________________
મધ્યકાલીન જૈન સાહિત્યના સંશોધનની સમસ્યાઓ
109
તેની ગાથાઓ તેમજ બાલાવબોધકારે જુદા જુદા આગમ-આગમેતર ધર્મગ્રંથોમાંથી આપેલાં ઉદ્ધરણોઅવતરણો સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં હોય. આવાં સ્થાનોમાં જો સંસ્કૃત-પ્રાકૃત ભાષાની પર્યાપ્ત જાણકારી ન હોય તો લિવ્યંતર કરતી વેળા શુદ્ધ પાઠનિર્ણયની સમસ્યા સર્જાય છે. અનુભવે એમ કહી શકું કે મધ્યકાળના જૈન સાહિત્યના સંશોધકે ખપ પૂરતી પણ પ્રાકૃત ભાષાથી જ્ઞાત થવું જ જોઈએ. કર્તુત્વના કોયડાઓ :
સામાન્ય રીતે જૈન સાહિત્યની દીર્ઘ કૃતિઓમાં કર્તા પોતાનું નામ, ગચ્છ, ગુરુપરંપરા, કૃતિનાં રચનાસમય-સ્થળ વગેરેની માહિતી કૃતિના અંતભાગમાં આપતા હોય છે. હસ્તપ્રતમાં પણ કૃતિના અંતે અપાયેલી પુષ્યિકામાં લેખનકારની ઓળખ, લેખનવર્ષ તેમજ કૃતિના સર્જકનો નામોલ્લેખ જોવા મળતો હોય છે. પણ સ્તવન, સઝાય, સ્તુતિ જેવી લઘુ કૃતિઓમાં કર્તાઓળખ હોતી નથી. કેવળ નામોલ્લેખ જ હોય કાં તો તે પણ ન હોય.
કેટલીક વાર દીર્ઘ કૃતિઓમાં પણ કર્તાની ઓળખના કોયડા સર્જાય છે. કેટલાંક ઉદાહરણોથી એ સ્પષ્ટ કરીએ.
મધ્યકાળમાં જ્ઞાનવિજય નામના સાતેક જૈન સાધુકવિઓએ કાવ્યસર્જન કર્યું છે. એમાં “કાલિકાચાર્ય કથ'ના કર્તા જ્ઞાનવિજયની માત્ર નામ સિવાયની કોઈ ઓળખ નહીં મળતાં જ્ઞાનવિજય નામધારી કવિઓમાંથી આ કયા જ્ઞાનવિજય તે નિશ્ચિત થઈ શકતું નથી.
‘પ્રદેશી રાજાનો રાસ'ના એક સાધુકવિ જ્ઞાનચંદ્ર છે. પણ કૃતિમાં નામ સિવાય એમની ઓળખનો કોઈ આધાર નહીં મળતો હોઈ જ્ઞાનચંદ્ર નામધારી ચારેક સાધુકવિઓમાંથી આ કયા જ્ઞાનચંદ્ર છે તેની સ્પષ્ટ ઓળખ થઈ શકતી નથી.
દીર્ઘ કૃતિઓમાં પણ જો આ સમસ્યા છે તો લઘુ કૃતિઓની તો વાત જ શી ? જેમ કે સ્તવન, સક્ઝાય, સ્તુતિ જેવી કેટલીક જૈન રચનાઓમાં કેવળ “ઉદય” એવું કવિનામ મળે ત્યારે સમસ્યા સર્જાય છે. ચાલીસેક જેટલા ઉદય નામધારી જૈન સાધુ કવિઓમાંથી આ કયા કવિ હશે ? ઉદયરત્નવાચક ? ઉદયસાગર ? ઉદયવિજય ? ઉદયભાનુ ? ઉદયસમુદ્ર? આમ બને ત્યારે કૃતિનું રચનાવર્ષ કે હસ્તપ્રતનું લેખનવર્ષ કે એવા કોઈ અન્ય આધારોથી જે-તે કવિની ઓળખના અનુમાનની દિશામાં આગળ વધવાનું રહે.
ઉપાધ્યાય યશોવિજયજીના જીવનપરિચય માટે જેને મહત્ત્વનો આધાર ગણવામાં આવે છે તે સુજસવેલી ભાસ'ના કર્તા તરીકે “કાંતિ કહે એટલો જ ઉલ્લેખ મળે છે. કાંતિ એટલે કાંતિવિજય. કાંતિવિજય બે છે. એક કીર્તિવિજયશિષ્ય, બીજા પ્રેમવિજયશિષ્ય. પણ કૃતિમાં કર્તાની ગુરુપરંપરા આદિ અન્ય કશી વિશેષ ઓળખ કે રચનાસમય પણ નહીં મળવાને કારણે આ કયા કાંતિવિજય એ કોયડો જ રહ્યો છે. “જૈન ગૂર્જર કવિઓ” તેમજ “ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ (મધ્યકાળ)' આ કવિને કીર્તિવિજયશિષ્ય ગણે છે; જ્યારે પ્રા. જયંત કોઠારી એમના એક લેખમાં આ કવિને પ્રેમવિજયશિષ્ય ગણે છે. આમ પર્યાપ્ત ઓળખ વિના અપાયેલું સંક્ષિપ્ત નામ કેવી સમસ્યા સર્જે છે એનું આ એક ધ્યાનપાત્ર દૃષ્ટાંત છે.