________________
78
સુનંદાબહેન વોહોરા
અને શરત પ્રમાણે ઊકળતા તેલના કુંડમાં હોમવાનું જાહેર કર્યું. (બૌદ્ધાચાર્ય અને સાતસો ભિખ્ખુઓનો હોમ થયો તેવો ઉલ્લેખ મળે છે.)
સૂરિજીના ગુરુદેવને આ હકીકતની જાણ થતાં તેઓશ્રીએ બે મુનિને પત્ર આપી મોકલ્યા. પત્રમાં લખ્યું હતું કે, ‘વત્સ, આ વેરભાવ તને શોભે છે ? શ્રામણ્ય તમને શું કહે છે ? સાધુ એટલે ક્ષમાનો અવતાર. પુનઃ વિચાર કરજે. ભગવાન મહાવીરસ્વામીએ વેર સામે ક્ષમાનો ઉપદેશ અને આદેશ આપ્યા છે. સમરાદિત્ય કથાના અગ્નિશર્માના વેર અને ગુણસેનના પ્રેમને યાદ કર. હે વત્સ ! વેરની આગને પ્રેમના વરસાદથી બુઝાવી દે. હે વત્સ ! યાકિની મહત્તરાના ધર્મપુત્રને આ શોભતું નથી.
વાત્સલ્યપૂર્ણ પત્ર વાંચીને સૂરિની આંખમાં ચોધાર આંસુની ધારા વહેવા લાગી. રાજસભામાં જ સૂરિએ ભિખ્ખુઓ પાસે ક્ષમા માગી અને કહ્યું કે, ‘મેં વેરના આવેશમાં ખોટું કર્યું છે.' પુનઃ ક્ષમા માગી પશ્ચાત્તાપ કરી પાવન થયા. મુનિની સાથે સૂરિ ગુરુદેવ પાસે પહોંચી ગયા. એવી માહિતી સાંપડે છે કે ૧૪૪૪ ભિખ્ખુઓને મારવાનો સંકલ્પ કર્યો હતો. પરંતુ હત્યા કરતા અગાઉ ગુરુદેવે શિષ્યો દ્વારા શાંત થવા અંગેનો પત્ર મોકલ્યો. પત્ર વાંચીને સમતાભાવમાં આવ્યા. તરત જ ગુરુદેવ પાસે પહોંચીને ચરણમાં શીશ ઝુકાવી અશ્રુધારા વડે ચરણ-પ્રક્ષાલન કરી થયેલા પાપનું પ્રાયશ્ચિત્ત માગ્યું.
એક કિંવદંતી પ્રમાણે એમ પણ મનાય છે કે યાકિની મહત્તરાએ તેમને હિંસાથી દૂર રહેવાનો સંકેત આપ્યો. અથવા અંબાદેવીએ સ્વર્ગલોકમાંથી પ્રગટ થઈ સાધુધર્મની અહિંસાનો ઉપદેશ આપી સુભટોને મા૨વાને બદલે શાસ્ત્રના નિર્માણ ક૨વાનો ઉપદેશ આપ્યો. વળી કહ્યું કે, ‘તમારા ભાગ્યમાં શિષ્યોનો યોગ નથી. શાસ્ત્રોને જ શિષ્યો રૂપે સ્વીકારી લો. તમે શ્રમણ છો, તમને હિંસા ન શોભે.’
ગુરુદેવે ૧૪૪૪ ગ્રંથ નિર્માણ કરવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું. સૂરિજીએ ત્યાર પછીનું જીવન શ્રુતપૂજામાં પૂર્ણ કર્યું. વયોવૃદ્ધ છતાં પ્રાયશ્ચિત્તના ભાવથી અથાગપણે અંત સમય સુધી કાર્યરત રહ્યા.
આટલા બધા ગ્રંથોની રચના કઈ રીતે થઈ હશે ? આ સંદર્ભમાં લલ્લિગ નામનો શ્રાવક તેમનાથી બોધ પામ્યો હતો અને ગુરુદેવની કૃપાથી ધનની પ્રાપ્તિ થઈ હતી. તેણે એક મોટો પ્રકાશિત હીરો ઉપાશ્રયમાં જડાવી દીધો હતો જેના પ્રકાશમાં સૂરિ રાત-દિવસ નિરંતર લેખન કરી શક્યા હતા તેમ જાણવા મળ્યું છે.
આચાર્યશ્રી હરિભદ્રસૂરિના આહાર વાપરવાના સમયે લલ્લિગ યાચકોને ભેગા કરી ઉત્તમ ભોજન કરાવતો તે સહુને સૂરિ આશીર્વાદ આપતા કે તમારો ભવ વિરહ થાઓ. તેથી તેઓ ‘ભવવિરહ સૂરિ’ નામે પ્રસિદ્ધિ પામ્યા હતા જેનો ઉલ્લેખ ‘સંસાર દાવા...'ની સ્તુતિમાં અને કોઈ ગ્રંથોમાં પણ મળે છે.
સૂરિજીએ ૧૪૪૦ ગ્રંથ પૂર્ણ કર્યા પછી તેમના જીવનદીપકનું તેલ પૂરું થવા આવ્યું હતું. તેમ છતાં તેમનું ગ્રંથલેખન ચાલુ રહ્યું. ૧૪૪૩ ગ્રંથ રચાઈ ગયા પછી તેઓ ‘સંસાર દાવાનલ દાહનીરં’ની સ્તુતિની રચના કરી રહ્યા હતા ત્યારે કાળધર્મ પામ્યા. આની ત્રણ કડી લખાઈ ગઈ હતી ત્યારે સમાધિસહ તેઓ કાળધર્મ પામ્યા ત્યારે સંઘમાંથી ચોથી કડીનો નાદ થયો.
‘ઝંકારારાવ સારા મલદલ કમલા હાર ભૂમિનીવાસે'