________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૯૦
પણ કોઈ કારી ન ફાવી અને જોતજોતામાં એ મુનિવરે સદા માટે આંખ બંધ કરી દીધી. “અચાનક આ શું બની ગયું...? નખમાં પણ રોગ નહીં ને અચાનક મરણ?” ખુદ આચાર્યદેવ પણ વિચારતા થઈ ગયા. કરુણાંતિકાની આ તો શરૂઆત હતી. બે દિવસ પણ વીત્યા નથી ને ત્યાં સમુદાયના એક વિદ્વાન મુનિરાજ પણ એ જ રીતે ઢળી પડ્યા. શ્રમણ સંઘમાં હાહાકાર મચી ગયો. સાંજ થતાં તો આ મુનિરાજે પણ સહુની વચ્ચેથી વિદાય લીધી. સંઘ અને આચાર્યદેવ કારણ શોધવાનો પ્રયત્ન કરે છે. આટલું ઓછું હોય તેમ ૩-૪-૫-૬-૭-૮-૯ અને ૧૦ મુનિરાજો આ રીતે મરણને શરણ થયા. સંઘમાં અને આખા શહેરમાં ભયનું કરુણ વાતાવરણ છવાઈ ગયું.
આચાર્યભગવંતને જ્ઞાનને આધારે લાગ્યું કે આ કોઈ દેવી શક્તિનો પ્રકોપ થયો છે. ભવિષ્યની સુરક્ષાની દૃષ્ટિએ કંઈક યોગ્ય ઉપાય શોધવો પડશે. પૂજ્યશ્રીએ મનોમન નિર્ણય કરી લીધો. તેમણે બધા મુનિવરોને બોલાવ્યા અને કહ્યું, “સાધનાપ્રિય મુનિઓ! તમારી અંતરની અસહ્ય વેદના હું સમજું છું. લગાતાર થયેલા દસ મુનિઓના અવસાને આપણને સહુને હચમચાવી દીધા છે. મને અંતરનો અવાજ લાધ્યો છે. જરૂર આ કોઈ દૈવી કોપ છે. આ શક્તિને પડકારવી જ પડશે. આ માટે હું આજથી સાધનામાં સ્થિર થવા માગું છું. શાસનદેવને પ્રત્યક્ષ કરવા છે, ગમે તે ભોગે - ગમે તે પ્રયાસે, જ્યાં સુધી શાસનશક્તિઓ જાગે નહીં ત્યાં સુધી મારે નિર્જળા ઉપવાસ છે. તમે પણ તમારી શક્તિ પ્રમાણે તપ-જપ કરતા રહેશો.”
શાસ્ત્રોએ આચાર્ય ઉપર સંઘ રક્ષાની જે જવાબદારી મૂકી છે તે પૂરી કરવાનો આ એક સુંદર દાખલો છે.
અખંડ સાધના ચાલે છે. એક ઉપવાસ, બે, ત્રણ, પાંચ અને દસ ઉપવાસ સુધી આચાર્યભગવંત પહોંચી ગયા છે. અગિયારમા ઉપવાસની રાત્રે સાધના સિદ્ધિનું સ્વરૂપ ધરી લે છે. શાસનદેવી સાક્ષાત્ પધારે છે. “જિનશાસનરક્ષક! ફરમાવો, શાને યાદ કરી છે મને?
આચાર્યશ્રી કહે છે, “શાસનદેવી! તમે જૈન શાસનનાં જાગ્રત અધિષ્ઠાયિકા છો. અમારા સમુદાયના અનેક મુનિવરો કોઈ મેલી શક્તિને વશ બની મરણને શરણ થયા છે. આનું શું કારણ છે અને શો ઉપાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org