Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૩
પ્રસ્તુત પત્રની વિશિષ્ટતા
પણ આ પેપર એક એવું પેપર છે કે જો આત્મપ્રશંસા ન ગણાતી હોય તો એમ કહેવું જોઈએ કે જૈનજનતામાં એવું કોઈપણ પેપર નથી કે જેનું અથથી ઈતિ સુધીનું લખાણ ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનના શાસનના ઉદયને ધ્યાનમાં રાખી આગમથી અબાધિતપણે પૂજ્ય પુરુષો તરફથી લખાતું હોય, પણ ફક્ત આ એકજ એવું પેપર છે કે જેમાં આગમના વિધવિધ પદાર્થો વિધવિધ યુક્તિથી સમજાવીને આગમની સાક્ષીઓ સાથે તત્ત્વનો પ્રચાર કરે છે, અને એટલા જ માટે આ પેપરની બીજી એક વિશિષ્ટતા જળવાઈ રહી છે અને જળવાશે તે એ કે આ પેપરના સર્વ અંશે લખનાર પૂજ્ય પુરુષના પણ સામૈયાના આડંબરો તેમજ તેઓશ્રીના ઉપદેશ અગર આશ્રયથી થયેલાં ઉપધાન, ઉદ્યાપન, અઠ્ઠાઈમહોચ્છવ વિગેરે ધાર્મિક કાર્યોનો પણ હેવાલ આપવામાં આવતો નથી, તો પછી તેના ગ્રાહકો અને સહાયકોની પ્રશંસાના ડિંડિંમ તો આ પેપર સ્વપ્ને પણ વગાડે જ ક્યાંથી ? અન્ય માસિક, પાક્ષિક કે સાપ્તાહિક પેપરોમાં જ્યારે તે સામૈયા વિગેરેને અંગે અંકોના અંકો સુધી તંત્રી, સહાયક કે લેખકના અંગત કરેલા ધાર્મિક કાર્યોના બણગા ચાલે છે. તે બધું મધ્યસ્થ દ્રષ્ટિએ જોનારને આ પત્રની વિશિષ્ટતા લાગ્યા સિવાય કદાપિ રહેશે જ નહિ.
આ પત્રરૂપ થાલમાં પીરસાતી રસવતી
સામાન્યપત્રને અંગે આટલું જણાવી મારા વાચકોને વિશેષતાએ એ જણાવવાનું છે કે આ પેપરમાં આગમરહસ્ય અને પૂજ્યપુરુષની અમોઘદેશના તથા ચતુર્વિધસંઘમાંથી કોઈએ પૂછેલા કે પૂછવાલાયક એવા પ્રશ્નોત્તરો વર્ષોથી આપવામાં આવ્યા છે અને આ વર્ષમાં પણ તેવી જ રીતે અપાશે.
તા. ૩૦-૧૦-૧૯૩૬
સમાલોચનાની જરૂર શી ? અને સુંદરપણું કેમ જળવાય છે ?
જગતમાં બને છે કે કોઈ પણ ચાહે જેટલો સાચો પણ પક્ષ હોય, છતાં પણ તેની ઉપર શંકા અને કટાક્ષ કરનારો વર્ગ નીકળ્યા સિવાય રહેતો જ નથી અને કેટલીક વખત તેવા કટાક્ષ કરનાર અને તેવી શંકા કરનારાઓને સામા ઉત્તરો આપતાં પત્રનું અને પત્રકારનું મુખ્ય ધ્યેય ચૂકી જવાય છે અને પછી ઉત્તર, પ્રત્યુત્તરમાં જ પેપરના આખા અંકોના અંકો ભરાય છે, તેવી સ્થિતિ આ પત્રની ન થાય અને શાસનથી વિરૂદ્ધ લખનારો, શંકા કે કટાક્ષ કરનાર અગર કોઈપણ હોય તો તેને સાચો માર્ગ સમજવા પૂરતો મુદ્દો આપવા માટે જ સમાલોચનાનો વિષય રાખવામાં આવેલો છે. જો કે સમાલોચનાના ટુંકા લખાણને અંગે કેટલાક ટીકા કરવા તૈયાર થાય છે અને થયા છે, છતાં તેઓએ કરેલી ટીકાને ધ્યાન બહાર ઘણી વખત કાઢી નાખીને આ પત્ર પોતાના ધ્યેયમાં અડગ રહેલું છે. જ્ઞાનપંચમી આદિ મોટા મોટા પર્વોના પ્રસંગે તે તે પર્વોની આરાધના કરનારાઓને તે તે પર્વની આરાધનામાં પરિણામની વૃદ્ધિ થાય તે માટે પ્રસંગે પ્રસંગે પર્વોનો મહિમા વગેરે પણ આ પેપર તરફથી જણાવવામાં આવે છે. અનિયમિતતાની ક્ષન્તવ્યતા
જો કે દૈનિક અને સાપ્તાહિક પેપરોની વ્યવસ્થા માટે સારા પ્રમાણમાં સ્ટાફ રોકવામાં આવે છે અને ઘણા ભાગે તે નિયમિત નીકળે છે, છતાં તેમાં પણ સાપ્તાહિકો માત્ર કોઈ કોઈ વખત જ અનિયમિત થઈ જાય છે, પણ આ પાક્ષિક પેપર હોવાથી નિયમિત સગવડ કરવાના પ્રયત્નો છતાં પણ મુખ્યતાએ એકજ હાથે લખાવાનું હોવાથી અને મુદ્રણ તથા પ્રકાશન સ્થાન દૂર રહેવાથી નિયમિત નીકળી શકતું નથી, પણ તે અનિયમિતપણું બીજા કોઈ કારણથી નથી એમ વાચકો સહેજે સમજી શકે તેમ છે.
તંત્રી.