________________
અમદાવાદના વિકાસમાં જૈન શ્રેષ્ઠીઓનું પ્રદાન
અમદાવાદના જૈન શ્રેષ્ઠીઓની વાત કરવી હોય તો કર્ણાવતીથી શરૂઆત કરવી પડે. કર્ણાવતીના વિકાસમાં જેને સમાજનો ફાળો અગ્રસ્થાને હતો. ૧૨૯૧માં વિસલદેવના સમયમાં સામતસિંહદેવે કર્ણાવતીમાં ઘણાં દાન દીધાં હતાં. અષ્ટનેમિપ્રસાદ નામના દેરાસરમાં વિદ્વાન સાધુ દેવસૂરિનો નિવાસ હતો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે અહીં રહી અભ્યાસ કરેલો. કર્ણાવતીમાં ઊછરેલા અને કર્ણદેવ પછી સિદ્ધરાજના સમયમાં દુર્ગપાલ મંત્રી તરીકે સેવાઓ આપતા ઉદા મહેતા અને શાંત પ્રધાન નામો ઉલ્લેખનીય હતાં. ૧૪૦રમાં જિનભદ્રસૂરિએ શહેરમાં ગ્રંથભંડારની સ્થાપના કરી હતી. ૧૫૯૦માં હીરવિજયસૂરિએ પોતાના ગુરુના “સાત બોલ” ઉપર વિવરણ લખ્યું હતું. જૈન સમાજ અમદાવાદ શહેરને રાજનગર તરીકે વધુ ઉલ્લેખ છે. આ શહેરના વિકાસમાં કેટલીક વ્યક્તિઓ અને ઘણા પરિવારોનું મોટું પ્રદાન જોવા મળે છે.
નગરશેઠ શાંતિદાસ ઝવેરી પરિવાર : જે વ્યક્તિ આખા સમાજપ્રજાના ભલા અને હિત માટે વિચારતી હોય તે શ્રેષ્ઠી કહેવડાવવાને લાયક બની જાય છે. શ્રેષ્ઠી બધામાં શ્રેષ્ઠ હોય છે. શ્રેષ્ઠતા ગુણવત્તાને વરેલી હોય છે. અમદાવાદના ઝવેરાતના વેપારી શાંતિદાસ ઝવેરી દિલ્હી મુઘલ બાદશાહો સાથે ઘરોબો ધરાવતા હતા. મુઘલ બાદશાહે શાંતિદાસ ઝવેરીને વારસાગત નગરશેઠ તરીકેનો માન અને મોભો ફરમાનથી આપ્યાં હતાં. એમની જરૂરિયાત પ્રમાણે દિલ્હી દરબાર તરફ શાહી ફરમાનો મેળવ્યાં હતાં – જે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત ગણી શકાય.
ડૉ. માણેક પટેલ
“સેતુ”