________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૧૪
દશ્યો આગળ વધે છે અને ચોથો ભવ દેખાય છે - કાશીનગરીમાં અમે બેય બંધુઓ ચાંડાલરૂપે જન્મ્યા. મારું નામ સંભૂતિ અને ભાઈનું નામ ચિત્ર. બાળપણમાં જ અમે સંગીતની સાધના કરી. અમારા સંગીતે અમને ઠીકઠીક પ્રસિદ્ધિ આપી. પણ લોકોને ખબર પડે કે આ તો ચાંડાલપુત્રો છે, એટલે લોકો ભાગી જતા. જ્યાં જઈએ ત્યાં આ જ દશા અમારી થતી. અમે જીવનથી કંટાળ્યા અને આત્મઘાત કરવા તત્પર બન્યા. પણ નસીબસંજોગે એક જૈન અણગારે અમને એ માર્ગે જતા અટકાવ્યા. અમે જૈન શ્રમણ બન્યા, ભોગી મટીને યોગી બન્યા. અંતે અનશન આદર્યું. ચક્રવર્તી સનતકુમાર એમના સમગ્ર પરિવાર સાથે અમને વંદન કરવા આવ્યા. એમના સ્ત્રીરત્ન ઉપર મારી નજર પડી. એનું મનમોહક સૌંદર્ય જોઈ, આવું સ્ત્રીરત્ન મળે એવી મનથી કામના કરી. આખરે અમે મૃત્યુ પામ્યા.
થોડીવારે સ્મૃતિપટ પર પાંચમા જન્મની અનેક ઘટનાઓ તરવરવા લાગી – દેવલોકનું દિવ્ય વાતાવરણ છે. સ્વગગનાઓનું સુંવાળું સાન્નિધ્ય છે. પાર વગરની સમૃદ્ધિ છે. ત્યાં અમે બન્ને દેવ બન્યા. ખૂબ જ આનંદપ્રમોદ ત્યાં કર્યો. અનેક વર્ષો ત્યાં સુખ ભોગવ્યું. આખરે એનો અંત આવ્યો, અમો બન્ને દેવલોકની દિવ્ય દુનિયામાંથી વિદાય થઈ ગયા.
ચક્રવર્તી હવે તદન જાગ્રત અવસ્થામાં આવી ગયા : ઓહ! પાંચ પાંચ ભવ જોયા. આ નવા ભવમાં હું તો ચક્રવર્તી છું, પણ મારો ભાઈ ક્યાં? પાંચ ભવ સાથે ને સાથે જ હતા. આ ભવમાં એ ભાઈ ક્યાં ગયો? આ જુદાઈ કેમ? કયાં કર્મો કારણભૂત હશે? એ વિચારના વમળમાં ચક્રવર્તી અટવાઈ ગયા. કોઈ નિર્ણયનું નવનીત એમને ન લાધ્યું.
ક્યાં હશે એ? હું તો સુખના સ્વર્ગમાં મહાલું છું. ક્યાંક એ દુઃખમાં તો નહીં હોય? ગમે તેમ મારે એને શોધી કાઢવો જોઈએ. હું ન શોધી શકું તો મારી પાંચ જન્મની પ્રીતને લાંછન લાગે.” આમ વિચારતાં તેમના સમગ્ર દેહમાં એક ધ્રુજારી પ્રસરી ગઈ.
ક્યાં હશે એ મારો જન્મજન્મનો ભાઈ? નથી એના નામની ખબર, નથી એના ગામની ખબર! કેમ શોધવો?” મૂંઝવણ વધતી ગઈ. ઘણા વિચાર-મંથનને અંતે એક વિચાર મનમાં ઝબક્યો. એક યુક્તિ લાધી. એ યુક્તિ અનુસાર, તેમણે એક ગાથા રચી. આ ગાથામાં તેમના પૂરા પાંચે ભવોનો ખ્યાલ આપ્યો. ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org