________________
જુદી લોકભાષાઓમાં તેના અનુવાદો અને વિવરણો પણ વિદ્યમાન છે.
એક તાંત્રિક શબ્દશક્તિ અને વિચારશક્તિ દ્વારા કોઈનું કાંઈ બગાડવા કે સુધારવા પ્રાયસ કરે, તેનું ફળ ટૂંકા સમયનું હોઈ શકે છે. કોઈ ચિકિત્સક ધ્વનિચિકિત્સા, સંગીતચિકિત્સા અને રેકી જેવી પદ્ધતિ દ્વારા ધ્વનિશક્તિ અને વિચારશક્તિનો ઉપયોગ કોઈના રોગ મટાડવામાં કરે, તેનું ફળ થોડા લાંબા સમયનું હોઈ શકે છે. આ જ શક્તિઓ દ્વારા ફળ-શાકભાજીઓના ઉત્પાદનમાં ચમત્કારિક પરિણામો મેળવવાના પ્રયોગો થાય છે, તે પણ ઓછા-વત્તા અંશે સફળ થઈ શકે છે. પણ આ બધું જ કિનારે કરેલા છબછબિયા જેવું છે. આપણા પૂર્વમહર્ષિઓ છેક મઝધારે ગયાં છે, એટલું જ નહીં, સાગરના તળ સુધી પહોંચ્યા છે. તેમણે જીવન અને જન્મોજનમનો વિચાર કર્યો છે.
વિજ્ઞાનીઓ રોગની દવા શોધે છે. એ દવાના વધુ સારા વિકલ્પો શોધે છે. એ દવાની આડ-અસરો કેમ ઓછી થાય, એનું સંશોધન કરે છે. અને એક જગજાહેર વાત છે, કે વિજ્ઞાનની પ્રગતિ સાથે સાથે રોગોની વસતિમાં ભયજનક વધારો થતો રહ્યો છે. આની સામે ઋષિ-મુનિઓ કોઈ પણ દુઃખના મૂળ સુધી ગયા છે. રોગ આવ્યો ક્યાંથી? વિજ્ઞાની કહેશે, સિઝન, પ્રદૂષણ, બેક્ટરિયા કે વાયરલ ઈફેક્ટથી...ના, આ મૂળ નથી. જે કારણ સાર્વત્રિક હોય. તેનું પરિણામ પણ સાર્વત્રિક હોવું જોઈએ. બધા એ જ સિઝનમાં રહ્યા છે. તો બધાને રોગ કેમ ન થયો ? એક દેશ - એક જ શહેર - એક જ ઘરમાં રહેતા એક જ માતા-પિતાના પુત્રો ને એ પણ જોડિયાં ભાઈઓ.. એક સરખા વાતાવરણમાં એક સરખા ખોરાક-પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાંથી એકને જ કેન્સર કેમ થયું? વિજ્ઞાન હજી પણ માથું ખંજવાળી રહ્યું છે. અને ઋષિ-મુનિઓ પાસે એનો જવાબ અનાદિસિદ્ધરૂપે વિદ્યમાન છે -
दुःखं पापात् । દુનિયાનું કોઈ પણ દુઃખ પાપથી આવે છે. સર્વ દુઃખનું મૂળ છે પાપ. અંતર્ગત પાપ જ બાહ્ય નિમિત્તોના માધ્યમે જીવને દુઃખી કરે છે. બાહ્ય નિમિત્ત અકસ્માત હોઈ શકે, હત્યા હોઈ શકે, રોગજનક વાતાવરણ, કીટાણુ વગેરે હોઈ શકે, વેપારમાં નુકશાની હોઈ શકે, પણ આ બધું મૂળ નથી, માધ્યમ છે. જ્યાં સુધી મૂળ દૂર નહીં થાય, ત્યાં સુધી દુઃખોનો અંત નહીં આવે. દુઃખોનો અંત કરવાનો ઉપાય આ જ છે કે જીવ નવા પાપો કરવાનું છોડી દે અને આ જન્મમાં ને પૂર્વજન્મમાં કરેલા પાપોનો વિનાશ કરે.