________________
જૈન શાસનના ચમકતા સિતારા : ૫
શરૂ કરી. એના પિતાએ પણ એ નિમિત્તે જ્ઞાનખાતામાં પોતાના ધનનો સદુપયોગ કરવા માંડ્યો. થોડા સમયમાં ગુણમંજરીનો રોગ મટી ગયો. તે પહેલેથી જ ગુણવાન અને સૌંદર્યવાન હતી. હવે તો તેનો રોગ અને મૂંગાપણું પણ ચાલી ગયાં એટલે સામેથી સારા ઘરના છોકરા સાથે વેવિશાળ માટે માગણી થવા લાગી. માતાપિતા પણ એનાં લગ્નની તૈયારીઓ કરવા લાગ્યાં. પણ ગુણમંજરીએ સાફ શબ્દોમાં કહી દીધું કે મેં મારા પૂર્વભવની કરણી ગુરુના મુખેથી સાંભળી છે ત્યારથી મને તો આ સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો છે. મારે સંસારમાં પડવું નથી. સંયમ જ આત્માને માટે હિતકારી છે.
સારા દિવસે ગુણમંજરીએ સંયમ અંગીકાર કર્યો. સંયમ લઈને જ્ઞાન ભણવામાં ખૂબ જ પુરુષાર્થ કર્યો. જ્ઞાન ઉપાર્જન તથા તપ દ્વારા ચારિત્રનું પાલન કરવા લાગી.
ગુણમંજરી જ્ઞાનસહિત ક્રિયા કરવા લાગી. તે સમજી કે જ્ઞાન અને ક્રિયા બન્નેની આવશ્યકતા સંસાર સમુદ્ર તરવા માટે જરૂરી છે. એકલું જ્ઞાન હોય તે પૂરતું નથી. પણ તે સાથે ક્રિયા તો કરવી જ પડે. નદી કે સમુદ્રને તરવા માટે જેમ બન્ને હાથની જરૂર હોય છે તેમ મોક્ષમાર્ગનો મેળ કરવા માટે જ્ઞાન અને ક્રિયા બન્ને જરૂરી છે. જ્ઞાન એ આત્મામાં રહેલ કર્મ કચરો બતાવે છે જ્યારે ક્રિયા કચરાને સાફ કરે છે. જ્ઞાન અને ક્રિયા બન્નેનું કામ અલગ અલગ છે જેમ દીપકનો પ્રકાશ કચરો ક્યાં છે તે બતાવે છે પણ કચરાને વાળીને ફેંકી દેવાની ક્રિયા તો પોતે કરવી જ પડે છે. માર્ગનો જાણનાર જ્યાં સુધી ચાલવાની ક્રિયા નહીં કરે ત્યાં સુધી મનગમતાસ્થાને પહોંચી શકતો નથી. સમ્યક જ્ઞાનની આરાધના કરતાં અને બીજાઓને આરાધના કરવામાં પણ નિમિત્તરૂપ બની અને આયુષ્ય પૂર્ણ થતાં ગુણમંજરી કાળ કરીને દેવલોકમાં ગઈ. ત્યાંથી દેવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈ સંયમ લઈ ઉગ્ર તપશ્ચર્યા કરતાં ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગઈ.
જ્ઞાન એ આત્માનું પરમ રસાયણ છે, તે અંધકાર ભરેલા જીવનમાં માર્ગદર્શક છે. માટે બને એટલી મહેનત સમ્યક જ્ઞાન મેળવવા કરો. જે ધર્મનું ભણતા હોય તેમને સહાય કરો. જ્ઞાનપંચમીનો તપ કરી આરાધના દ્વારા સંસારસમુદ્ર તરવા પુરુષાર્થ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org