________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૧૧
યોજનથી વધારે દૂર ન જવાનો નિયમ લીધો છે, ને નાગપુર અહીંથી સવાસોયોજન દૂર છે. માટે મારાથી નહીં જઈ શકાય.”રાજાજી આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને કહ્યું, “હું રાજા અને તમે પ્રજા. તમારે મારી આજ્ઞા માનવી જ પડશે. મારી આજ્ઞા નહીં માનો તો ખબર પડશે. હમણાં જ હું તમને ઊંટ ઉપર બેસાડી હજાર યોજન દૂર મોકલી દઈશ, સમજ્યા?”
સિંહ શ્રેષ્ઠીએ રાજાજીના મોં સામું જોયું. તે અતિ ક્રોધિત દેખાયા. સમય વર્તે સાવધાન થવામાં તેમને ડહાપણ દેખાયું અને કહ્યું, “ભલે! આપ શાંત થાવ. મેં તો મારા વ્રતની વાત આપને જણાવી, છતાં રાજ આજ્ઞા હું શી રીતે તોડી શકું?”
આ સાંભળી રાજાએ પ્રસન્ન થઈ કુંવર તથા સૈન્યને તૈયાર કરી સિંહ શેઠને આગેવાની સોંપી, સારા દિવસે પ્રયાણ કરાવ્યું.
આખા માર્ગે સિંહ શેઠે કુમાર ભીમને ઈન્દ્રિયો અને મનના તમાશાની વાસ્તવિક્તા સમજાવી, ભોગવિલાસમાં રહેલું અલ્પસુખ એ મહાપાપનું કાર્ય છે એનો અદ્ભુત બોધ આપ્યો, જે સાંભળી સમજી ભીમકુમારની સંસારવાસના જ નાશ પામી અને તે શેઠનો ઘણો ઉપકાર માનવા લાગ્યો. પ્રયાણ કરતાં સો યોજન પૂરા થયા એટલે શેઠ આગળ ચાલતા અટકી ગયા અને આગળ ચાલવાની ના પાડી.
સેનાનાયકે કુમારને બાજુમાં લઈ જઈ કહ્યું, “શેઠ આગળ વધવાની ના કહે છે અને નીકળતાં પહેલાં રાજાજીએ અમને સ્પષ્ટ આજ્ઞા આપી છે કે કદાચ આ શેઠ સો યોજનથી આગળ જવાની ના પાડે તો તેમને બાંધીને પણ નાગપુર લઈ જવા.” આ વાત જાણી કુમારે તે પોતાના ધર્મગુરુ સમાન શેઠને જણાવી. શેઠે કહ્યું, “કુમાર! આ સંસાર આખામાં કાંઈ સાર નથી. અરે! આ શરીર પણ જ્યાં આપણું થતું નથી ત્યાં બીજું તો કોણ આપણું થાય અને શા માટે થાય? માટે હું તો પાદપો ગમ (વૃક્ષની જેવી સ્થિરતાવાળું) અણસણ લઈશ. પછી મારા શરીરનું જે કરવું હોય તે ભલે ને કરે.” આવો નિર્ણય કરી સિંહ શેઠ અણસણ લેવા બાજુના પર્વત ઉપર ચડી ગયા. સમજપૂર્વક કુમાર પણ શેઠની પાછળ પાછળ પર્વત પર પહોંચ્યો.
આ તરફ રાત્રિ પડી. કુમાર અને શેઠ બંને ક્યાંય દેખાયા નહીં. તપાસ કરતાં અંતે સવારના સૈનિકોએ બન્ને જણને અણસણ લઈ બેઠેલા પહાડ ઉપર શોધી કાઢ્યા. સેનાધ્યક્ષ હવે મૂંઝાયો. શેઠ એકલા આગળ ન વધત તો તો તેમને બાંધીને લઈ જાત, પણ કુમાર જ અણસણ લઈ બેઠો છે હવે શું કરવું? છેવટે વિનયપૂર્વક પ્રણામ કરી સેનાધ્યક્ષે શેઠ સામું જોઈ પૂછયું, “અમારે શું કરવું?” પણ બેમાંથી કોઈ ન હાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org