________________
ગુણવંત બરવાળિયા
શ્રી અનુત્તરોપપાતિકદશાંગ સૂત્ર આગમના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મહાત્માઓનું જીવન આપણા અધ્યાત્મ જીવનને નવી દિશા આપે છે.
ભગવાન મહાવીરની ઉપદેશધારામાં નવમા આગમમાં દેહ પ્રત્યેનું મહત્ત્વ ઘટાડતા તપસાધકો જેવા કે ધન્ના અણગારની સાધનાનું વર્ણન છે.
આ સૂત્રમાં કહ્યું છે કે મનુષ્ય માત્ર ખોરાકથી જ જીવી શકે એવું નથી, પ્રકાશ અને હવાથી પણ જીવી શકાય છે. સૂર્યપ્રકાશથી પણ જીવી શકાય તેવા દાખલા છે. રોજ એક ચોખાનો દાણો લઈને પણ લાંબો સમય જીવી શકાય તેવાં ઉદાહરણ છે. શરીરવિજ્ઞાનના સંશોધનનો આ વિષય છે.
મંત્રના ઉપયોગ અને લબ્લિદિશા દર્શન કરાવનાર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાંનાં પાંચ મહાપાપોનું વર્ણન વાંચતાં પાપથી પાછા ફરવાનો પાવન અવસર પ્રાપ્ત થાય છે.
સત્ય, અહિંસા આદિ ગુણો દ્વારા વિધેયાત્મક શક્તિની પ્રાપ્તિ કઈ રીતે કરવી તેનું વર્ણન આ, સૂત્રમાં છે. અનેક પ્રકારની સિદ્ધિઓ, વિદ્યાઓ, લબ્ધિઓ અને ઊર્જાઓને કઈ રીતે પ્રાપ્ત કરવી તે બતાવેલ છે.
પ્રાચીન કાળમાં આ આગમમાં અનેક વિદ્યાઓનાં મંત્રો તથા યંત્રોની વાત હતી, પરંતુ એ વિદ્યાઓનાં મંત્રો કે યંત્રોનો દુરુપયોગ ન થાય, કોઈ કુપાત્ર તેનો અકલ્યાણ માટે ઉપયોગ ન કરે તે આશયથી આ સૂત્રની પ્રાચીન વિદ્યાને ગુરુએ સંગોપી દીધી છે. આમ અધિકારી શિષ્યને જ્ઞાનનો પરિચય ન કરાવવાની જૈન પદ્ધતિ વિશેષ વંદનીય છે અને આ જ કારણે આચાર્યએ આ આગમનો વિષય બદલી નાંખ્યો છે.
શ્રી વિપાક સૂત્ર આગમમાં અજ્ઞાન દશામાં બાંધેલાં કર્મોનાં ભયંકર ફળ પાપકર્મોથી દૂર રહેવાનો માર્ગ બતાવે છે. દુષ્કૃત્યથી દુઃખવિપાક થાય છે અને સુકૃતથી સુખવિપાક. આ જાણી આપણી વૃત્તિઓ સુકૃત તરફ પ્રયાણ કરશે.
જીવનશૈલીમાં પાપથી બચવું છે, સત્કર્મોથી જીવનને વિભૂષિત કરવું છે તેવા પ્રકારની વિચારસરણી ધરાવતા સાધકો માટે વિપાક સૂત્રનું માર્ગદર્શન અત્યંતપણે ઉપકારક છે.
આગમમાં અંગ સૂત્રોના વર્ગીકરણ ઉપરાંત ૧૨ ઉપાંગ સૂત્રોનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જે ઉપાંગો અંગોના સ્વરૂપને વિસ્તાર છે.
શ્રી ઉવવાઈ સૂત્રમાં ભગવાનના ગુણવૈભવ - ગણધર શ્રમણોની સંયમસાધનાનું દિગ્દર્શન છે. ભગવાનનું નગરમાં આગમન થતાં રાજા આનંદ-ઉલ્લાસ અને ભક્તિભાવથી દેવાધિદેવનાં દર્શને જાય છે તે વર્ણન વાંચતાં સંતો પાસે જવાની, વંદન કરવાની વિશિષ્ટ વિધિ કરવાનો બોધ થાય છે.
આપણાં કર્મો જ આપણી સદ્ગતિ કે દુર્ગતિનું કારણ છે. કયા પ્રકારનાં કર્મોથી કયા સ્થાનમાં જીવ ઉત્પત્તિ પામે તેનું વર્ણન કરેલ છે. તમારું કર્મ જ તમારી ગતિનું કારણ બને છે, તેવા દૃષ્ટિબિંદુથી ભગવાન મહાવીરે ઈશ્વર કર્તાહર્તા નથી, પરંતુ કર્મો જ આપણા ભાગ્યવિધાતા બને છે. તેવી વિશિષ્ટ દૃષ્ટિ આ આગમમાં પ્રગટ કરેલ છે.