________________
જૈન આગમનાં આકર્ષક તત્ત્વો
95
જિતકલ્પસૂત્ર (પંચકલ્પભાષ્ય) - ૧૦૩ ગાથાઓના આ આગમમાં, સાધુજીવનમાં લાગેલા અતિચારો, અનાચારોના દસ અને ઓગણીસ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનું વર્ણન કર્યું છે. આ ગંભીર ગ્રંથ છે. ગીતાર્થ ભગવંતો જ આ ગ્રંથના અધિકારી ગણાય છે.
પાંચ પ્રકારના વ્યવહારથી જૈનશાસન ચાલે છે. (૧) આગમ, (૨) શ્રત, (૩) આજ્ઞા, (૪) ધારણા અને (૫) જિત વ્યવહાર. આ પ્રત્યેકની વિગતપૂર્ણ સમજણ આ આગમમાં આપવામાં આવી છે. ઉપરાંત, આચાર્યની આઠ સંપદાનું વર્ણન, વિદ્યા અને મંત્ર વચ્ચેનો તફાવત વગેરેની ચર્ચા પણ પ્રાપ્ત થાય છે.
મહાનિશીથ સૂત્ર. મહા-મધ્ય. આ સૂત્ર મધ્યરાત્રિએ જ શિષ્યને આપી શકાય. આ આગમના ૮ વિભાગ છે, જેમાં પ્રથમ વિભાગમાં ક અધ્યયન છે અને બાકીના બે ચૂલિકાઓ છે. વિશાળ આગમ છે. ૪૫૪૮ શ્લોકપ્રમાણ ગ્રંથ છે.
આ આગમ સંયમી જીવનની વિશુદ્ધિ પર ખૂબ જ ભાર મૂકે છે. સરળતા, આચારશુદ્ધિ, ભૂલો સુધારવાની તત્પરતા, વૈરાગ્યભાવ તેમજ આજ્ઞાધીનતા વગેરે વર્ણન છે.
ઓઘનિર્યુક્તિ (મૂળસૂત્ર). મૂર્તિપૂજા સંપ્રદાય પણ ૪ મૂળસૂત્રો ગણાવે છે. પરંતુ ૪થા સૂત્ર તરીકે ઓઘનિર્યુક્તિ સૂત્રની ગણના કરી છે. આ સૂત્ર સ્થાનકવાસી તેમજ તેરાપંથી સંપ્રદાયને માન્ય નથી.
આ આગમ, પૂજ્ય આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ “પ્રત્યાખ્યાન પ્રવાદ' નામના નવમા પૂર્વમાંથી સંકલિત કર્યું છે. - ઓઘ સંક્ષેપથી સાધુના જીવનને લગતી તમામ નાનીમોટી બાબતનું વર્ણન, આદર્શ શ્રમણચર્ચારૂપ વર્ણન આ ગ્રંથમાં છે. આ આગમમાં મુખ્યત્વે પડિલેહણ, પિંડ, ઉપધિનું વર્ણન, અનાયતનનો ત્યાગ, પ્રતિસેવના, આલોચના અને વિશુદ્ધિનું વર્ણન છે.
સાધુ-સાધ્વીની સમાચારીનું વર્ણન છે. સંયમ જીવનના પ્રાણસ્વરૂપ, ચરણસિત્તરી અને તેને સહાય એવી કરણસિત્તરીનું વર્ણન છે. ચરણકરણાનુયોગનું આ સૂત્ર છે. સાધુ પોતાના આચારમાં સ્થિર રહે અને જયણાનું ખાસ પાલન કરે તે હકીકત સચોટ રીતે દર્શાવી છે. બીમાર સાધુની સેવા માટે વૈદને બોલવાની વિધિ અને શ્રાવક પાસેથી ઔષધ મેળવવાની વિધિ પણ વર્ણવી છે. ચોમાસામાં વિહાર કરવાથી લાગતા દોષોનું વર્ણન છે. આહાર લેવાનાં અને ન લેવાનાં છ કારણો દર્શાવ્યાં છે. શયા, ઉપધિ, પડિલેહણ પાત્રો કેટલાં રાખવાં વગેરે દર્શાવ્યું છે.
સાધુજી ૪૫ આગમ વાંચી શકે જ્યારે શ્રાવકો ગુરુમુખેથી ૩૯ આગમ સાંભળી શકે તેવી પરંપરા
જિનશાસનના સમગ્ર બંધારણનો પાયો આ આગમ ગ્રંથો છે. જેમાંથી ગુરુઆજ્ઞા દ્વારા યત્કિંચિત્ આચરણ કરવાથી પરમપદના માર્ગની પ્રાપ્તિ સહજ બને છે.
ક્ષણે ક્ષણે જાગ્રત રહી આત્મસુધારણા કરવાની શીખ ઉત્તરાધ્યયન સૂત્ર (૪/૯)માં આપી છે. સૂતેલી વ્યક્તિની વચ્ચે પણ પ્રજ્ઞાસંપન્ન પંડિત જાગ્રત રહે છે. પ્રમાદમાં એ વિશ્વાસ કરતો નથી.