________________
[૬] નંદ મણિકાર
રાજગૃહ નગરીમાં નંદનામનો એક હોશીયાર મણિકાર રહેતો હતો. તે ઝવેરાતનો ધંધો કરતો હતો. દેશવિદેશના ઘણા ગ્રાહકો તેની દુકાનેથી માલ ખરીદી સંતોષપૂર્વક વ્યવહાર કરતા હતા.
એક દિવસ નંદ પોતાની દુકાને બેઠો હતો ત્યારે તેણે ઘણા માણસો એક ઉદ્યાન તરફ જઈ રહ્યા હતા તે જોયું અને તેણે ત્યાંથી પસાર થતા એક મહાનુભાવને પૂછ્યું, “આ બધા લોકો ક્યાં જાય છે?”
તે મહાનુભાવે કહ્યું, “ગુણશીલ ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પધાર્યા છે. તેમનાં દર્શન કરવા તથા દેશના સાંભળવા બધા ત્યાં જઈ રહ્યા છે.'
નંદે વિચાર્યું ઃ ભગવાન મહાવીર આત્મકલ્યાણ અને શાંતિનો માર્ગ બતાવે છે, તો હું પણ એમની દેશના સાંભળવા જાઉં.
તે પોતાના કેટલાક સેવકો સાથે ભગવાન મહાવીરની દેશના સાંભળવા પહોંચી ગયો. પહોંચતાં જ તેણે દૂરથી જ ઊભા ઊભા વંદના કરી અને પુરુષો જ્યાં બેઠા હતા ત્યાં તે સેવકો સાથે બેસી ભગવાનનું પ્રવચન સાંભળવા લાગ્યો.
ભગવાન પ્રવચનમાં સમજાવતા હતા : પેટની ભૂખ તો બહુ ઓછી હોય છે, શેર-બશેર ધાન્યથી પેટ ધરાઈ જાય છે; પણ મનની ભૂખમાં મનુષ્ય કદી ધરાતો નથી. મેરુ પર્વત જેટલાં સોનાચાંદી મળે તો પણ તેને મનથી તૃપ્તિ થતી નથી. આથી તે સદા અશાન્ત રહે છે. મનની શાન્તિ મેળવવા ઇચ્છાના ઘોડા ઉપર સંયમની લગામ રાખો, જરૂરિયાત ઓછી કરો, મળ્યાં હોય તે સાધનોથી સંતોષ માનો.”
ભગવાનના પ્રવચનની નંદના મન ઉપર સારી અસર થઈ. તે ભગવાન સન્મુખ આવીને બોલ્યો : “ભગવાન આપની વાત સાચી છે. મારો પણ અનુભવ એવો જ છે. મન ઉપર સંયમ રાખવાથી આત્માને શાંતિ મળે છે. આપના ઉપદેશનો હું સ્વીકાર કરું છું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org