________________
[૮] બાહડ મંત્રી
બાહડ મંત્રીના પિતા ઉદયન મંત્રી મરતી વખતે મહા મૂંઝવણ અનુભવતા હતા. શત્રુંજ્યગિરિ ઉપર જીર્ણ થયેલ પ્રસાદને નવો પથ્થરમય બનાવવા ધાર્યું હતું, પણ મોતનું તેડું વહેલું આવ્યું. તેઓ જીર્ણોદ્ધાર કરાવી ન શક્યા. પુત્ર બાહડ નવું મંદિર શત્રુંજયગિરિ ઉપર જરૂર બાંધશે એવી હૈયાધારણ મળ્યા બાદ તેઓ શાંતિથી સમાધિમાં અવસાન પામ્યા.
પિતાજીની આખરી ઇચ્છા પુરી કરવા બાહડે શત્રુંજય ઉપરનું જીર્ણ મંદિર તોડી નવું પાષાણમય બનાવવા નિશ્ચય કર્યો. જ્યાં સુધી મંદિરનો પાયો ન ખોદાય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન, દરરોજ એકાસણું, પૃથ્વી પર શયન અને તાંબુલનો ત્યાગ એવા અભિગ્રહો ગ્રહણ કર્યા.
વખત ગુમાવ્યા વગર શત્રુંજય તીર્થે સંઘ સાથે જવા નક્કી કર્યું. બીજે દિવસે પાટણમાં ઘોષણા કરાવી કે “બાહડ મંત્રી શત્રુંજયનો સંઘ કાઢે છે. જેણે આવવું હોય તે આવી શકે છે. દરેકે આ પ્રમાણે છ નિયમો પાળવા પડશે: (૧) બ્રહ્મચર્યનું પાલન, (૨) ભૂમિશયન, (૩) દિવસમાં એક જ ટંક ભોજન, (૪) સમકિતધારી રહેવું પડશે, (૫) સજીવ વસ્તુનું ભોજન નહીં કરાય અને (૬) પદયાત્રા. દરેકની ભોજન આદિની વ્યવસ્થા બાહડ મંત્રી કરશે.”
આ ઘોષણા સાંભળી ધર્મપ્રેમી જનતા હર્ષઘેલી બની ગઈ. હજારો નરનારીઓ શ્રી શત્રુંજ્યતીર્થ યાત્રામાં જોડાયા. શુભ મુહૂર્ત મંગળ પ્રયાણ શરૂ થયું.
ગામે ગામ યાત્રિકોનું સ્વાગત થતું. દરેક ગામથી પણ બીજા યાત્રિકો જોડાતા. દરેક ગામે મહામંત્રી મોકળા મને દાન કરતા, જિનમંદિરોમાં ઉલ્લાસથી પૂજા-ભક્તિ કરતા.
આ યાત્રાનો શુભ ઉદેશ્ય સૌ સમજતા હતા. ગિરિરાજ ઉપર નવું ભવ્ય જિનમંદિર બનાવવા મહામંત્રી સંઘ સહિત જઈ રહ્યા છે. પિતા ઉદયનની અંતિમ ઇચ્છાને પુત્ર બાહડ પૂરી કરશે! કરોડો રૂપિયાનો સવ્યય થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org