________________
ભારતીય પ્રતિમાવિધાન
35
ત્રિપુરાન્તક, શરભેશ, બ્રહ્મશિરચ્છેદક, વીરભદ્ર, જલંધરસંહારક, મલ્લારિ અને અન્ધકાસુરસંહારક
સ્વરૂપ પ્રયોજાયાં છે; અને અનુગ્રહ સ્વરૂપોમાં ચંદેશાનુગ્રહ, વિષ્ણુ-અનુગ્રહ, નંદીશ-અનુગ્રહ, વિદ્ધેશ્વર-અનુગ્રહ, કિરાતાર્જુન અને રાવણાનુગ્રહ સ્વરૂપ પ્રચલિત છે. આ ઉપરાંત શિવનું નટરાજસ્વરૂપ તથા રૌદ્ર ભૈરવ-સ્વરૂપ પણ પ્રચલિત છે.
વિષ્ણુનાં વિવિધ સ્વરૂપો ચતુર્ભુજ સ્વરૂપ મુખ્ય છે. એમાં એ પોતાના ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરે છે. ભગવાન વિષ્ણુની ઊભી પ્રતિમામાં એ બે હાથ ઉપલા ભાગમાં અને બે હાથ નીચેના ભાગમાં રાખે છે; ને એ ચાર ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મને જુદા જુદા ૨૪ ક્રમે ધારણ કરે છે; એ અનુસાર ભગવાન વિષ્ણુ કેશવ, નારાયણ, માધવ, ગોવિંદ ઇત્યાદિ ૨૪ નામે ઓળખાય છે.
વિષ્ણુના વિવિધ અવતારોમાં ૧૦ મુખ્ય છે : મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ.
હિંદુ ધર્મમાં શિવ અને વિષ્ણુ ઉપરાંત સૂર્ય, ગણપતિ અને બ્રહ્મા જેવા અન્ય દેવો તેમજ લક્ષ્મી અને સરસ્વતી જેવી દેવીઓ પણ પ્રતિમા સ્વરૂપે પૂજાય છે. વળી દેવીઓમાં સપ્તમાતૃકાઓ પણ મહિમા ધરાર્વે છે. એમાં બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી અને ઐન્દ્રી તો બ્રહ્મા, મહેશ્વર (શિવ), કુમાર (કાર્તિકેય), વિષ્ણુ, વરાહ અને ઇન્દ્રની અર્ધાંગનાઓ છે, જ્યારે ચામુંડા એ માતૃકાનું સ્વતંત્ર સ્વરૂપ છે.
' હિંદુ ધર્મમાં આ ઉપરાંત આઠ દિશાઓના આઠ દિકપાલોની પણ ઉપાસના પ્રચલિત છે. ઇન્દ્ર પૂર્વ દિશાના, યમ દક્ષિણ દિશાના, વરુણ પશ્ચિમ દિશાના અને કુબેર ઉત્તર દિશાના પાલક છે; જ્યારે અગ્નિ, નિઋતિ, વાયુ અને ઈશાન એ ચાર ખૂણાઓનું પાલન કરે છે. - નવ ગ્રહોમાં સૂર્ય, ચંદ્ર, ભૌમ (મંગળ), બુધ, બૃહસ્પતિ (ગુરુ), ભૃગુ (શુક્ર), શનૈશ્ચર (શનિ), રાહુ અને કેતુનો સમાવેશ થાય છે.
જૈન ધર્મમાં પણ મૂર્તિવિધાન તથા મૂર્તિપૂજા પ્રચલિત થઈ છે.
એમાં ૨૪ તીર્થકરો મુખ્ય સ્થાન ધરાવે છે. એ છે આદિનાથ (ઋષભદેવ), અજિતનાથ, સંભવનાથ, અભિનંદનનાથ, સુમતિનાથ, પદ્મનાભ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી.
તીર્થકરની મૂર્તિઓ બે પ્રકારની હોય છે : ૧. ધ્યાનસ્થ યોગાસનમાં બેઠેલી અને ૨. કાયોત્સર્ગ અવસ્થામાં ઊભેલી. આ સર્વ તીર્થકરોની પ્રતિમાઓ એકસરખી લાગે તેવી હોય છે. પરંતુ દરેક તીર્થકર અલગ અલગ લાંછન ધરાવે છે, તેથી પ્રતિમામાં તે તે લાંછન મુકાય છે. ને એ અનુસાર દરેક તીર્થકરની પિછાન મળી રહે છે. પાર્શ્વનાથની પ્રતિમામાં એમના મસ્તક ઉપર ૩, ૭, ૧૧ કે ૧૦૦૦ ફણા ધરાવતા નાગનું છત્ર હોય છે.