________________
આનંદઘનજીએ પણ આ જ કહ્યું છે કે ‘હું જે પ્રાપ્ત કરવા માગું છું તે જીવનનું અમૃત છે. મેં જગતમાં વિષના કટોરા પી લીધા છે, હવે આત્માની તૃષા છિપાવવા માટે મારે અમૃતદર્શનના પ્યાલા પીવા છે.'
ચેતનાની આ શક્તિ છે. એ, ક્ષણને યુગો સુધી લંબાવી શકે અને યુગોને એક ક્ષણમાં સમાવી શકે, પણ તે શરીર નહિ, ચેતના. શરીર અને ચેતના બે જુદાં છે. ચેતના જાય એટલે શરીર ખોખું માત્ર બની જાય છે. આ ચેતના એટલે
આનંદઘન.
આપણા બધાની અંદર પણ એ જ સૂતેલો છે. એને શ્રવણ દ્વારા જાગ્રત કરવાનો છે; પોઢેલાને જગાડવાનો છે.
આપણે આ ગુણ-રત્નો જાણવા અને પામવા કેડ બાંધવી પડશે. સમય કાઢી આ ‘ધર્મ-રત્ન'ના વાચન અને સમજણની પાછળ સમય ખર્ચવો પડશે, તો જ આ ગ્રંથનાં સૂત્રોમાં શી અમીધારા ભરી છે એ તમે જાણી શકશો.
સમય પ્રમાણે ઉપદેશની રીત, તર્કો, દલીલો બદલાઈ શકે, પણ મૂળસૂત્રો કાંઈ બદલાતાં નથી. કેટલાક કહે છે કે એ સૂત્રો જૂનાં છે. અમારે તો નવી જાગતી-જીવતી વાતો જોઈએ. પણ એ લોકો જાણતા નથી કે આ સૂત્રો પચીસસો વર્ષે તો શું પણ અઢી લાખ વર્ષે પણ એની ચિનગારીથી પ્રેરણા આપનારાં રહેવાનાં.
આ રત્નો જેઓ શ્રેયાર્થી થવા માગે છે, તેમને માટેનાં છે, જેને આ ઉપદેશની જરૂર છે, તેને જ એ આપવામાં આવે છે.
આત્માના વિકાસ માટે આપણે જ્યાં ધર્મની ધારા વહેતી હોય ત્યાં જવાનું છે. જે માણસ રત્નો માટે ઝંખે છે એ જ એની કિંમત કરી શકે છે, બાકી તો જેને જરૂર નથી એવાને એ દેવા જશો તો આની કિંમત એને કોડીની લાગશે. માટે ‘ધર્મ-રત્ન’ અધિકારીને અને યોગ્ય હોય તેને જ અપાય; ગમે તેને નહિ. આપણે એવા અધિકારી થવાનું છે. આ ધર્મને રત્નોની ઉપમા આપી છે, કારણ ઉપમા હમેશાં શ્રેષ્ઠની જ હોય. વિશ્વની બધી વસ્તુઓમાં રત્ન જેમ કીમતી છે તેમ ધર્મ સર્વ રત્નોથી પણ કીમતી છે. આ શ્રેષ્ઠ ધર્મને સમજવા આપણે દૃષ્ટિ કેળવવાની છે, એના અધિકારી બનવાનું છે. તો જ આપણે એ ધર્મરત્નને પામી શકીશું. આ ‘ધર્મ-રત્ન' પામવા કઈ કથા સાંભળવી ?
તા. ૩૦-૭-૧૯૭૦
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં * ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org