________________
કાંતીભાઈ બી. શાહ
પકડી શકાયો નહીં હોવાથી પવિભાજન થયું આ રીતે, ‘ણિ પરિ અતિઘણઉ ઠાંમેલી' આમ ભળતો જ ‘ઠાંમેલી’ શબ્દ વાચનામાં પ્રવેશી ગયો, ને ‘ઉઠાં’ શબ્દ નીકળી ગયો.
108
એક જૈન પ્રતમાં મૂળ પાઠ હતો ‘ભવસાગર નિસ્તરીએ રે' પણ લિવ્યંતરકારને ‘નિસ્તરીએ’ શબ્દમાંના અડધા ‘સ’ની વચ્ચેની પાંખ નહીં ઊકલી હોવાને કારણે એ અક્ષર ‘૨’ તરીકે વંચાયો હશે. એને લીધે પાઠનિર્ણય થયો ‘ભવસાગર નિર તરીએ રે'. આમ મૂળ કૃતિનો ‘નિસ્તરીએ’ પાઠ નીકળી ગયો ને ‘નિર’ પાઠ પ્રવેશી ગયો.
જો પાઠનિર્ધારણ ખોટું થાય તો પાઠઅશુદ્ધિ તો થાય જ, સાથે સાથે કૃતિનું કાવ્યસૌંદર્ય પણ અળપાઈ જાય એવું બને. ‘ગુણરત્નાકર છંદ’માં સ્થૂલિભદ્રના વિરહમાં કોશાનો વિરહોદ્ગાર સળંગ અક્ષરોમાં આમ લખાયેલો હતો, ‘મેખલમેખલપરિસંતાવઇ'. પ્રથમ દૃષ્ટિપાતે તો થયું કે અહીં ‘મેખલ’ શબ્દની દ્વિરુક્તિ છે. પણ હકીકતે વર્ણક્રમ સ૨ખો, પરંતુ શબ્દો તદ્દન જુદા હતા. પાઠ આમ બેસતો હતોઃ ‘મેખલ મે ખલ પરિ સંતાવઇ.’(કોશા કહે છે કે હે સ્થૂલિભદ્ર! તારા વિરહમાં મારી કટિમેખલા મને ખલની—દુર્જનની પેઠે સંતાપે છે.) જોઈ શકાશે કે કવિએ અહીં યમકપ્રયોગથી ભાષાને અલંકારમંડિત કરી છે. જો આવાં સ્થાનોમાં ખોટું પવિભાજન થાય તો કાવ્યસૌંદર્ય લુપ્ત થાય.
આમ, ખોટા પાઠનિર્ણયોને લઈને અર્થનિર્ણયો પણ અસ્પષ્ટ રહી જતા `ય છે; કાં તો ખોટા અર્થસંદર્ભો દર્શાવવાના થાય છે.
જૈન પરિભાષાની અલ્પજ્ઞતા :
મધ્યકાલીન જૈન સાહિત્યમાં રાસા, પ્રબંધ, ચરિત, પદ્યકથા જેવી કથનાત્મક કૃતિઓમાં પણ જૈન તત્ત્વદર્શન અને ધર્મબોધનું નિરૂપણ થયેલું હોઈ જૈન પરિભાષાના થોકબંધ શબ્દો પ્રયોજાયેલા હોય છે. વળી દાર્શનિક વિષયવાળી કૃતિઓમાં તો એનું પ્રમાણ સવિશેષ હોય છે. આવી જૈન કૃતિનું સંશોધન હાથ ધરનાર જૈન હોય કે જૈનેતર, પણ જો એ કૃતિઅંતર્ગત જૈન પારિભાષિક શબ્દોથી અજ્ઞ હોય તો એને માટે મોટી સમસ્યા સર્જાય છે. આવી પરિભાષા નહીં પકડાવાને કારણે ખોટા પાઠનિર્ણયો કે ખોટા અર્થસંદર્ભો સંશોધક કરી બેસે છે.
સદ્દહણા, સમિતિ, ગુપ્તિ, જયણા, નિસિહી, આવશ્યક, અતિશય, પચ્ચક્ખાણ, પડિલેહણ, નિકાચિત, દેશવિરતિ, પલ્યોપમ, સંવેગ, સામાચારી જેવા અસંખ્ય પારિભાષિક શબ્દો એના પ્રચલિત અર્થો કરતાં વિશેષ અર્થસંદર્ભો ધરાવતા હોય છે. એક જૈન કૃતિના સંપાદનમાં ‘દીખ્યા'નો અર્થ ‘દેખાયા’ અપાયો છે, પણ સાચો અર્થ ‘દીક્ષિત થયા' છે.
એક વિદેશી સંશોધકે આમ તો ઘણા શ્રમપૂર્વક ‘શાલિભદ્ર-ધન્ના ચરિત'નું સંશોધન-સંપાદન કર્યું છે. પણ વિષયવસ્તુ અને ભાષાની પર્યાપ્ત જાણકારીને અભાવે એમને હાથે પાઠની કેટલીક અશુદ્ધિઓ જોવા મળે છે. એક સ્થળે એમણે ‘પંન્યાન વિજયગણિ’ પાઠ આપ્યો છે. જે ખરેખર ‘પં. ન્યાનવિજય’ પાઠ છે. પણ ‘પંન્યાન’ને એમણે એક પદવી માની લીધી જણાય છે.
પ્રાકૃત ભાષાની અસજ્જતા :
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ગદ્યાત્મક બાલાવબોધોના લિવ્યંતરમાં ભાષાની સમસ્યા નડતી હોય છે. બાલાવબોધ મધ્યકાલીન ગુજરાતીમાં હોય, પણ જે મૂળ ધર્મગ્રંથનો બાલાવબોધ હોય