________________
124
ભગવાનદાસ પટેલ
લક્ષ્મણ રામ ઉપર ખિજાતાં કહે છે, ‘ભાઈ, તું તો ચાલતો પણ નથી ને ચાલવા દેતો પણ નથી. દિવસ ઊગ્યા પહેલાં તો કઢાઈ નીચે સળગાવવા લાકડાં જોઈએ. આપણું કામ પૂરું નહીં થાય અને દિવસ ઊગી જશે. તો આપણી બધી જ મહેનત પાણીમાં જશે.' આ બધી પ્રવૃત્તિઓથી નિર્લેપ રામને જોઈને તેમના તરફથી પોતાનું મન વાળી લેતાં, લક્ષ્મણ વિચારે છે, ‘રામ તો ઋષિ જેવા છે. તેમનાથી કંઈ પણ બની શકશે નહીં. આ વસ્તુઓ પણ મારે જાતે જ મેળવવી પડશે.’ અંતે એકલા હાથે રાવણને મારવાની સામગ્રી એકઠી કરે છે. પ્રાતઃકાળે ઊકળતા તેલની કઢાઈના સામ સામેના કાના ઉપર ઊભા રહી લક્ષ્મણ સૂર્ય સામે ધનુષ્ય પર તી૨નું લક્ષ્ય લે છે. મધ્યાહ્ને ભમરાનું પ્રતિબિંબ કઢાઈમાં પડતાં જ યોગ્ય યોગે સાધી તીર છોડે છે. ભમરો વીંધાઈને તેલમાં પડી તળાઈ જાય છે. રાવણ મરાય છે. અહંકાર મૃત્યુ પામે છે. કર્મફળ ભોગવતો યોદ્ધો લક્ષ્મણ મૂર્છિત થઈ ધરતી પર ઢળી પડે છે. ઉત્તરપુરાણની જેમ વિમલસૂરિના પઉમચરિત (પૌમચરિય)માં પણ રાવણનો વધ લક્ષ્મણ કરે છે.
ભીલ રામાયણમાં રામ જાણે કે મોટે ભાગે પંચમહાવ્રતોનું પાલન કરતા હોય એવું વર્તાય છે. રામ પૂરા જીવનમાં ત્રણ વાર ગુસ્સે થાય છે અને બે વાર શારીરિક હિંસા આચરે છે. વનમાં વણજોઈતી કોઈ વસ્તુનો સંગ્રહ ક૨વાની તો જરૂર નથી. આથી રામ વનફળ લેવા જાય છે. ઝૂંપડી બનાવતાં શ્રમિત થયેલાં સીતા-લક્ષ્મણ સાગપાન ઓઢીને નિદ્રાધીન બની સૂઈ જાય છે. પવન પાન ઉડાડે છે. વનફળ લઈને આવેલા રામ બંનેને અનાવૃત જોતાં ક્રોધથી કોપે છે. બીજી વાર, સીતાહરણ પછી ખાટી નેંબો (એક જંગલી વેલ) અને આવળને સીતાની ભાળ અંગે પૂછતાં બંને રામને તોછડો પ્રત્યુત્તર પાઠવે છે. આથી દુઃખી રામ ગુસ્સે થઈ ખાટી નેંબોને લગ્ન સમયે યુવાનીમાં જ સુકાઈ જવાનો અને આવળને ચમારના કુંડમાં કાયમી વાસ ક૨વાનો શાપ આપે છે. ત્રીજી વાર, લવકુશમિલન પ્રસંગે બંને ભાઈઓને તેમના પિતા વિશે પૂછતાં અણછાજતો ઉત્તર આપે છે અને રામ છેડાઈ પડે છે. રામ જીવનમાં બે પ્રસંગે શારીરિક હિંસા આચરે છે. એક, યેરિયો વાનરો હનુમાનની પત્નીને લઈ જાય છે ત્યારે લક્ષ્મણને સાથ આપતાં રામ તેને લાકડીથી ઝૂડે છે. બીજા પ્રસંગે, સીતાએ કઠોર પરિશ્રમ કરી બનાવેલા બાગને રાવણે મોકલેલા બેમુખા સુવર્ણમૃગે ભેળ્યો ત્યારે સીતાના ઉપાલંભથી આહત રામ ક્રોધિત થઈ તેનો વધ કરે છે. આ પ્રસંગો સિવાય રામનું આચરણ ભીલ રામાયણમાં મોટા ભાગે સમ્યક્ રહ્યું છે.
જૈન ધર્મના ઉદય પહેલાં વૈદિકયુગમાં દેવ તત્ત્વની સર્વોચ્ચ પ્રતિષ્ઠા હતી. દેવતા સમક્ષ મનુષ્યની સત્તા નગણ્ય હતી. તે પોતાની ભૌતિક ઇચ્છાઓની પૂર્તિ માટે દેવકૃપા પર નિર્ભર હતો. પરંતુ, પહેલાં ઉપનિષદ ધર્મમાં અને પુનઃ બૌદ્ધ અને જૈન ધર્મમાં દેવતાની અપેક્ષા મનુષ્યને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું. રૉમ-સીતમાની વારતા એ હિન્દુ ધર્મના ‘અવતારવાદ’ના ઉદય પહેલાંની મૌખિક કૃતિ છે. આથી રામ અહીં ભગવાન વિષ્ણુના અવતાર નથી અને સીતા અહીં નથી. તો દેવોદાનવોના સમુદ્રમંથનમાંથી નીકળેલાં તથા વિષ્ણુને વરેલાં લક્ષ્મીજી ! રામ અહીં છે સ્વયં આત્મસાધના ક૨તા એક સહજ-સામાન્ય રાજકુમાર. સીતા પણ ખેડુઓને ભાત આપવા એકલી જઈ શકતી સહજ કૃષિ રાજપુત્રી છે. સ્વયંવર પછી સીતા રામ-લક્ષ્મણ સાથે વનમાં આવે છે ત્યારે લક્ષ્મણને પૂછે છે, ‘દિયર, ક્યાં છે આપણા વાદળમહેલો ?’ ‘ભાભી, અમે તો ધૂણી ધખાવીને વનમાં રહીએ છીએ, અને