________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૮૨
એક રેતીના ઢગલા ઉપર મૂકી તે થોડાં લાકડાં લેવા ગયો. આજુબાજુ ફરીને થોડાં લાકડાં વીણીને લઈ આવ્યો. મને સમજાઈ ગયું કે જરૂર આ શિકારી મારા સ્વામીના દેહને જલાવી દેશે. હું મારા સ્વામીના શરીર ઉપરના આકાશમાં ઊડી રહી હતી. મારી નિરાશાનો કોઈ પાર ન હતો. દુ:ખની કોઈ હદ નહોતી.
પેલા શિકારીએ લાકડાં વ્યવસ્થિત ગોઠવ્યાં. તેના ઉપર સ્વામીના દેહનાં અંગોને ગોઠવ્યાં અને પછી અગ્નિ પ્રગટાવ્યો. શોકથી હુંય પ્રજ્જવળી ઊઠી. મારા અંગમાં પણ દાહ ઊઠ્યો. ચિત્કાર કરતાં મેં કહ્યું, “હે સ્વામી, હું એકલી શી રીતે જીવું. ના, ના. તમારા પછી મારે જીવીને શું કરવું છે? નાથ, હું આવું છું. તમારી સાથે જ આવું છું..ને એ સાથે જ નીચે ભડભડ સળગતા અગ્નિ પર મેં પડતું મૂક્યું. એ અગ્નિજવાળાએ મને પોતાની ગોદમાં સમાવી લીધી હું મનુષ્યની ભાષામાં કહું તો સતી થઈ. આ છે મારા પૂર્વજન્મનો વૃત્તાંત. આ બધું મેં આજે જ નીરખું, મારી તંદ્રા અવસ્થામાં.” આ સાંભળી સારસિકાનું હૃદય દ્રવી ઊહ્યું. એની આંખોમાં આંસુ આવી ગયાં.
દિવસ અને રાત સતત ચિંતામાં તરંગવતી વિચાર્યા કરે છે : “મારો પતિ, મારો પ્રાણનાથ પણ કોઈક જગ્યાએ જો હોવો જોઈએ. એ કેમ મળે? ક્યાં મળે? ગમે તેમ મારે એને શોધવો જ રહ્યો. તેના વિના હું નહીં રહી શકું. હું એને શોધી કાઢીશ. તે મળશે જ અને મારા બધા પ્રયત્નો છતાં એ નહિ મળે તો હું શ્રી જિનેશ્વર ભગવંતે પ્રાણીઓના સાર્થવાહરૂપ જે માર્ગ કહ્યો છે તે જ મારા માટે સ્વીકાર્ય અને સુખકારી બની રહેશે.”
ચિંતામાં તરંગવતી શરીરે નબળી પડતી જાય છે. માતાજી પૂછે છે, “શું થાય છે તરંગવતી!” ભળતા જ જવાબો તરંગવતી આપે છે, “માથું દુઃખે છે. ઊંઘ નથી આવતી’ વગેરે. હવે એને એક વિચાર સૂઝી આવે છે. પૂર્વભવનાં ચિત્રો મોટા પટ જેવાં જાહેરમાં ચીતર્યા હોય તો કોક ને કોક દિવસે પૂર્વભવનો પ્રિય તે જોતાં તેને પણ જાતિસ્મરણ થાય અને તે મળી આવે. વિચાર સુંદર હતો. તેણે ચીતરવા માંડ્યાં પૂર્વભવનાં ચિત્રો અને બનાવ્યો એક મોટો પટ, ચક્રવાક અને ચક્રવાકી; શિકારી અને હાથી; બાણનું છોડાવું અને હાથી ખસી જતાં બાણ ચક્રવાકને વાગવું; ચક્રવાકીનું રુદન; શિકારીનો પશ્ચાત્તાપ અને ચક્રવાકનો અગ્નિદાહ; નાની શી ચિતામાં ચક્રવાકીનું બલિદાન વગેરે....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org