિના ગ્રંથસંગ્રહોમાં રહેલી આ બધી પ્રાચીન-અર્વાચીન હસ્તપ્રતિઓ ભારતીય બ્રાહ્મી લિપિમાંથી દેવનાગરી સુધીના ક્રમિક વિકાસના અભ્યાસ-સંશોધન માટે ઘણી જ ઉપયોગી છે, અનિવાર્ય છે. જૈન ભંડારોમાં સચવાયેલી દશમા શતકથી તે અર્વાચીન સમય સુધીની હસ્તપ્રતોમાંથી લિપિવિકાસનો સુરેખ આલેખ દોરી શકાય તેમ છે.
પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓ : જ્ઞાનભંડારોમાં સંગૃહીત હસ્તપ્રતગ્રંથોના અંતભાગે લખાયેલી ગ્રંથકાર અને ગ્રંથલેખકોની પ્રશસ્તિઓમાં જે વિવિધ વિગતો સાંપડે છે તેમાંથી સામાજિક, સાહિત્યિક ઐતિહાસિક ઇત્યાદિ વિગતો મળી શકે છે. ઘણા ગ્રંથોના અંતમાં ગ્રંથ લખનાર સદ્ગુહસ્થના કુટુંબનો, તેમના સત્કાર્યનો ઐતિહાસિક પરિચય, સંસ્કૃત – પ્રાકૃત પ્રશસ્તિના રૂપમાં અથવા ગદ્ય ઉલ્લેખમાં આપેલો હોય છે. એમાં ઘણા જ્ઞાતિ વંશનો ઇતિહાસ સમાયેલો છે. નાનાં-મોટાં ગામ-નગરો-દેશો તથા ત્યાંના રાજાઓ, અમાત્યો, તેમની ટંકશાળાઓ, લશ્કરી સામગ્રી, શાહુકારો, કુળો, જ્ઞાતિઓ, કટુંબો સાથે સંભવિત ઘણી હકીકતો આપને આ પ્રશસ્તિ આદિમાંથી પ્રાપ્ત થશે. પ્રશસ્તિઓ અને