________________
૨૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૨, ખંડ - ૧
અહી બન્ને પંક્તિઓ સંશ્લિષ્ટ છે. મુક્તકમાં જે ચમત્કૃતિ હોવી જોઈએ તે આમાં છે.
વાર્તામાં બન્ને પંક્તિમાં પ્રશ્ન પૂછ્યો હોય એવી સમસ્યાઓ પણ મળે છે. જેમકે
શિયા સરોવર દેખાડ જ્યાં પાણી કે નવ પાળ તાસ તણે કોળાંલડે, પંખી વહુાં ડાળ
શિવાજીએ ઉત્તર આપ્યો “સરોવર તે કાન, ને પક્ષી તે કાનમાં પહેરેલી તોળી અથવા વાળી’.
આ રીતે મધ્યકાલીન સાહિત્યમાં સમસ્યાનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. એ યુગમાં માનવની વ્યવહારુ બુદ્ધિનો તાગ કાઢવાનું સમસ્યા એ એક વિશ્વસનીય સાધન મનાતું. મુક્તકોની જેમ એકની એક સમસ્યા આપણને અનેક વાર્તાઓમાં મળે છે. એ વાર્તામાં પ્રયુક્ત હોવા છતાં વાર્તાથી ભિન્ન એ સ્વયંપર્યાપ્ત સાહિત્યપ્રકાર હતો.
પદ : મુક્તકમાં લાગણી પાસાદાર હોય છે. જ્યારે પદમાં લાગણી પ્રવાહી હોય છે. પદ સંસ્કૃત શબ્દ છે જે ચરણના અર્થમાં પ્રયોજાય છે. આમ પદનો અર્થવિસ્તાર ચરણમાંથી કડીમાં અને પછી કડીસમૂહમાં થયો. ડોલરરાય માંકડે પદને સ્વતંત્ર કાવ્યરૂપ માન્યું નથી, પણ એને લઘુકાવ્યનો એક પ્રકાર ગયું છે. એ મુક્તક કરતાં મોટો તથા આખ્યાન કરતાં નાનો – એ બેની વચ્ચેનો કાવ્યપ્રકાર છે.
પદ વૈષ્ણવ શાક્ત, વેદાંતીઓ, શૈવ તથા જૈન એમ બધા જ કવિઓએ રચ્યાં છે. જૈન કવિઓએ સ્તવન, સજ્જાય, વંદન વગેરે સંજ્ઞાથી રચેલાં કાવ્યો પદનાં જ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. દયારામનાં પદ, ગરબા તથા ગરબી વચ્ચે ખાસ ભેદ જણાતો નથી. પ્રીતમની દાણની ગરબીઓને પદ સંજ્ઞા અપાઈ છે. રણછોડભક્તનાં પદોમાં રાગ ગરબી એવો ઉલ્લેખ છે. નરસિંહનાં પ્રભાતિયાં એ પણ પદો જ છે.
પદનું ઉત્પત્તિસ્થાન ઊર્મિ છે. જે ઊર્મિની પદમાં અભિવ્યક્તિ થાય છે તે બે પ્રકારની છે. એક પ્રેમલક્ષણા ભક્તિની અને બીજી ઉપદેશાત્મક. નરસિંહ, મીરાં કે પ્રેમાનંદ પ્રેમસખી) ગોપીભાવે જે કાવ્યોચિત ઊર્મિ અનુભવતાં – મિલન માટેનો તલસાટ, મિલન થતાં ઉદ્દભવતો હર્ષોતિરેક કૃષ્ણ જોડેની પ્રણયક્રીડાનું કાલ્પનિક ચિત્રનિરૂપણ, એ બધાની પાછળ પ્રેમલક્ષણા ભક્તિની ઊર્મિ રહેતી